Wed Aug 19 2026

Logo

ભીમાશંકરનું જ્યોતિર્લિંગ મંદિર 3 મહિના માટે બંધઃ કારણ શું છે?

2026-03-12 20:04:39
Author: Mumbai Samachar Team
Article Image

પુણેઃ ભારતના બાર જ્યોતિર્લિંગમાંથી એક પુણે જિલ્લામાં આવેલા પ્રખ્યાત ભીમાશંકર મંદિર પરિસરના વિકાસ માટે એક મોટી યોજના અમલમાં મૂકવામાં આવી રહી છે. વહીવટીતંત્રે  મંદિર પરિસરના પ્રવેશદ્વાર પાસે વસેલા 125 પરિવારનું પુનર્વસન કરવા અને 10.5 એકર જમીન પર એક નવું આયોજિત ગામ બનાવવાનો પ્રસ્તાવ ગ્રામજનો સામે મૂક્યો છે. આ પ્રોજેક્ટનો ખર્ચ આશરે 174 કરોડ રૂપિયા થવાની ધારણા છે.

હાલમાં, મંદિરનું વિસ્તરણ કાર્ય ચાલી રહ્યું છે અને આ કાર્ય માટે મંદિર ત્રણ મહિના માટે બંધ કરવામાં આવ્યું છે. આગામી કુંભ મેળા 2027 દરમિયાન દરરોજ લગભગ એક લાખ ભક્તો દર્શન માટે આવે તેવી અપેક્ષા હોવાથી, વહીવટીતંત્રે મંદિર વિસ્તારમાં ટ્રાફિક અને પ્રવેશ વ્યવસ્થામાં સુધારો કરવાની જરૂરિયાત વ્યક્ત કરી છે.

મંદિરના પ્રવેશદ્વાર પાસે હાલમાં લગભગ 110 ઘરો હોવાથી ભક્તોને આવવા-જવામાં ઘણી મુશ્કેલી પડે છે. તેથી, મંદિરથી માત્ર 150 મીટર દૂર નવી જગ્યાએ આ પરિવારોને ફરીથી વસાવવાનો પ્રસ્તાવ મૂકવામાં આવ્યો છે. આ સંદર્ભમાં ગુડી પડવાના દિવસે ગ્રામજનોની બેઠક યોજાશે અને તેમાં અંતિમ નિર્ણય લેવામાં આવશે.

વહીવટીતંત્ર દ્વારા પ્રસ્તાવિત નવા ગામનું તબક્કાવાર આયોજન કરવામાં આવશે. પ્રથમ તબક્કામાં, કુલ વિસ્તારના 20 ટકા પર ગ્રામ પંચાયત કચેરી, શાળા, પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર અને પાર્કિંગ પ્લાઝા બનાવવામાં આવશે. 

બીજા તબક્કામાં, 35 ટકા વિસ્તાર પર વિસ્થાપિત પરિવારો માટે ઘરો બનાવવામાં આવશે. ત્રીજા તબક્કામાં, 15 ટકા વિસ્તારમાં 40 થી 50 હેરિટેજ દુકાનો અને ખુલ્લી જગ્યાઓ વિકસાવવામાં આવશે. 

આનાથી સ્થાનિક લોકોને રોજગારીની તકો પણ મળશે તેવી અપેક્ષા છે. ચોથા તબક્કામાં, બાકીના 30 ટકા વિસ્તારમાં 9 મીટર પહોળો રસ્તો વન્યજીવને પરિસરમાં આવતા અટકાવવા માટે રક્ષણાત્મક દીવાલ અને મોટા પાયે વૃક્ષારોપણ કરવામાં આવશે.

મંદિર વિસ્તારનો વિકાસ ભક્તો માટે સરળ વ્યવસ્થા અને સ્થાનિક લોકોના પુનર્વસન વચ્ચે સંતુલન સાધવાની દ્રષ્ટિએ મહત્વપૂર્ણ માનવામાં આવે છે. વહીવટીતંત્રે જણાવ્યું હતું કે ગ્રામજનોની સંમતિ બાદ આ નવા ગામનું બાંધકામ ઝડપી બનાવવામાં આવશે.