Tue Aug 18 2026

Logo

ભીખનું શાસ્ત્ર

2026-08-02 10:51:00
Author: Vinod Bhatt
Article Image

 

 

 

વિનોદ ભટ્ટ

 

મને નાનપણમાં સ્કૂલે જવાનું સ્હેજ પણ ગમતું નહીં. મા ઢસડીને સ્કૂલે લઈ જતાં રસ્તામાં બબડતી: ‘ભણીશ નહીં તો શું, ભીખ માગીશ?’ પણ એ વખતે મને કે મારી માનેય જાણ નહોતી કે ભીખ માગવા માટે પણ તેનું શાસ્ત્ર ભણવું પડે. અસરકારક રીતે ભીખ કેવી રીતે માગી શકાય એ માટેની એક શાળા ન્યૂ યોર્કમાં ચાલે છે, જેમાં ભીખ અંગેના વ્યવસ્થિત તાલીમવર્ગો લેવાય છે. એ સ્કૂલનું નામ છે: ‘ઉમર્સ સ્કૂલ ઑફ બેગર્સ.’ આ સ્કૂલમાં ભીખનું શાસ્ત્ર શીખવતો. અભ્યાસક્રમ પણ તૈયાર કરવામાં આવ્યો છે અને તે ભણાવવાની ફી પેટે વાર્ષિક સવા બે લાખ રૂપિયા જેટલી આવક તે સ્કૂલ ફી પેટે મેળવે છે - ભીખની શીખમાંથી.

 

આમાં મઝાની વાત પાછી એ છે કે આ સ્કૂલના વિદ્યાર્થી લેખે ગલીઓમાં કે ટ્રેનોમાં રખડતા અભણ માણસો નથી. પણ મોટા ભાગના તો વિવિધ ક્ષેત્રના સ્નાતકો છે. ગ્રેજ્યુએટ થયા પછી પણ ક્યાંય ઠેકાણું નહીં પડવાથી તે વધુ અભ્યાસાર્થે આ શાળામાં દાખલ થયા છે. આ સ્કૂલમાં વિદ્યાર્થીને થિયરી તેમ જ પ્રૅક્ટિકલ બંનેનું જ્ઞાન આપવામાં આવે છે. જોડી કાઢેલી, ઉપજાવેલી કરુણ અને હૃદયદ્રાવક વાર્તાઓ કહી લોકોની દયાવૃત્તિ ઉશ્કેરવાની જુદી જુદી 64 તરકીબો (કથાઓ) પણ કોર્સમાં શીખવવામાં આવે છે. શરીર પર જખ્મ કરવો, હિન્દી ફિલ્મોમાં બતાવવામાં આવે છે એવું ખોટેખોટું - ટોમેટો કેચ-અપ જેવું લોહી વહેવડાવવું.

કોઈ થિયેટર કે મંદિર પાસે ક્યારેક લંગડા ને કોઈ વાર અંધ સાથી પિકચર જોવા ગયો હોય એવા સંજોગોમાં આંધળા ભિક્ષુકનો અભિનય કરવો, ખોટેખોટા હાથ-પગ તોડી તે પ્લાસ્ટરમાં રાખવાની યુક્તિ અજમાવવી વગેરે અહીંના અભ્યાસક્રમમાં હોય છે. અન્ય સ્કૂલો - યુનિવર્સિટીઓની માફક આ સ્કૂલમાં પણ વર્ષાન્તે પરીક્ષા લેવાય છે. જેમાં ચોરી કર્યા વગર જ પાસ થવાનું ફરજિયાત હોય છે. ત્યાર બાદ પદવીદાન સમારંભો યોજી ડિગ્રીનું સર્ટિફિકેટ પણ એનાયત કરવામાં આવે છે. (ઉ.ત. બી.બી.- બૅચલર ઑફ બેગિંગ.)

 

જોકે આપણા દેશમાં તો જાહેરમાં ભીખ માગવી એ ફોજદારી ગુનો બને છે અને ભિક્ષુકધારા હેઠળ ભીખ માગનારની સામે કામ પણ ચલાવી શકાય છે, પરંતુ ઘડીભર માની લઈએ કે આવી તાલીમ શાળાઓ ભારતમાં ખોલવામાં આવે તો! આમ જોવા જઈએ તો આ એક વ્યવસાયલક્ષી તાલીમ છે એટલે બેકારી હળવી કરવા આ પ્રકારની તાલીમ શાળાઓ સ્થાપી હોય અને સરકાર તેને અપવાદરૂપ કિસ્સામાં છૂટ આપે - ચાલવા દે તો તે ચોક્કસ ચાલે. બી.એ. કે બી.કૉમ. થયા બાદ પરચૂરણ નોકરી મેળવવા માટે દોડધામ કરવા કરતાં તો આવા સ્વતંત્ર વ્યવસાયમાં ઝુકાવવાનું ઘણાંને ગમશે. શરૂ શરૂમાં થોડી શરમ આવશે, એ સ્વાભાવિક પણ છે, પણ પછી ધીરેધીરે એય નાસી જશે. પણ -

 

પણ આમાં સાલી એક મુશ્કેલી ઊભી થવાની. આ સ્કૂલોની સામે ટ્યુશન કલાસિસ પણ શરૂ થઈ જવાના - ભીખનાં શાસ્ત્ર અંગેનાં. સ્કૂલની પરીક્ષાનાં પરિણામો જાહેર થતાંની સાથે જ ટ્યૂશન -કલાસિસની પાનાંનાં પાનાં ભરીને છાપાઓમાં જાહેરખબરો ત્રાટકવા માંડશે. દસમા - બારમા ધોરણની પરીક્ષાઓનાં પરિણામોની જેમ ભિક્ષુક તાલીમ શાળાઓની પરીક્ષાનાં પરિણામો પ્રગટ થાય એના બીજા જ દિવસે આ ટ્યૂશન કલાસિસની કેવી કેવી જાખ છાપવામાં આવશે તેની એક ઝલક:

 

‘ભિક્ષાન્દેહિ કલાસ’નું ગૌરવ

 

જેને ભણવું જ છે એવા વિદ્યાર્થીઓ શાળાને બદલે ટ્યૂશન કલાસને વહાલો કરે છે એ અનુભવસિદ્ધ હકીકત છે. અમારા ટ્યુશન - કલાસના એકસો સાતે સાત - તમામ વિદ્યાર્થીઓ ભીખ અંગેની શાળાન્ત પરીક્ષામાં આ વર્ષે સારા માર્ક્સથી ઉત્તીર્ણ થયા છે અને છન્નુ વિદ્યાર્થીઓએ તો ડિસ્ટિંકશન માર્ક્સ પ્રાપ્ત કરેલ છે. બેગિંગના  પ્રેક્ટિકલ્સમાં નવ્વાણુ માકર્સ મેળવીને ભીખાલાલ સુદામા પુરિયાએ અમારા કલાસનું ગૌરવ વધાર્યું છે. પચ્ચીસ જુલાઈએ શરૂ થનાર નવી બૅચમાં જોડાવા ઈચ્છુક ભાવિ ભિક્ષુકોએ તુરત જ પ્રવેશ મેળવી લેવો. પ્રવેશ વહેલો તે પહેલાના ધોરણે રહેશે. પરસેવો પાડ્યા વગર ભીખનું શાસ્ત્ર શીખવનાર એક માત્ર ઍરકન્ડિશન્ડ કલાસ એટલે ‘ભિક્ષાન્દેહિ ટ્યૂશન કલાસ...’ ગુજરાતની બહાર અંગ્રેજીમાં ભીખ માગવા ઈચ્છતા વિદ્યાર્થીઓ માટે અમારે ત્યાં ઇંગ્લિશ મિડિયમની અલગ વ્યવસ્થા પણ છે. તેમાં મર્યાદિત સંખ્યા લેવાની હોઈ તાત્કાલિક ઍડ્મિશન મેળવી લેશો.

 

(તા.ક.: ‘માસ પ્રમોશન’ની અપેક્ષા રાખનાર વિદ્યાર્થીઓને માટે પ્રવેશ બંધ છે.)

 

‘બેગવૅલ ટ્યૂશન-કલાસ’ની જાખ

 

આપણા દેશ માટે બહારના દેશોમાં એવી છાપ પડી ગઈ છે કે ભારત ફક્ત જાદુગરો અને ભિક્ષુકોનો જ દેશ છે. છતાં અફસોસની વાત એ છે કે આપણને શાસ્ત્રીય ઢબે, સાયન્ટિફિક પદ્ધતિએ ભીખ માગતાંય નથી આવડતું. ભિક્ષુક તરીકેની ઉજજવળ કારકિર્દી ઝંખનારાઓ માટે જ અમે આ કલાસ ચલાવીએ છીએ. આ ક્ષેત્રનો બહોળો અનુભવ ધરાવનારા અને આ જ ક્ષેત્રમાં પોસ્ટ ગ્રૅજ્યુએટ થયેલ સ્કૉલર ભિક્ષુકોની માનદ્ સેવાઓનો લાભ ફક્ત આ ક્લાસને જ મળ્યો છે.

 

મુખ્યમંત્રી તેમ જ શિક્ષણમંત્રીએ સામે ચાલીને આ ક્લાસને આશીર્વાદ આપેલ છે, કેમકે બેરોજગારી હટાવવાની સરકારની ફરજ અમે સ્વેચ્છાએ ખંતથી બજાવીએ છીએ. અમારે ત્યાંથી બહાર પડેલ એક પણ વિદ્યાર્થી ભૂખથી નથી મર્યો. અમારા ક્લાસમાંથી દીક્ષા લીધેલ વિદ્યાર્થી ભૂખ્યો સૂતો નથી એટલું જ નહીં, તે ભૂખ્યો ઊઠતો પણ નથી! મહિને દહાડે એક હજારથી પાંચ હજાર રૂપિયા કમાવાની ગૅરંટી આપનાર એકમાત્ર ક્લાસ હોય તો તે છે ‘બૅગવેલ ટ્યૂશન ક્લાસ.’

 

(નોંધ: અમારી કોઈ શાખા નથી.)

 

સમગ્ર ગુજરાતમાં પ્રથમ નંબરે આવનાર વિદ્યાર્થી ભીખેશ શકોરાવાલા અમારા ટ્યૂશન ક્લાસ માટે શું કહે છે તે જુઓ: ‘ભીખની પરીક્ષામાં હું શકોરું ભરીને માર્ક્સ લાવ્યો તેનો તમામ યશ હું ‘બૅગવેલ ટ્યૂશન કલાસ’ના સંચાલકોને જ આપું છું.

 

ખાસ કરીને ‘બૅગવેલ ક્લાસ’ના આદરણીય શ્રી વિપ્રસાહેબે મારી પાછળ શ્રમ લઈને મને જે રીતે ભીખ માગવાની અજોડ તાલીમ આપી, વધુ માર્ક્સ મેળવવાની પ્રેરણા આપી જેને પરિણામે હું સારાય ગુજરાત કેન્દ્રમાં પ્રથમ આવી શકયો.

 

પત્રકારો મને પૂછ્યા કરે છે કે તેં ભીખ માગવાના ભણતરમાં જ કેમ ઝંપલાવ્યું? મારો જવાબ એ છે કે એક ભીખનો જ ધંધો એવો છે કે જેમાં દેવાળું કાઢવાની સહેજ પણ શક્યતા નથી...