Fri Jun 12 2026

Logo

ભાયંદરમાં વિસ્ફોટ થયા વિનાનો દારૂગોળો મળતાં  ગભરાટ: એનએસજીની મદદથી નિષ્ક્રિય કરાયો

2026-06-11 18:47:11
Author: Yogesh C Patel
Article Image

થાણે: ભાયંદરમાં જમીનમાં અડધો દટાયેલો ધાતુનો ગોળો વિસ્ફોટ થયા વિનાનો દારૂગોળો હોવાનું જણાતાં ગભરાટ ફેલાયો હતો. ગમે તે ક્ષણે બ્લાસ્ટ થઈ શકે એવા આ દારૂગોળાને નૅશનલ સિક્યોરિટી ગાર્ડ (એનએસજી)ની મદદથી નિષ્ક્રિય કરવામાં આવ્યો હોવાનું પોલીસે ગુરુવારે જણાવ્યું હતું.ઉત્તન સાગરી પોલીસ સ્ટેશનના સિનિયર ઈન્સ્પેક્ટર સુભાષચંર્દ માર્કડે જણાવ્યું હતું કે આ દારૂગોળો બુધવારે ભાયંદર નજીકના ઉત્તન પરિસરમાંથી મળી આવ્યો હતો. જમીનમાં અડધા દટાયેલા ધાતુના ગોળાને એક રાહદારીએ ભૂલથી લાત મારી હતી. ધાતુનો ગોળો તેની જગ્યાએથી ન ખસતાં રાહદારીએ તેનું નિરીક્ષણ કર્યું હતું.

કહેવાય છે કે ધાતુનો ગોળો વિચિત્ર લાખતાં રાહદારીએ પોલીસને જાણ કરી હતી. ઘટનાસ્થળે પહોંચેલી પોલીસે તપાસ કરતાં એ ગોળો ખરેખર તો બ્લાસ્ટ ન થયો હોય તેવો દારૂગોળો હતો, જેને યુએક્સઓ તરીકે ઓળખવામાં આવે છે.યુએક્સઓ એવું લશ્કરી વિસ્ફોટક ઉપકરણ છે, જે જમીન પરથી છોડી શકાય, હવામાંથી ફેંકી શકાય અથવા લૉન્ચ કરી શકાય. આનો ઉપયોગ કરાયો હશે, પણ તે વિસ્ફોટ થવામાં નિષ્ફળ ગયો હશે. એ ખતરારૂપ તો હતું જ, કેમ કે તે કોઈ પણ ક્ષણે બ્લાસ્ટ થઈ શકે એમ હતું, એવું અધિકારીએ જણાવ્યું હતું.

દરમિયાન દારૂગોળો હોવાની જાણ થતાં જ પોલીસે બૉમ્બ ડિટેક્શન ઍન્ડ ડિસ્પોઝલ સ્ક્વોડ (બીડીડીએસ)ને જાણ કરી હતી. બીડીડીએસે એનએસજીની મદદ માગી હતી. એનએસજીની ટીમ પણ તાત્કાલિક ઉત્તન પહોંચી હતી અને દારૂગોળાને નિષ્ક્રિય કર્યો હતો.પોલીસે જણાવ્યું હતું કે જ્યાં દારૂગોળો મળ્યો તેની નજીક ઘણાં ઝૂંપડાં છે. ઑપરેશન હાથ ધરતાં પહેલાં સતર્કતા ખાતર ઝૂંપડાં ખાલી કરાવીને રહેવાસીઓને દૂર જવાની સૂચના અપાઈ હતી. સદ્નસીબે કોઈ અનિચ્છનીય ઘટના બની નહોતી. (પીટીઆઈ)