બેંગલુરુઃ ઇઝરાયલ અને અમેરિકા ઈરાન પર હુમલો કરી રહ્યા છે. મધ્યપૂર્વના યુદ્ધની અસર વિશ્વના અનેક દેશો પર અસર જોવા મળી રહી છે. ખાસ કરીને વાત કરવામાં આવે તો, અત્યારે ઓઈલ પર મોટી અસર થઈ છે. ઈરાને હોર્મુઝ પર નાકાબંધી કરી તેના કારણે ક્રુડ ઓઈલમાં અછત સર્જાઈ છે. ભારતમાં પણ એલપીજીની અછત સર્જાઈ હોવાના દાવાઓ કરવામાં આવી છે. પરંતુ કેટલીક જગ્યાએ આનો ફાયદો ઉઠાવવામાં આવ્યો છે.
‘ગેસ કટોકટી ચાર્જ’ તારીકે 17 રૂપિયા ઉમેરવામાં આવ્યો
સોશિયલ મીડિયામાં એક બિલનો ફોટો વાયરલ થઈ રહ્યો છે. આ ફોટો બેંગલુરુના એક કેફેનો છે. આ કેફે દ્વારા લીંબુ પાણીના બિલમાં ગેસ કટોકટોનો ચાર્જ ઉમેરી દેવામાં આવ્યો છે. બિલ પ્રમાણે એક લીંબુ પાણીના ગ્લાસની કિંમત 179 રૂપિયા છે, અને બે ગ્લાસની કિંમત 358 રૂપિયા થાય છે. પરંતુ તેમાં 17 રૂપિયા ‘ગેસ કટોકટી ચાર્જ’ ઉમેરવામાં આવ્યો છે. બિલમાં ગેસ કટોકટી રૂપે 5 ટકા ચાર્જ ઉમેરવામાં આવ્યો એટલે જે બિલ 358 રૂપિયા હતું તે 374 રૂપિયા થઈ ગયું છે.
સોશિયલ મીડિયામાં લોકોએ પોતાનો રોષ વ્યક્ત કર્યો
લીંબુ પાણીના આ બિલનો ફોટો અત્યારે સોશિયલ મીડિયામાં ખૂબ જ વાયરલ થઈ રહ્યો છે. જેમાં લોકો પણ પોતાનો રોષ વ્યક્ત કરી રહ્યાં છે. કેફે સંચાલક દ્વારા હજી કોઈ સ્પષ્ટીકરણ આપવામાં આવ્યું નથી કે આખરે શા માટે આ ચાર્જ વસૂલવામાં આવી રહ્યો છે. કાયદાકીય રીતે જોવામાં આવે તો આ ગેરકાનૂની છે. સંકટની સ્થિતિમાં લોકો સાથે વધુ રૂપિયા વસૂલવામાં આવી રહ્યાં છે.
ગેસ પર લીંબુ પાણી કોણ બનાવે?
આ બિલ સોશિયલ મીડિયામાં વાયરલ થયા બાદ લોકો પ્રતિક્રિયા આપી રહ્યાં છે. એક વ્યક્તિએ કહ્યું કે, ગેસ પર લીંબુ પાણી કોણ બનાવે છે? ઈંધણ સંકટના નામે વધુ ચાર્જ લેવામાં આવી રહ્યો છે, તે ગ્રાહક સંરક્ષણ અધિનિયમ 2019 પ્રમાણે ગેરકાનૂની છે. આના માટે 50 હજાર સુધીના દંડની પણ જોગવાઈ કરવામાં આવેલી છે. એક વ્યક્તિએ તો એવી પ્રતિક્રિયા આપી છે કે, આ ફોટો સોશિયલ મીડિયામાં શેર કરવાની જગ્યાએ અધિકારીઓને ફરિયાદ કરવી જોઈએ. જેથી આ કેફે સંચાલક સામે કાર્યવાહી થાય. લોકો આ મામલે તપાસ કરવાની પણ માંગણી કરી રહ્યાં છે.