આગને કારણે સેન્ટ્રલ લૉકિંગ સિસ્ટમ ફૅલ થતાં બન્ને કારમાંથી બહાર નીકળી ન શક્યાં
બીડ: બીડ જિલ્લામાં બનેલી કમકમાટીભરી ઘટનામાં ટ્રક સાથે ટકરાયા પછી કાર સળગી ઊઠી હતી, જેમાં મહિલા સહિત બે ભડથું થઈ ગયાં હતાં. જીવ ગુમાવનારા બન્ને માતા-પુત્ર હોવાનું માનવામાં આવે છે. આગને કારણે સેન્ટ્રલ લૉકિંગ સિસ્ટમ ફૅલ થવાથી બન્ને કારમાંથી બહાર નીકળી ન શક્યાં હોવાનું કહેવાય છે.
પોલીસના જણાવ્યા મુજબ ઘટના શુક્રવારની સવારે 10.30 વાગ્યાની આસપાસ બીડ-અહિલ્યાનગર સ્ટેટ હાઈવે પર કાપસી ગામ નજીક બની હતી. પ્રાથમિક માહિતી પરથી પોલીસને જણાવ્યું હતું કે અંબાજોગાઈ તહેસીલમાંથી મહિલા અને યુવાન બીડ તરફ જઈ રહ્યા હતા ત્યારે આ ઘટના બની હતી. દોઈથાનથી આવનારી પથ્થરની કપચી ભરેલી ટ્રક વિરુદ્ધ દિશામાંથી કાર સાથે ટકરાઈ હતી.
ઘટનાને નજરે જોનારાઓના કહેવા મુજબ ટક્કર એટલી જોરદાર હતી કે તરત જ કારમાં આગ લાગી હતી. ગણતરીની સેક્ધડમાં જ કાર ભડકે બળવા લાગી હતી. આગ અથવા અકસ્માતને કારણે સેન્ટ્રલ લૉકિંગ સિસ્ટમ ફૅલ થઈ હશે, જેને કારણે બન્ને કારમાંથી બહાર નીકળી શક્યાં નહોતાં, એવું ઘટનાસ્થળે હાજર લોકોનું કહેવું છે.
આગ ઝડપભેર ફેલાઈ હતી અને મદદ માટે દોડી આવેલા સ્થાનિક રહેવાસીઓએ બન્નેને બચાવવાના પ્રયત્ન પણ કર્યા હતા. જોકે આગ પર કાબૂ મેળવવા આવે ત્યાં સુધી બન્નેનાં સળગીને મોત નીપજ્યાં હતાં, એવું અધિકારીએ જણાવ્યું હતું.
અકસ્માતે કારણે મોટી સંખ્યામાં લોકો એકઠા થયા હતા, જેને કારણે ટ્રાફિકની પણ સમસ્યા થઈ હતી. દરમિયાન અકસ્માત બાદ ટ્રક ડ્રાઈવર ફરાર થઈ ગયો હતો. પોલીસ તેની શોધ ચલાવી રહી છે. (પીટીઆઈ)