Thu Jun 18 2026

Logo

બુમરાહ અને અક્ષરનો વાર્ષિક પગાર વધારશે બીસીસીઆઇઃ જાણી લો શું છે કારણ...

2026-03-18 16:32:13
Author: Ajay Motiwala
Article Image

નવી દિલ્હીઃ પેસ બોલર જસપ્રીત બુમરાહ અને સ્પિન-ઑલરાઉન્ડર અક્ષર પટેલ આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં સતત સારું કરી રહ્યા હોવા છતાં બીસીસીઆઇ સાથેના તેમના સેન્ટ્રલ કૉન્ટ્રૅક્ટમાં તેમનો વાર્ષિક પગાર ઘટી ગયો છે, પરંતુ અહેવાલ મળ્યા છે કે તેમની સૅલરી હવે વધવાની છે. સેન્ટ્રલ કૉન્ટ્રૅક્ટ (Central Contract) દર વર્ષે નક્કી થાય છે અને એનો સમયગાળો 1 ઑક્ટોબરથી 30 સપ્ટેમ્બર સુધીનો હોય છે.

અહેવાલમાં એવું પણ જણાવાયું છે કે `બુમરાહ હવે `એ-પ્લસ'ને બદલે `એ' કૅટેગરીમાં છે, પણ તેની સૅલરી ઘટવી ન જોઈએ. `એ' કૅટેગરીમાં સામેલ પ્રત્યેક ખેલાડીને વર્ષે પાંચ કરોડ રૂપિયાનો પગાર મળે છે. બીસીસીઆઇએ `એ-પ્લસ' કૅટેગરી હવે બંધ કરી અને એમાં સાત કરોડ રૂપિયાનો પગાર આપવામાં આવતો હતો. અગાઉ રોહિત શર્મા અને વિરાટ કોહલી પણ `એ-પ્લસ' કૅટેગરીમાં હતા, પણ એ કૅટેગરી હવે બંધ કરાઈ છે. રોહિત-વિરાટ હવે માત્ર વન-ડે રમે છે.

એક જાણીતા અંગ્રેજી દૈનિકના અહેવાલ મુજબ બુમરાહ (Bumrah)ને અગાઉ વર્ષે સાત કરોડ રૂપિયાનો પગાર અપાતો હતો, પણ હવે પાંચ કરોડ મળશે એટલે તેને કેવી રીતે વધુ પૈસા આપવા એનો ઉકેલ બીસીસીઆઇ (BCCI) વિચારી રહી છે. બોર્ડનું એવું પણ માનવું છે કે બુમરાહને તેના હકના પૈસા મળવા જ જોઈએ.

અક્ષર પટેલ `સી' કૅટેગરીમાં છે અને એમાં સામેલ પ્રત્યેક પ્લેયરને વર્ષે એક કરોડ રૂપિયાને પગાર અપાય છે. તાજેતરના ટી-20 વર્લ્ડ કપમાં તેમ જ 2025ની વન-ડેની ચૅમ્પિયન્સ ટ્રોફી ભારતને જિતાડવામાં અક્ષર પટેલનું મોટું યોગદાન હતું. એ જોતાં ઘણા ક્રિકેટ નિષ્ણાતોએ અક્ષરને માત્ર એક કરોડની સૅલરી આપવા સંબંધમાં અવાજ ઉઠાવ્યો છે.

કઈ કૅટેગરીમાં કયો ખેલાડી છે?

ગ્રેડ `એ' (વાર્ષિક પગાર પાંચ કરોડ રૂપિયા)ઃ શુભમન ગિલ, જસપ્રીત બુમરાહ અને રવીન્દ્ર જાડેજા.

ગ્રેડ `બી' (વાર્ષિક પગાર ત્રણ કરોડ રૂપિયા)ઃ રોહિત શર્મા, વિરાટ કોહલી, કે. એલ. રાહુલ, હાર્દિક પંડ્યા, રિષભ પંત, કુલદીપ યાદવ, યશસ્વી જયસ્વાલ, સૂર્યકુમાર યાદવ, શ્રેયસ ઐયર, મોહમ્મદ સિરાજ અને વૉશિંગ્ટન સુંદર.

ગ્રેડ `સી' (વાર્ષિક પગાર એક કરોડ રૂપિયા)ઃ અક્ષર પટેલ, રિન્કુ સિંહ, તિલક વર્મા, શિવમ દુબે, અર્શદીપ સિંહ, સંજુ સૅમસન, પ્રસિદ્ધ ક્રિષ્ના, આકાશ દીપ, ધ્રુવ જુરેલ, હર્ષિત રાણા, વરુણ ચક્રવર્તી, નીતીશ કુમાર રેડ્ડી, અભિષેક શર્મા, સાઇ સુદર્શન, રવિ બિશ્નોઈ અને ઋતુરાજ ગાયકવાડ.

પ્રત્યેક ખેલાડીને મૅચ-ફી કેટલી મળે?

(1) એક ટેસ્ટ મૅચ રમવાના 15 લાખ રૂપિયા
(2) એક વન-ડે મૅચ રમવાના છ લાખ રૂપિયા
(3) એક ટી-20 મૅચ રમવાના ત્રણ લાખ રૂપિયા