Thu Jun 18 2026

Logo

2027ના વન-ડે વર્લ્ડ કપ માટે અત્યારથી 20 ખેલાડીના નામ નક્કી થઈ ગયા!

2026-03-20 18:08:20
Author: Ajay Motiwala
Article Image

હવે પાંચ સિલેક્ટરને આઇપીએલમાં મળી નવી જવાબદારી

નવી દિલ્હીઃ ભારતીય ક્રિકેટ ટીમે તાજેતરમાં જ વિક્રમજનક ત્રીજી વખત ટી-20 વર્લ્ડ કપની ટ્રોફી પર કબજો કર્યો અને હવે ભારતીય ખેલાડીઓની નજર 2027ના વન-ડે વર્લ્ડ કપ (ODI WC)ની ટ્રોફી પર છે અને એ માહોલમાં ભારતની સંભવિત વન-ડે વિશ્વ કપ ટીમને લગતી આશ્ચર્યજનક વાત બહાર આવી છે જેમાં જાણ થઈ છે કે ટીમ ઇન્ડિયાના સિલેક્ટર્સે 2027માં વન-ડેનો વર્લ્ડ કપ રમનારા 20 ખેલાડીની પસંદગી અત્યારથી જ કરી રાખી છે.

2027ના વન-ડે વર્લ્ડ કપને હજી દોઢ વર્ષનો સમય છે. ઑક્ટોબર-નવેમ્બર, 2027માં એ વિશ્વ કપ સાઉથ આફ્રિકા, ઝિમ્બાબ્વે, નામિબિયામાં રમાશે અને એમાં 14 દેશની ટીમ ભાગ લેશે. પાછલો વન-ડે વર્લ્ડ કપ 2023માં ભારતમાં રમાયો હતો જેની ફાઇનલમાં ઑસ્ટ્રેલિયા સામે ભારતનો પરાજય થયો હતો.

એક અહેવાલમાં જણાવાયું છે કે ભારતીય સિલેક્ટરો (SELECTORS)એ 20 ખેલાડીની પસંદગી કરી લીધી છે અને 28મી માર્ચે શરૂ થનારી આઇપીએલમાં આ તમામ ખેલાડીઓના પર્ફોર્મન્સ અને ફિટનેસ પર નજર રાખવામાં આવશે. રોહિત શર્મા અને વિરાટ કોહલીએ હજી વન-ડે ફૉર્મેટ નથી છોડ્યું. જોકે તેઓ દોઢ વર્ષ પછીના (2027ના) વન-ડે વર્લ્ડ કપમાં જોવા મળશે કે કેમ એ સૌથી મોટો સવાલ છે. જોકે 2027ની આઇપીએલના પર્ફોર્મન્સ પણ ગણતરીમાં લેવાશે.

આઇપીએલમાં એક તરફ ભારતીય ખેલાડીઓ પોતપોતાની ટીમને જિતાડવા પર ધ્યાન કેન્દ્રીત કરશે ત્યારે બીજી બાજુ અજિત આગરકરના અધ્યક્ષસ્થાનમાં સિલેક્ટરો (એસ. એસ. દાસ, આર. પી. સિંહ, અજય રાત્રા અને પ્રજ્ઞાન ઓઝા) ખેલાડીઓ પર નજર રાખશે. પસંદગીકારો આઇપીએલની વિવિધ મૅચો દરમ્યાન સમય મળશે ત્યારે સ્ટેડિયમોમાં હાજર રહેશે અથવા ટીવી પર પણ તેમના પર્ફોર્મન્સ નિહાળશે.

અજિત આગરકર મુંબઈમાં રહે છે, જ્યારે શિવસુંદર દાસ કોલકાતામાં રહે છે. આર. પી. સિંહ તથા અજય રાત્રા દિલ્હી-એનસીઆરમાં રહે છે. એવું મનાય છે કે તેઓ પોતપોતાના શહેરમાં રમાનારી આઇપીએલની મૅચ જોવા સ્ટેડિયમમાં જશે તેમ જ અન્ય કોઈ શહેરના સ્ટેડિયમની પણ મુલાકાત લેશે. પ્રજ્ઞાન ઓઝા બેંગ્લૂરુ તથા હૈદરાબાદમાં આઇપીએલની મૅચો જોશે. અહેવાલ અનુસાર બીસીસીઆઇ ઇચ્છે છે કે દરેક પસંદગીકાર અઠવાડિયામાં ઓછામાં ઓછી એક મૅચ સ્ટેડિયમમાં જઈને જુએ. એ રીતે દર સપ્તાહે મેદાન પરની પાંચ મૅચ કવર થઈ શકશે. સિલેક્ટરોએ 2027ના વિશ્વ કપ અને એ અગાઉ યોજાનારી ઑલિમ્પિક ગેમ્સને ધ્યાનમાં રાખીને 20 ખેલાડીઓનું સિલેક્શન અત્યારથી કરી રાખવામાં આવ્યું છે. આનો એવો પણ અર્થ કરી શકાય કે આ વખતની આઇપીએલમાંથી 2027ના વર્લ્ડ કપ માટે કોઈ નવા સ્ટારને સિલેક્ટ નહીં કરવામાં આવે.