Thu Jun 18 2026

Logo

BCCI Naman Awards 2026: વર્લ્ડ ચેમ્પિયન ખેલાડીઓને સન્માનિત કરાયા, બિન્નીને લાઈફટાઈમ અચિવમેન્ટ એવોર્ડ...

2026-03-15 22:38:23
Author: Mumbai Samachar Team
Article Image

BCCI


નવી દિલ્હી: ભારતીય ક્રિકેટની શાનદાર ઉપલબ્ધિઓની ઉજવણી કરવા માટે 15 માર્ચે નવી દિલ્હીમાં નમન એવોર્ડ્સ 2026નું આયોજન કરવામાં આવ્યું હતું. આ ભવ્ય સમારંભમાં ભારતીય ક્રિકેટના સ્ટાર ખેલાડીઓ અને દિગ્ગજોને સન્માનિત કરવામાં આવ્યા હતા. આ કાર્યક્રમમાં ખાસ કરીને તે ખેલાડીઓને સન્માન આપવામાં આવ્યું, જેમણે છેલ્લાં કેટલાક વર્ષોમાં ICC ટૂર્નામેન્ટ્સમાં દેશનું નામ રોશન કર્યું છે.  ICC T20 વર્લ્ડ કપ 2026, ICC ચેમ્પિયન્સ ટ્રોફી 2025, ICC વુમન્સ ODI વર્લ્ડ કપ 2025, ICC U19 વુમન્સ T20 વર્લ્ડ કપ 2025 અને ICC U19 મેન્સ વર્લ્ડ કપના વિજેતા ખેલાડીઓ અને ટીમોનો સમાવેશ થાય છે.

એવોર્ડથી સન્માનિત કર્યા
નમન એવોર્ડ્સ 2026માં ભારતીય ક્રિકેટના અનેક દિગ્ગજોને લાઇફટાઇમ એચિવમેન્ટ એવોર્ડથી પણ સન્માનિત કરવામાં આવ્યા હતા. તેમાં ભારતના પૂર્વ કોચ અને પૂર્વ કેપ્ટન રાહુલ દ્રવિડ, મહિલા ક્રિકેટની દિગ્ગજ મિતાલી રાજ અને પૂર્વ BCCI અધ્યક્ષ રોજર બિન્નીનો સમાવેશ થાય છે. મંચ પર પુરુષ, મહિલા અને U19 વર્લ્ડ કપ વિજેતા ખેલાડીઓના ગ્રુપ ફોટોશૂટ સાથે નમન એવોર્ડ્સ 2026નો સમાપન થયો હતો. નમન એવોર્ડ્સમાં BCCIએ ભારતીય ક્રિકેટના ત્રણ મહાન ખેલાડીઓને કર્નલ સી.કે. નાયડૂ લાઇફટાઇમ અચિવમેન્ટ એવોર્ડથી સન્માનિત કર્યા હતા. તેમાં રાહુલ દ્રવિડ, મિતાલી રાજ અને રોજર બિન્નીનો સમાવેશ થાય છે.

સ્મૃતિ મંધાનાને એવોર્ડ
ભારતની સ્ટાર મહિલા ક્રિકેટર સ્મૃતિ મંધાનાને મહિલા કેટેગરીમાં બેસ્ટ ઇન્ટરનેશનલ ક્રિકેટરનો એવોર્ડ મળ્યો હતો. મંધાનાએ પોતાના કરિયરમાં પાંચમી વાર આ પ્રતિષ્ઠિત એવોર્ડ જીત્યો છે. 2025નો U19 મહિલા વર્લ્ડ કપ જીતનાર ટીમને મેમેન્ટો આપવામાં આવ્યો હતો. આ અત્યાર સુધીની શ્રેષ્ઠ U19 ટીમ માનવામાં આવે છે, જેણે પોતાના તમામ મેચ ખૂબ જ શાનદાર રીતે જીત્યા હતા. મુંબઈની ઈરા જાધવને  જૂનિયર વુમન ક્રિકેટર ઑફ ધ યર એવોર્ડથી સન્માનિત કરવામાં આવી છે. જ્યારે શેફાલી વર્માને સિનિયર વુમન ક્રિકેટર ઑફ ધ યર એવોર્ડ આપવામાં આવ્યો છે. ભારતીય ટેસ્ટ અને ODI ટીમના કેપ્ટન શુભમન ગિલને 2024-25 સીઝન માટે બેસ્ટ ઇન્ટરનેશનલ ક્રિકેટર (મેન્સ)નો એવોર્ડ આપવામાં આવ્યો છે. સ્મૃતિ મંધાના માટે પણ ગયા વર્ષ દરમિયાન શાનદાર પ્રદર્શન રહ્યું હતું, જેના કારણે તેમને આ સન્માન મળ્યું છે.