Wed Jul 29 2026

Logo

આસિસ્ટન્ટ પોલીસ ઇન્સ્પેક્ટર દોઢ લાખની લાંચ લેતાં રંગેહાથ પકડાયો...

2026-03-17 17:30:54
Author: Yogesh D. Patel
Article Image

મુંબઈ: ભાઇની તરફેણમાં તપાસનો રિપોર્ટ રજૂ કરવા માટે ફરિયાદી પાસે દોઢ લાખ રૂપિયાની લાંચ માગવા અને સ્વીકારવા બદલ એન્ટિ-કરપ્શન બ્યૂરો (એસીબી)ના અધિકારીઓએ ખાર પોલીસ સ્ટેશનના આસિસ્ટન્ટ પોલીસ ઇન્સ્પેક્ટર (એપીઆઇ)ની ધરપકડ કરી હતી.

આ કેસના ફરિયાદીના ભાઇએ મિલકત સંદર્ભે બાંદ્રાની કોર્ટમાં ક્રિમિનલ કેસ દાખલ કર્યો હતો અને કોર્ટે ખાર પોલીસને તપાસનો આદેશ આપ્યો હતો. આ પ્રકરણની તપાસ એપીઆઇ તુષાર કાળેને સોંપવામાં આવી હતી. કાળેએ આ મામલે ફરિયાદીના ભાઇનું નિવેદન નોંધ્યું હતું. 

ફરિયાદી બાદમાં કાળેને મળવા ગયો હતો, જ્યાં તેણે ભાઇની તરફેણમાં તપાસનો રિપોર્ટ રજૂ કરવા માટે ત્રણ લાખ રૂપિયાની માગણી કરી હતી અને તડજોડને અંતે દોઢ લાખ રૂપિયા સ્વીકારવાની તૈયારી દર્શાવી હતી.

દરમિયાન ફરિયાદીએ આ પ્રકરણે એસીબીનો સંપર્ક સાધ્યો હતો અને ફરિયાદ નોંધાવી હતી. આ અંગે તપાસ કર્યા બાદ એસીબીના અધિકારીઓએ સોમવારે છટકું ગોઠવ્યું હતું અને કાળને દોઢ લાખ રૂપિયાની લાંચ લેતાં રંગેહાથ પકડી પાડ્યો હતો. કાળે વિરુદ્ધ પિવેન્શન ઓફ કરપ્શન એક્ટ હેઠળ ગુનો દાખલ કરવામાં આવ્યો હતો.