અરવિંદ વેકરિયા
છેલ્લાં બે-ત્રણ લેખમાં મને મળેલી હિન્દી- સિરિયલની તક અને પછી સંસ્થાનાં નિયમોને કારણે કરવી પડેલી એની પીછેહઠ તેમ જ દિનુમામા અને એમના સરળ સ્વભાવની વાત મેં કરી. રંગભૂમિ પરની મોટી સંસ્થા એટલે આઈ.એન.ટી. એમાં જો કામ ન કર્યું હોત તો વસવસો રહીએ જાત, પણ જો કે અનુભવે લાગ્યું કે સંસ્થાના નિયમો ક્લાકારના સ્વમાનને થોડા ઠેસ પહોંચાડનારા પણ હતા... સંસ્થાના નિયમો એના મોવડી મંડળને આકરા નહી લાગતા હોય, પણ ફક્ત .....ફક્ત મંદિરમાં પ્રભુની મૂર્તિ જ જાણે છે કે પૂજારી કેટલો ઈમાનદાર છે!
ખેર, એક સારા નાટકનો ધી એન્ડ આવી ગયો. `બે દુની..' લગભગ બંધ થઈ ગયું, મારા આવતાં કવર બંધ થઈ ગયા. જો કે નાટકની `ઉંમર' થઈ નહોતી. હું પાછો ઘર ભેગો થઈ ગયો. હા, એક વાતનો નાનકડો સંતોષ હતો કે પહેલી અને છેલ્લીવાર મેં એ સંસ્થા સાથે કામ કરી લીધું.
ખેર, અનુભવ નામની બહુ મોટી જણસ મને મળી. નાનાં હતા ત્યારે અંધારાથી ડર લાગતો હતો મોટા થયા પછી કોઈ અંધારામાં રાખવાવાળાથી ડર લાગે છે. આ પરિપક્વતા અનુભવ વધારે છે.
હવે નાટક વિશે વિચારવું પડશે, અમૃત પટેલ(હયાત નથી) સાથે ડોલર પટેલની સિરિયલ `ધૂપછાંવ' કરી ત્યારે મેં આછડતી વાત કરેલી કે `તમારી સાથે મારે નાટક કરવાની ઈચ્છા છે. ત્યારે એમણે કહેલું કે `મને સ્ક્રીપ્ટ વંચાવ પછી નક્કી કરીએ.' સ્વાભાવિક છે તે હિન્દી-ફિલ્મોમાં ખાસ્સા બીઝી ઉપરાંત પોતાના નાટ્ય-નિર્માણમાં પણ. આખ્ખા બોલા, પણ સ્વભાવ મળતાવડો. એમનો વિચાર આવ્યો પણ મેળ બેસતો નહોતો.
એમાં થયું એવું કે અમિત દિવેટિયાનું એવરગ્રીન અને વિકમસર્જક નાટક `પ્રીત,પીયુ ને પાનેતર' જોવાનો મોકો મળી ગયો. હું જોવા ગયો. એ નાટકમાં એક પાત્રમાં જમુના હિંગુ પણ હતાં. આ જમુના હિંગુ એટલે જાણીતાં ફિલ્મ અભિનેતા દિનેશ હિંગુનાં પત્ની. એ શોમાં દિનેશ હિંગુ પણ આવેલા. નાટકને કારણે મને ઓળખતાં હશે. અમિતભાઈ એ મારી ઓળખાણ કરાવી. પછી કહ્યું કે સારો રોલ હોત તો એને નાટક પણ કરવું છે.
મને અમૃત પટેલ અને દિનેશ હિંગુની બત્તી એક સાથે ઝબકી ગઈ. આ `ઓફર' તો અચાનક આવી ગઈ. મેં એમનો ફોન નંબર અને એડે્રસ લઇ લીધા. દિનેશભાઈએ ખરેખર રસ બતાવ્યો. શરત એટલી હતી કે મળતી ફિલ્મોના એડજસ્ટમેન્ટમાં આપણો પ્રોજેક્ટ શરૂ કરવો. મેં એમને અમૃત પટેલની પણ વાત મૂકી એ રાજી થયા. દિનેશભાઈની વાત મને `બોનસ' રૂપે મળી. હું કઈક એ દિશામાં જ વિચારતો હતો. કોઈ તમારી મદદ લેવા આવ્યા હશે, પણ ભગવાને તમારું સરનામું આપ્યું હશે.
વિનોદ જાનીની કૃતિ `પ્રીત. પીયુ ને પાનેતર' બધાને ફળી એમ જાણે મને પણ ફળવાની હોય એવી પ્રતીતિ અંદરથી થઈ રહી હતી. વિનોદ જાનીનો પુત્ર રાગી જાની અત્યારે ગુજરાતી ફિલ્મોમાં સફળતાની સીડીઓ ચડી જ રહ્યો છે. આ આગળ મેં `હરણફાળ' નાટક ડિરેક્ટ કરેલું ત્યારે મેં વિચારેલું કે કોઈ સેલિબ્રિટીને નાટકમાં લઉં . મેં ટીકુ તલસાણીયાને કાસ્ટ કરેલા. થોડા જ દિવસના રિહર્સલ પછી ટીકુને મહેશ ભટ્ટની `દિલ હૈ કી માનતા નહિ' મળી અને એમણે નાટક છોડ્યું. પછી મિત્ર અજિત વાછાનીએ એ પાત્ર ભજવેલું.
બીજી તરફ, મારે દિનેશ હિંગુ અને અમૃત પટેલનું `ચોકઠું' ગમે તેમ બેસાડવું હતું. સેલિબ્રિટી મોંઘી પડે પણ એના નામ પર બુકિગ સારું મળે એવી હકીકત હતી...
આમાં મારો હંમેશનો સંકટ મોચન લેખક જ મને મદદ કરી શકે. હું રાજેન્દ્ર શુક્લ પાસે પહોંચી ગયો ને મારી ઈચ્છા મેં દર્શાવી અને...
ડબ્બલ રિચાર્જ
છોકરો જજ છે એમ કહીને સગપણનું નક્કી કર્યુ. પંદર દિવસ પછી ખબર પડી કે પ્રાયવેટ ડિસ્કો દાંડિયામાં એ નવ દિવસ પુરતો જજ હતો.