સિદ્ધાર્થ છાયા
ફિલ્મ ડિસ્ટ્રીબ્યુશનનું આખું ગણિત જ બદલાઈ ગયું છે. હવે મોટા પ્રોડ્યુસર્સ અને ડિસ્ટ્રીબ્યુટર્સ શક્ય હોય એટલા વધુ સ્ક્રીન્સ પર કબજો જમાવી લેવામાં જ સમજદારી માને છે. હા, આ `કબજો જમાવી લેવો' એ શબ્દો સમજી વિચારીને જ લખ્યાં છે. કારણ છે સબ સે બડા રૂપૈયા. તમારી પાસે રૂપિયા છે તો તમે ઈચ્છો એટલા સ્ક્રીન બુક કરાવી શકો છો અને વધુ લોકો ફિલ્મ જોઈ શકે એવી વ્યવસ્થા કરાવી શકો છો. જો તમારી પાસે પૈસાની છૂટ નથી તો એ તમારો વાંક છે અને આથી જે દિવસે મોટી ફિલ્મ રીલીઝ ન થતી હોય એની તમારે રાહ જોવી પડે.
આજે અક્ષય કુમારની `વેલકમ ટુ ધ જંગલ' રિલીઝ થઇ રહી છે. આ ફિલ્મના ડિસ્ટ્રીબ્યુટર છે `સ્ટાર સ્ટુડિયો 18.' પાર્ટી તગડી છે એટલે રિલીઝ પણ મોટેપાયે જ કરશે. તેમણે તમામ સિંગલ સ્ક્રીન રોકી લેવાની યોજના બનાવી છે. જ્યાં બે સ્ક્રીન છે ત્યાં દિવસના સાત થી આઠ શો રાખવાની માગણી કરી છે. જે મલ્ટિપ્લેક્સમાં ચાર, પાંચ, છ કે તેથી વધારે સ્ક્રીન્સ છે ત્યાં રોજનાં 11થી માંડીને અધધધ 16 શો રાખવાની એમની તીવ્ર ઈચ્છા છે એટલે આખા ઉત્તર, પૂર્વ અને પશ્ચિમ ભારતમાં તો બધે જંગલ જ જંગલ દેખાશે...!
હવે `સ્ટાર'વાળાની આ ઈચ્છા પૂર્ણ થશે કે મલ્ટિપ્લેક્સ અને સિનેમા માલિકોએ `કાકા' કહીને એ પૂરી કરવી પડશે એ તો ઉપર વાળો જાણે. હા, એટલી ખબર જરૂર છે કે ફિલ્મો બનાવવાથી માંડીને, સ્ટાર્સની પસંદગી અને છેક રિલીઝ સુધી બોલિવૂડમાં ક્યાંય લેવલ પ્લેઇંગ ફિલ્ડ નથી.
એમની તો ઊલટી ગંગા...
એક વણલખી પ્રથા અનુસાર ફિલ્મ થિયેટરમાં રિલીઝ થાય એટલે થોડા મહિના પછી એ ઓટીટી પર આવે. આનાથી આપણી પ્રજાને એક ટેવ એવી પડી ગઈ છે કે એ ટે્રલર જોઇને નક્કી કરે છે કે ફિલ્મ રિલીઝ થાય ત્યારે જોવી કે ત્રણ મહિના પછી ઓટીટી પર જોવી. ઓટીટી રિલીઝ પછી પણ `ધુરંધર'નાં બંને ભાગ જેટલાં ઓટીટી પર ચાલ્યાં છે એવો પ્રેમ ભાગ્યે જ કોઈ ફિલ્મને મળ્યો હશે. આમીર ખાને તો એક નવો ચીલો ચાતર્યો છે.
વાત આપણે આમીરની કે પછી `ધુરંધર'ની નથી કરવી. વાત આપણે કરવી છે `ઇક્કા'ની. `ઇક્કા' એક કોર્ટરૂમ ડ્રામા છે.
ફિલ્મમાં સન્ની દેઓલ અને અક્ષય ખન્ના છે. આ ફિલ્મ 10 જુલાઈએ `નેટફ્લિક્સ' પર રિલીઝ થવાની છે. રહેમાન ડકૈતના કિલર પરફોર્મન્સ પછી હવે અક્ષયને વકીલના રૂપમાં જોવા મળશે એની જબરી હાઈપ છે.
જોકે મૂળ વાત હવે આવે છે. વાત એવી છે કે આ ફિલ્મ ભલે એક ઓટીટી ફિલ્મ હોય પણ `નેટફલિક્સ' ને લાગે છે કે એનું પ્રમોશન આપણે અલગ રીતે કરવું જોઈએ. એટલે 8 જુલાઈએ તેણે ઊલટી ગંગા વહેવડાવવાનું નક્કી કર્યું છે. 8 જુલાઈએ `ઇક્કા'નું પસંદગીનાં શહેરોમાં સ્ક્રીનિંગ ગોઠવાય એવી શક્યતા છે. જો એવું થાય તો કદાચ `ઇક્કા' એવી પહેલી ફિલ્મ બની રહેશે જે ઓટીટીની ફિલ્મ હોવા છતાં પહેલાં થિયેટરમાં દેખાડવામાં આવશે. થઇ ને ઊલટી ગંગા?!
વિવેકની `અગ્નિપરીક્ષા'
ઉપર ઊલટી ગંગાની વાત કરી, હવે વહેતી ગંગામાં હાથ ધોવાની વાત કરીએ. પહલગામ હુમલા બાદ પાકિસ્તાનમાં રહેલા આતંકવાદી આકાઓને ખતમ કરવા ભારતીય સેના દ્વારા `ઓપરેશન સિંદૂર' લોન્ચ કરવામાં આવ્યું હતું. બોલિવૂડ ફિલ્મ બનાવવા માટે બસ આવી જ મોટી અને મહાન ઘટનાની રાહ જોતું હોય છે. આ ઓપરેશનની સફળતા પછી અનેક નિર્માતા- દિગ્દર્શકોએ એનાં પર ફિલ્મ બનાવવાનું મનોમન નક્કી કરી લીધું, જેમાં વિવેક અગ્નિહોત્રી પણ સામેલ હતા.
તેમણે અને ટી-સિરીઝના ભૂષણ કુમારે ગત માર્ચ મહિનામાં આ વિષય પર ફિલ્મ બનાવશે એવી જાહેરાત કરી દીધી, પરંતુ કહાની મેં ટ્વિસ્ટ હવે આવે છે... જ્યારે તે આ ફિલ્મનું ટાઈટલ એટલેકે `ઓપરેશન સિંદૂર' રજિસ્ટર કરવા ગયા ત્યારે તેમનાં માથા ઉપર બ્રહ્મોસ મિસાઈલથી હુમલો થયો હોય એવો આઘાત લાગ્યો. વાત એમ બની કે આ ટાઈટલ ઓલરેડી રજિસ્ટર થઇ ગયું હતું. ફિલ્મ પ્રોડ્યુસર્સની સંસ્થા `ઈમ્પા'નો નિયમ છે `વહેલો તે પહેલો' એ અનુસાર ઘણાં મહિના પહેલાં કોઈ બિહાર ફિલ્મ કંપનીએ આ ટાઈટલ પોતાનાં નામે નોંધાવી દીધું હતું.!
સાવ નવીસવી કંપનીના નામે આવું લોકપ્રિય ટાઈટલ રજિસ્ટર થયું છે એનું આશ્ચર્ય મારી તમારી જેમ વિવેકભાઈ અને ભૂષણભાઈને પણ થયું, પણ હવે `ઈમ્પા'નો નિયમ તો ફોલો કરવો પડે એટલે પછી `ઈમ્પા'એ જ તેમને બે વિકલ્પ આપ્યા : કાં તો આ ફિલ્મ `ધ કાશ્મીર ફાઈલ્સ ટુ'નાં નામે બને કે પછી `ધ નાઈટ ઓફ ઓપરેશન સિંદૂર'નાં નામે. જોકે, જેમ કોર્ટની બહાર સમાધાન થતાં હોય છે એમ ટી - સિરીઝ પાસે આ બિહાર ફિલ્મ કંપનીને થોડીઘણી (થોડીમાં તો નહીં જ માને એટલે ઘણી) રકમ આપીને આ પ્રાઈમ ટાઈટલ પોતાનું બનાવી શકે છે. છેવટે તો ધાર્યું તો પેલી બિહાર ફિલ્મ કંપનીનું જ થશે.
કટ એન્ડ ઓકે...
સમાચાર એવા છે કે તાજેતરમાં પોતાને એનાયત થયેલો `પદ્મશ્રી' એવોર્ડ રાષ્ટ્રપ્ર્મુખ મુર્મૂજીના હસ્તે સ્વીકરવા અભિનેતા આર. માધવન ગયો ત્યારે એણે કાંડે 18 કેરેટ ગોલ્ડ રોઝની ઘડિયાળ પહેરી હતી, જેના કિમત `માત્ર' 40 લાખ હતી!