Sat Jun 27 2026

Logo

ખેડાના કપડવંજમાં ફટાકડાની ગેરકાયદેસર ફેક્ટરીમાં મોટો વિસ્ફોટ, 7 લોકો ઈજાગ્રસ્ત, બે શ્રમિકની હાલત ગંભીર

2026-06-27 13:33:00
Author: Mumbai Samachar Team
Article Image

કપડવંજઃ ખેડા જિલ્લાના કપડવંજમાંથી એક અત્યંત ચોંકાવનારી અને ગમખ્વાર દુર્ઘટના સામે આવી છે. કપડવંજમાં ડમ્પીંગ સ્ટેશન સામે આવેલી એક ફટાકડાની ફેક્ટરીમાં પ્રચંડ વિસ્ફોટ થયો છે. આ ધડાકો એટલો ભયાનક હતો કે તેની અસર આસપાસના અનેક કિલોમીટર સુધી જોવા મળી હતી. ફટાકડાની ફેક્ટરીમાં થયેલો વિસ્ફોટ એટલો ભયંકર હતો કે તેનો અવાજ ઘટનાસ્થળથી 10 કિલોમીટર દૂર સુધી સંભળાયો હતો. બ્લાસ્ટના કારણે કપડવંજ પંથકમાં 10 કિમી સુધીની ધરા ધ્રૂજી ઊઠી હતી, જેનાથી સ્થાનિકોમાં ભયનો માહોલ ફેલાયો હતો. 

પ્રાપ્ત માહિતી અનુસાર, આ દુર્ઘટનામાં કારખાનામાં કામ કરતા અંદાજે 5 થી 7 જેટલા લોકો ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયા છે. તમામને તાત્કાલિક સારવાર અર્થે ખસેડવાની તજવીજ હાથ ધરવામાં આવી છે. વિસ્ફોટનો ભયાનક અવાજ સાંભળતા જ આસપાસના લોકોમાં ડરનો માહોલ છવાયો હતો. વિસ્ફોટના અવાજ બાદ ઘટનાસ્થળે લોકોના ટોળેટોળા ઉમટી પડ્યા હતા. આ બ્લાસ્ટની અસર માત્ર ફેક્ટરી પૂરતી સીમિત ન રહેતા, ઘટનાસ્થળની નજીક આવેલા અન્ય ગામોમાં પણ તેની વ્યાપક અસર વર્તાઈ હતી. લોકોએ ભૂકંપ જેવો આંચકો અનુભવ્યો હતો.

ગેરકાયદેસર રીતે ચાલતી હતી ફેક્ટરી

આ સમગ્ર ઘટનામાં સૌથી મોટો ખુલાસો એ થયો છે કે, રહેણાંક અને ડમ્પિંગ વિસ્તારની નજીક ધમધમતી આ ફટાકડાની ફેક્ટરી સંપૂર્ણપણે ગેરકાયદેસર હતી. તંત્રની આંખમાં ધૂળ નાખીને, કોઈ પણ પ્રકારની સુરક્ષા કે કાયદાકીય મંજૂરી વિના આ જીવલેણ કારખાનું ચલાવવામાં આવી રહ્યું હતું. નિયમોના ખુલ્લેઆમ ઉલ્લંઘનથી અનેક નિર્દોષ લોકોના જીવ જોખમમાં મુકાયા છે.

પોલીસ અને ફાયર વિભાગે બચાવ કામગીરી કરી

ઘટનાની જાણ થતાં જ પોલીસ અને ફાયર બ્રિગેડનો કાફલો તાત્કાલિક સ્થળ પર પહોંચી ગયો હતો. હાલ ફાયર બ્રિગેડની ટીમ દ્વારા કાટમાળ હટાવી બચાવ કામગીરી યુદ્ધના ધોરણે હાથ ધરવામાં આવી રહી છે, જેથી કાટમાળ નીચે અન્ય કોઈ વ્યક્તિ દબાયેલી ન હોય તેની ખાતરી કરી શકાય. આ ફેક્ટરી કોની છે અને અત્યાર સુધી તે કોની રહેમનજર હેઠળ ગેરકાયદેસર રીતે ધમધમી રહી હતી, તે દિશામાં પોલીસે તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે. કસૂરવારો સામે કડક કાર્યવાહી થાય તેવી સ્થાનિક લોકો દ્વારા ઉગ્ર માંગ કરવામાં આવી રહી છે.

અગાઉ પણ ગેરકાયદેસર કારખાનું ઝડપાયું હતું

નોંધનીય છે કે, હજુ બે દિવસ પહેલા જ ખેડા એસ.ઓ.જી. (SOG) દ્વારા વસો ગામમાં પણ એક ગેરકાયદેસર ફટાકડાનું કારખાનું ઝડપી પાડવામાં આવ્યું હતું. ત્યાં જ કપડવંજમાં આ બીજી મોટી ઘટના સામે આવતા તંત્રની કામગીરી અને સુરક્ષા વ્યવસ્થા પર અનેક સવાલો ઉભા થયા છે. રહેણાંક વિસ્તાર કે તેની આસપાસ આવી જોખમી અને ગેરકાયદેસર પ્રવૃત્તિઓ કેવી રીતે ચાલી રહી હતી, તે તપાસનો વિષય બન્યો છે.