મુંબઈ: નાની ઉંમરમાં જ પલ્લવી પાટીલ ઘણીવાર પ્રેક્ટિસ સેશન દરમિયાન તેના ફાયર ફાઇટર જવાનની સાથે જતી અને તેણે ક્યારેય પણ કલ્પના નહોતી કરી કે એક દિવસ તે પણ તેના ભાઈની જેમ જ આ યુનિફોર્મ પહેરીને લોકોને બચાવવા માટે પોતાનું જીવન સમર્પિત કરશે. આજે પલ્લવીએ મુંબઈ ફાયરબ્રિગેડની પ્રથમ મહિલા ફાયર એન્જિન ડ્રાઈવર તરીકે ઇતિહાસ રચ્યો છે.
પલ્લવીએ લાંબા સમયથી પુરુષોના પ્રભુત્વ ધરાવનારા વ્યવસાયમાં દાખલ થઈને બધા અવરોધોને તોડી નાખ્યા છે. દર વખતે તે જયારે એલાર્મ વાગે છે ત્યારે એક પળનો પણ વિચાર કર્યા વિના દોડી જાય છે. ફક્ત ફાયર એન્જિન જ નહીં, પરંતુ જીવન અને મૃત્યુ વચ્ચેનો તફાવત દર્શાવતી સોના જેવી કિંમતી મિનિટોમાં મુશ્કેલીમાં મુકાયેલા લોકો સુધી પહોંચવાની આશા રાકે છે.
26/11ના આતંકવાદી હુમલા પછી એમએફબીમાં મહિલાઓને સામેલ કરવાનો વિચાર રજૂ થયો હતો. આજે આ વિભાગમાં 116 મહિલા ફાયર ફાઈટર્સ છે. 2017માં ફાયરવુમન તરીકે જોડાયેલી પલ્લવી આ ટ્રેલ બ્રેઝર્સમાની એક છે.
પલ્લવીએ જણાવ્યું કે મારો ભાઈ, જે એમઆઈડીસીમાં ફાયર ફાઈટર પણ છે, તે મને અમારા ગામમાં વહેલી સવારમાં તેની સાથે દોડમાં સાથે જવાનું કહેતો કારણ કે તેને એકલા તાલીમ લેવામાં મુશ્કેલી પડી રહી હતી. મેં ક્યારેય એવી કલ્પના નહોતી કરી કે હું પણ એક દિવસ પોતે ફાયરવુમન બનીશ.
મારા પિતાએ જ અમને બંનેને ફાયર બ્રિગેડમાં જોડાવા માટે પ્રોત્સાહિત કર્યા હતા. જયારે મહિલા અગ્નિશામકોની ભરતી શરૂ થઈ હતી ત્યારે તેઓ મને મુંબઈ લઇ આવ્યા હતા. હું પસંદગી પ્રક્રિયામાં ઉતીર્ણ થઈ હતી અને મારી કડક તાલીમ થઈ હતી અને ત્યાર બાદ ફાયર વિભાગમાં જોડાઈ હતી.
આઠ વર્ષ સુધી ફાયરફાઈટર તરીકે ફ્રન્ટલાઈન રહ્યા પછી, પલ્લવી એમએફબીની પ્રથમ સક્રિય મહિલા ફાયર એન્જિન ડ્રાઈવર બની હતી. અગ્નિશમન વિભાગની ડ્રાઇવિંગ ટેસ્ટ પાસ કર્યા પહેલા તેણે ગોરેગાંવના દિંડોશી ડેપોમાં વિશેષ તાલીમ લીધી હતી. નવી પોસ્ટ સંભાળ્યા બાદ તેણે ત્રણ ફાયરકોલનો જવાબ આપ્યો હતો. બે મહિલા ફાયર ફાઈટર ફાયર એન્જિન ડ્રાઈવર તરીકે લાયકાત મેળવી હોવા છતાં, અન્ય એક મહિલા પ્રસુતિની રજા પર હોવાથી પલ્લવી તે મહિલાના બાંદ્રા ફાયર સ્ટેશનમાં પોસ્ટેડ છે. હાલમાં ફાયર બ્રિગેડની એકમાત્ર એક્ટિવ મહિલા ફાયર એન્જિન ડ્રાઈવર તરીકે કામગીરી કરે છે.
પલ્લ્વીનું કાર્ય ફાયર એન્જિન ચલાવવાથી આગળ વધે છે. એકવાર ઘટનાસ્થળે પહોંચ્યા પછી તે એન્જિનનો પંપ પણ ચલાવે છે, આગ બુજાવવા માટે લડતા ફાયર ફાઇટર્સને પુરા પાડવામાં આવતા પાણીના દબાણને નિયંત્રિત કરે છે. પલ્લવી જણાવે છે કે 'મારે સતર્ક રહેવું પડે છે ફાયર ફાયટર્સની સાથે સંકલન કરવું જરૂરી છે. જરુરિયાત મુજબના પાણીના દબાણને પણ નિયંત્રિત કરવાનું હોય છે.
મુંબઈના ભીડભાડવાળા રસ્તાઓ અને સાંકળી ગલીઓમાં નેવીગેટ કરવું એ રોજિંદો પડકાર છે.' પલ્લવીની સૌથી મોટી મુશ્કેલ લડાઈ તેના છ વર્ષના પુત્ર યથાર્થને ઘરે છોડીને જવાનો છે. પલ્લવી અને તેના પતિ, સમાધાન પાટીલ પણ ફાયર એન્જિન ડ્રાઈવર છે. બંને પોતપોતાની શિફ્ટ પ્રમાણે તેમના બાળક સાથે રહે છે. પલ્લવી જણાવે છે કે 'એકવાર હું ઘરેથી યુનિફોર્મ પહેરીને નીકળી જાઉં છું, ત્યારબાદ મારુ ધ્યાન ફક્ત આગમાં ફસાયેલા લોકો પર હોય છે. જીવન બચાવવાનું કર્તવ્ય પ્રથમ આવે છે.'