Sat Jun 27 2026

Logo

સ્ટાર-યાર-કલાકારઃ જે. બી. પ્રિસ્ટલી: સસ્પેન્સ ને સામાજિક નાટકોનો બાદશાહ

2026-06-26 08:21:00
Author: Sanjay Chhel
Article Image

 

સંજય છેલ 

ગુજરાતી રંગભૂમિના સૌથી મોટા સ્ટાર અને અદ્ભુત નિર્દેશક પ્રવીણ જોશીએ મધુ રાય લિખિત એક કમાલનું નાટક ભજવેલું: `કુમારની અગાશી'. એ નાટક બોલ્ડ, કલાત્મક ને ખાસ તો લખાણની દૃષ્ટિએ ખૂબ વખણાયેલું. મધુ રાયના સંવાદો કાવ્યાત્મક ઉંચાઈના હતા, જેમ કે `હા, મેં એ છોકરાના ગળામાં સ્ટ્રો નાખીને એનું લોહી ચાખ્યું છે, એવી જાનલેવા મહોબ્બત હતી મને! બોલો કોઈએ કંઈ કહેવું છે?' (સ્મૃતિ આધારે આ લખ્યું છે) એમાં લેજેંડરી અભિનેત્રી સરિતાબેન જોશીનો અભિનય પણ એવો જ અદ્ભુત. 

એ નાટક પરથી મધુ રાયે `સભા' નામની નોવેલ લખેલી અને એ નાટક હિંદીમાં ટીવીફિલ્મ અભિનેતા શફી ઇનામદારે `નીલા કમરા' નામે ભજવેલું જેનું રૂપાંતર કરેલું ઉર્દૂનાં ખ્યાતનામ લેખિકા ઇસ્મત ચુગતાઇએ કરેલું, જેમાં આ નાચીઝ લેખકે એક રોલ પણ ભજવેલો. લેકિન- કિતુ-પરંતુ ઘણા કહે છે કે એ નાટક કોઈ અંગ્રેજી નાટક `ડેંજરસ કૉર્નર' પરથી આધારિત કે પ્રેરિત હતું.

શું ખરેખર એવું હતું?
ચલો, એ નાટક વિશે પછી વાત કરીશું પણ એ મૂળ નાટકના લેખક, જે.બી. પ્રિસ્ટલી એક પ્રસિદ્ધ અંગ્રેજી લેખક, નવલકથાકાર, નાટ્યકાર, પટકથા લેખક ને રેડિયો પર સામાજિક પ્રવચનો માટે મશહૂર  હતા. 

1894માં ઇંગલેંડના બ્રેડફોર્ડ શહેરમાં સામાન્ય પરિવારમાં જન્મેલા, માત્ર બે જ વરસની ઉંમરે માતાને ગુમાવેલી, પિતા ફરી પરણેલા. 16મા વરસે ઊનની કંપનીમાં ક્લાર્ક તરીકે કામે લાગ્યા ને રાત જાગીને લેખન શરૂ કર્યું. શરુઆતમાં અખબારો કે મ્ૅગેઝિનોમાં લેખ છપાતા. પ્રથમ વિશ્વયુદ્ધમાં પ્રિસ્ટલીએ સેનામાં જોડાવું પડ્યું, યુદ્ધમાં ઘાયલ થયા ને લાંબા સમય સુધી હૉસ્પિટલમાં રહ્યા.

પ્રિસ્ટલીની પહેલી નવલકથા `બેનાઇટેડ' 1927માં આવી ને 1932માં તેના પરથી ફિલ્મ પણ બની.
જોકે પ્રિસ્ટલીની પહેલી મોટી સફળતા 1929માં `ગુડ કમ્પેનિયન્સ' નવલકથાથી મળી. અને પછી 1932માં આવે છે બ્રિટિશ કે વિશ્વ રંગમંચ પર ભજવાયેલું `ડેન્જરસ કૉર્નર' નામનું મૉડર્ન નાટક અને પ્રિસ્ટલી એક આગવા નાટ્યકાર તરીકે છવાઈ ગયા. કારણ? પ્રિસ્ટલીનાં નાટકોમાં `કાળ' કે `સમય'ની કલ્પનાને એક ભૂમિકા કે પાત્ર તરીકે મૂકવામાં આવતી! આ નાટકમાં એક પાર્ટીમાં અલગ અલગ લોકો ભેગા થઈને એક મજાક શરૂ કરે છે ને વાત એકમેકના ચારિત્ર્ય સુધી જાય છે અને દરેક દ્વારા એક જુવાન છોકરાના `શારીરિક શોષણ'ની વાત બહાર આવે છે. 

`કુમારની અગાશી'માં આવું કશું નથી, એમાં ભાભી અને દિયર `કુમાર'ના સંબંધની વાત હતી અને હીરો કુમાર, અગાશી પરથી આપઘાત કરે છે, પછી નાટકના બીજા ભાગમાં અચાનક જીવંત પાત્ર તરીકે દેખા દે છે! મધુ રાયના કહેવા મુજબ તેમણે એ મૂળ અંગ્રેજી નાટક વાંચ્યુ પણ નહોતું અને ઑફકોર્સ બેઉ નાટકની વાર્તા અલગ છે. એક જ કૉમન વાત છે: પાર્ટીમાં થતી વાતો, મજાકો અને પછી એમાંથી ઉખળતી નીકળતી ચોંકાવનારી ઘટનાઓ ને પછી એકમેક પર આક્ષેપબાજી! (ખરેખર તો અંગ્રેજી નાટકનું સીધું રૂપાંતર કરેલું બાબુભાઈ ભૂખણવાલા નામના લેખકે `રજનું ગજ' નામે.)

એની વે, બીજા વિશ્વયુદ્ધ દરમિયાન રેડિયો પર પ્રિસ્ટલીનાં ભાષણો વડા પ્રધાન ચર્ચિલ પછી લોકપ્રિયતામાં બીજા નંબરે આવતા ને પછી અચાનક સરકારે ભાષણોનું પ્રસારણ અટકાવ્યું! લેખક પ્રિસ્ટલીએ 1942માં `સોશ્યાલિસ્ટ કૉમનવેલ્થ પાર્ટી'ની સ્થાપના કરી. યુદ્ધ પછીની ચૂંટણીમાં મજૂર પક્ષને જે ભવ્ય સફળતા મળી તેમાં પ્રિસ્ટલીનાં ભાષણોનો મોટો ફાળો હતો પણ પ્રિસ્ટલી રાજકારણથી દૂર જ રહ્યા.

પ્રિસ્ટલીનાં સૌથી હિટ નાટકોમાં `એન ઇન્સ્પેક્ટર કૉલ્સ' આવે. આજે પણ જગભરમાં ભજવાતા આ નાટકનો વિષય સસ્પેંસ સાથોસાથ સમાજને વિચારતા કરી મૂકનારો છે: બ્રુમ્લી નામના કાઈ કાલ્પનિક શહેરમાં આર્થર બર્લિંગ નામનો એક પ્રતિષ્ઠત ઉદ્યોગપતિ છે. જેના ડ્રૉઇંગ રૂમમાં 3 અંકનું નાટક ભજવાય જેમાં આર્થર બર્લિંગ, તેની પત્ની, તેનો પુત્ર, તેની પુત્રી શીલા અને શીલાનો થનાર પતિ સ્ટેજ પર છે. શીલાની સગાઈ નિમિત્તે ઘરમાં ડિનર પાર્ટી હોય છે. 

શીલાનો થનાર પતિ પણ સમૃદ્ધ પરિવારનો છે ને તેના પિતાનો મોટી ઇન્ડસ્ટ્રીઓ છે. આ લગ્નથી અત્યાર સુધી એકબીજા સાથે સ્પર્ધામાં રહેલા આ બે ઉદ્યોગપતિના અનેક બિઝનેસો ભવિષ્યમાં સાથે મળીને આગળ વધશે એવાં પણ છૂપાં સમીકરણો છે. આવા આનંદના પ્રસંગે અચાનક એક પોલીસ ઇન્સ્પેક્ટર ઘરમાં આવીને કહે છે કે એ જ સાંજે એક યુવતીએ ફૅક્ટરીના દવાખાનામાં ઝેર પીને આત્મહત્યા કરી છે અને તેની તપાસ માટે ઇન્સ. બર્લિંગ ફૅમલીને મળવા આવ્યો છે. પણ બર્લિંગ પરિવારને તો એ યુવતી વિશે કંઈ ખબર જ નથી!

બર્લિંગ પરિવારજનોને પૂછવામાં આવેલા પ્રશ્નો પછી કેટલીક બાબતો સ્પષ્ટ થવા લાગે છે. એ  યુવતી થોડા મહિના અગાઉ બર્લિંગના કારખાનામાં કામ કરતી હતી જ્યાં બે મહિના અગાઉ પગારવધારા માટે હડતાળ થઈ હતી ને તેમાં આ યુવતીએ ખાસ્સી ચળવળ કરેલી! બર્લિંગ આ હડતાળને દબાવી દે છે અને પછી યુવતીને નોકરીમાંથી કાઢી મૂકે છે. ઇન્સ્પેક્ટરની પૂછપરછ પછી વધુ ઘણી બાબત બહાર આવે છે અને તે ડ્રૉઇંગ રૂમમાં બેઠેલા બર્લિંગ પરિવારના દરેક સભ્યનો તે યુવતી સાથે કોઈ ને કોઈ સંબંધ હતો એ વાત ઉઘાડી પડે છે, સસ્પેન્સ  ગહેરાય છે. અંતે શું બને છે તે નાટક વાંચ્યા કે જોયા પછી જ સમજાશે.

`એન ઇન્સ્પેક્ટર કૉલ્સ'ને વિશ્વસાહિત્યમાં એક ક્લાસિક નાટક તરીકે માન મળે છે. કારણ? કારણ કે આ નાટકનો કાળ 1912નો છે. ઔદ્યોગિક ક્રાંતિને કારણે તે સમયે પશ્ચિમી સોસાયટીમાં અનેક બદલાવ આવી રહ્યા હતા. ઇંડસ્ટ્રીઝને લીધે સ્ત્રીઓને રોજગારની તકો મળી હતી, પરંતુ તેમનું શોષણ પણ મોટા પ્રમાણમાં થતું. વળી નાટકનાં અમીર પાત્રો, સમાજના અમીરોની જેમ પોતાની જ નાનકડા સુખાળવી મખમલી દુનિયામાં રેવા ટેવાયેલા સ્વાર્થી લોકો છે. આસપાસના મજૂરો કે ગરીબો માટે કેવા બેદરકાર ને ક્રૂર હોય છે, એની વાસ્તવિકતા આ નાટકમાં છે. 

અમીર-ગરીબ સમાજમાં રહેલ આ વિરોધાભાસ અને અમીરોના દંભ પર આ નાટકમાં તીક્ષ્ણ ટીકા કે કટાક્ષ તો છે જ, પરંતુ સામન્ય કે ગરીબોથી એમનો અલગાવની કરુણતાને સસ્પેંસ સાથે દેખાડી છે! એ જ એક લેખક તરીકે  જે.બી.ની  કમાલ છે. પ્રિસ્ટલીના ડ્રામામાં સમય કે `કાળ'ને રજૂ કરવાની એક આગવી સ્ટાઇલ હતી. અને હા, મધુ રાય લિખિત, `કુમારની અગાશી' નાટક પર જે.બી. પ્રિસ્ટલીના નાટક `ડેંજરસ કૉર્નર'નો પ્રભાવ હતો કે નહીં એ પણ સમય કે કાળ જ કહેશે, જ્યારે કોઈ વિદ્વાન મૂળ નાટકને ધ્યાનથી પાને પાને વાંચશે- ચકાસશે.

આમેય જે.બી. પ્રિસ્ટલી આવાં સસ્પેંસ વત્તા સામાજિક નાટકો માટે, ગરીબ મજૂરોની ચળવળ માટે અને અણુબોંબ વિરોધી આંદોલન માટે અને એ વિશેનું સત્તાવિરોધી સાહિત્ય રચવા માટે સદાસર્વદા યાદગાર લેખક છે ને રહેશે.