હેન્રી શાસ્ત્રી
હિન્દી ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં નામનો અનેરો મહિમા છે. રસપ્રદ ઇતિહાસ છે. મજેદાર કહાણી છે. યાદગાર પ્રસંગો છે. પડદા પર નામ સારું લાગે એટલા માટે અહીં યુસુફ ખાન દિલીપ કુમાર બની જાય છે, મેહઝબીન મીના કુમારી, ભાનુરેખા ગણેશન રેખા, રાજીવ ભાટિયા અક્ષય કુમાર બની જાય છે. બીજાં અનેક ઉદાહરણ છે. વહિદા રેહમાન જેવા પણ છે જે કોઈ કાળે મૂળ નામ બદલવા તૈયાર નથી.
જોકે, નામ મુસીબત ઊભી ન કરે, લોકોમાં મૂંઝવણ પેદા ન થાય કે આ કઈ આલિયા? એટલે આલિયા અડવાણી કિયારા અડવાણી બની જાય છે. હિન્દી ફિલ્મ ઇન્ડસ્ટ્રીના પ્રારંભિક દોરમાં એક જ નામ ધરાવતા એકથી વધુ કલાકાર હોવાથી તેમની સાચી ઓળખ તેમની અટક જાણ્યા પછી જ થઈ શકતી હતી.
સરખા નામને કારણે ઘણી વાર ગજબનાક ગોટાળા થયા હોવાના કેટલાક મજેદાર પ્રસંગ હિન્દી ફિલ્મ ઇતિહાસના ચોપડે નોંધાયા છે. હવે જો તમને કોઈ એમ કહે કે નૂર મોહમ્મદ ચાર્લીની ફિલ્મ `ઠોકર'માં માધુરી કેવી સરસ લાગે છે તો તમે ચોંકી જશો, કારણ કે માધુરી નામ પડતાં જ તમારી સામે `એક દો તીન' કે પછી `ધક ધક ગર્લ' માધુરી દીક્ષિતનો ચહેરો આવી જાય. `ઠોકર' ફિલ્મ તો 1939માં બની હતી અને માધુરી દીક્ષિતનો જન્મ જ 1967માં થયો હતો. તો પેલી માધુરી કઈ? એનું મૂળ નામ હતું Beryl Yvonne Claessen અને એ એંગ્લો ઇન્ડિયન હતી. અંગ્રેજી નામ હિન્દી ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં મેળ નહીં ખાય એ કારણસર નામ માધુરી રાખવામાં આવ્યું હતું. ચંદુલાલ શાહના રણજિત સ્ટુડિયોની કેટલીક ફિલ્મોમાં વૈવિધ્યપૂર્ણ ભૂમિકા તેણે ભજવી હતી.
એક ઉદાહરણ સંગીત ક્ષેત્ર સાથે સંકળાયેલું છે. 14 ઑગસ્ટ, 1998ના દિવસે સમાચાર આવ્યા કે `ગઝલ ગાયિકા શમશાદ બેગમનું અવસાન થયું.' તરત જ વિવિધ સાઇટ્સ પર સમાચાર વહેતા થયા કે `લોકપ્રિય ગાયિકા શમશાદ બેગમનું નિધન'. એક પછી એક `લેકે પેહલા પેહલા પ્યાર', `બડી મુશ્કિલ સે દિલ કી બેકરારી કો કરાર આયા', `સૈયાં દિલ મેં આના રે' વગેરે એમનાં યાદગાર ગીતો વાગવા લાગ્યાં. એમનાં ગીતોની યાદી મુકાવા લાગી... ખુદ શમશાદ બેગમે પોતાના અવસાનની જાણ થઈ અને `મૈં જિંદા હૂં'ની બૂમ પાડી ત્યારે ખબર પડી કે નિધન શમશાદ બેગમનું જ થયું હતું, પણ એ શમશાદ બેગમ એટલે સોહરાબ મોદીની `પુકાર' સહિત ઘણી ફિલ્મોનાં હીરાઇન નસીમ બાનોનાં મમ્મી અને સાયરા બાનોનાં નાની. આ શમશાદ બેગમ છમિયા બેગમ તરીકે પણ જાણીતાં હતાં.
અભિનેત્રી નંદાના પિતાશ્રી માસ્ટર વિનાયકે 1939માં `બ્રાન્ડી કી બૉટલ' નામની હિન્દી ફિલ્મનું નિર્માણ અને દિગ્દર્શન કર્યું હતું. નૈતિક મૂલ્યો અને શિસ્તના આગ્રહની થીમ ધરાવતી આ ફિલ્મ મશહૂર મરાઠી બહુમુખી પ્રતિભા પી. કે. અત્રે - આચાર્ય અત્રેની સફળ મરાઠી ફિલ્મ `બ્રાન્ડીચી બાટલી'ની રી-મેક હતી. એકાદી વેબસાઇટ પર ફિલ્મના કલાકારોની યાદીમાં હીરોઇનનું નામ હતું મીનાક્ષી શેષાદ્રી. હે? આવો સવાલ થવો સ્વાભાવિક છે.
1939માં રિલીઝ થયેલી ફિલ્મની નાયિકા 1963માં જન્મેલી મીનાક્ષી શેષાદ્રી? અન્ય ઠેકાણે `બ્રાન્ડી કી બૉટલ'ની હીરોઇન તરીકે ફક્ત મીનાક્ષી નામ છે. ખણખોદ કરતાં જાણવા મળે છે કે 1939ની ફિલ્મનાં હીરોઇન હતાં હિન્દી ફિલ્મોની અભિનેત્રી મીનાક્ષી શિરોડકર. શિલ્પા શિરોડકર અને નમ્રતા શિરોડકરનાં દાદી...!
મહારાષ્ટ્રીયન અભિનેત્રીઓને અટક સાથે નામ લખવાની આદતને કારણે ગૂંચવાડો થવાની સંભાવના ઓછી રહે છે. અમુક સન્નારી તો પિયર અને સાસરાની એમ બંને અટક જાળવી રાખે છે. હિન્દી ફિલ્મોમાં એક-બે નહીં, પણ નવ નલિની નામની અભિનેત્રી કામ કરી ચૂકી છે. હવે તમને જો કહેવામાં આવે કે જ્યોતિ સ્વરૂપની `મિયાં બીબી રાજી' (1960)માં નલિની હતી તો તમને સ્વાભાવિકપણે નલિની જયવંતનું જ સ્મરણ થાય... પણ ના, નલિની જયવંતે આવી કોઈ ફિલ્મમાં કામ કર્યું જ નથી.
1960ની ફિલ્મની અભિનેત્રી હતી નલિની શરાફ જે પછી સીમા દેવ (રમેશ દેવની પત્ની) તરીકે વધુ જાણીતાં બન્યાં. રાજેશ ખન્નાની `આનંદ' નૂતનની `સરસ્વતીચંદ્ર' સહિત અનેક ફિલ્મોમાં તેમની અભિનય પ્રતિભાનો પરિચય સિને રસિકોને થયો. 1960ના દાયકાની મ્યુઝિકલ હિટ ફિલ્મનો `પારસમણિ' તેમજ `રાની રૂપમતી'માં નલિની ચોનકર નામની મરાઠી અભિનેત્રીની હાજરી હતી.
અન્ય સાત નલિની હતી - નલિની તારખડ (વી, શાંતારામની હિન્દી અને મરાઠીમાં સાથે બનેલી અમૃત મંથન ફિલ્મની નાયિકા), નલિની નાગપુરકર, નલિની બોરકર, નલિની ઢેરે, નલિની ગુપ્તે, નલિની મુળગાંવકર, નલિની રાવ. નલિની કાફલામાં સૌથી પ્રતિભાશાળી અને નામવંત હતાં નલિની જયવંત જેમની `કાલા પાની', `સમાધિ', `મુનીમજી' વગેરે ફિલ્મો લોકોને આજે પણ યાદ હશે. હિન્દી ફિલ્મ સૃષ્ટિના ઇતિહાસમાં એક જ નામ સૌથી વધુ વાર ચમકવાનો વિક્રમ નલિનીના નામે નોંધાયેલો છે.
એ મિનિટ... નલિની અધ્યાય હજી પૂરો નથી થયો. એક અત્યંત રસિક અને આશ્ચર્યજનક હિસ્સો હજી બાકી છે. એક પુરુષ અભિનેતાનું નામ હતું નલિની રંજન રૉય...! અભિનયમાં બેહદ રુચિ હોવાથી ભાઈશ્રી 1940ના દાયકાના પ્રારંભમાં જ બંગાળથી બૉમ્બે આવી પહોંચ્યા. બંગાળી ફિલ્મમેકર અમિયા ચક્રવર્તીની `બસંત' (મુમતાઝ શાંતિ-ઉલ્હાસ) ફિલ્મમાં પહેલી તક મળી. એમનું નામ છોકરીનું હોય એવું લાગતું હતું અને એ સમયે અનેક નલિની ફિલ્મોમાં વ્યસ્ત હોવાથી નલિની રંજન રૉયે કનુ રૉય નામ ધારણ કરી લીધું. મજાની વાત તો એ છે કે સંગીતકાર કનુ રૉય (અનુભવ, આવિષ્કાર, સ્પર્શ) સાથે એમના નામની ભેળસેળ ઘણીવાર થઈ હતી.