Thu Jun 18 2026

Logo
IPL 2026:

અર્જુન તેન્ડુલકરના આ બે નિર્ણયથી કૅપ્ટન રિષભ પંત બહુ ખુશ થયો!

2026-03-19 17:53:00
Author: Ajay Motiwala
Article Image

લખનઊઃ ઇન્ડિયન પ્રીમિયર લીગ (IPL)માં અગાઉ મુંબઈ ઇન્ડિયન્સ (એમઆઇ) વતી બહુ ઓછું રમવાની તક મળ્યા બાદ અર્જુન તેન્ડુલકર લખનઊ સુપર જાયન્ટ્સ (LSG) ટીમમાં જોડાયો છે જેના કૅપ્ટન રિષભ પંતને જુનિયર તેન્ડુલકરની બે વાત બહુ ગમી છે.

અર્જુન (ARJUN) હૅવી બૅટથી રમવાનો છે અને બીજું, તે લગ્ન કર્યાં બાદ ગણતરીના દિવસોમાં લખનઊની ટીમ સાથે પ્રૅક્ટિસ કરવા આવી ગયો છે. આ બે વાત કૅપ્ટન પંતને ખૂબ ગમી છે.

સચિનના બૅટ સામે અર્જુનનું બૅટ કેટલા વજનનું?

અર્જુનનું બૅટ (Bat) વજનદાર છે, પરંતુ તેના પિતા સચિન તેન્ડુલકર જેટલું તો હેવી નથી જ. જોકે પંતને અર્જુનનો આ નિર્ણય ગમ્યો છે. અર્જુને કૅપ્ટન પંતને કહ્યું, `મારા પપ્પા 1310થી 1315 ગ્રામ વજનના બૅટથી રમતા હતા. હું જે બૅટ વાપરું છું એનું વજન 1200 ગ્રામથી ઓછું નથી હોતું.' અર્જુન લેફ્ટ-આર્મ ફાસ્ટ બોલર છે. તે બોલર-બૅટ્સમૅન છે, પરંતુ લખનઊની ટીમને બૅટિંગમાં પણ તે ઉપયોગી બનવા ઉત્સુક છે. તે બોલિંગ ઉપરાંત બૅટિંગની પણ ઘણી પ્રૅક્ટિસ કરી રહ્યો છે.

પાંચમી માર્ચના લગ્ન બાદ તરત પ્રૅક્ટિસના મેદાન પર

અર્જુને ગુરુવાર, પાંચમી માર્ચે સાનિયા ચંદોક સાથે લગ્ન કર્યા હતા. મુંબઈની એક જાણીતી હૉટેલમાં આયોજિત લગ્ન સમારોહમાં દેશ-વિદેશની જાણીતી હસ્તીઓએ હાજરી આપી હતી. અર્જુન મરાઠી અને સાનિયા પંજાબી છે. આ બન્ને ભાષી લોકોમાં જે રીતરસમથી લગ્ન થતા હોય છે એ રીતરસમ અર્જુન-સાનિયાના મંડપમાં મહેમાનોને જોવા મળી હતી.

અમિતાભ બચ્ચન, શાહરુખ ખાન, એમએસ ધોની સહિત અનેક સેલિબ્રિટીઝે આ લગ્નમાં હાજરી આપી હતી. અર્જુન લગ્ન બાદ ગણતરીના દિવસોમાં પ્રૅક્ટિસ માટે આવી ગયો છે.

અર્જુનને મુંબઈ ઇન્ડિયન્સ વતી બે આઇપીએલ ટૂર્નામેન્ટમાં કુલ મળીને માત્ર પાંચ મૅચ રમવા મળી હતી. જોકે અર્જુન પંત સાથે મળીને લખનઊની ટીમને એક પછી એક મૅચ જિતાડવા આતુર છે.