Sat Sep 05 2026

Logo

આંધ્રપ્રદેશના અનંતપુરમાં ટ્રક સાથે અથડાયા બાદ વોલ્વો બસ પુલ પરથી નીચે ખાબકી, 40થી વધુ મુસાફરો ઘાયલ

2026-08-09 10:48:56
Author: Vimal Prajapati
આંધ્રપ્રદેશના અનંતપુરમાં ટ્રક સાથે અથડાયા બાદ વોલ્વો બસ પુલ પરથી નીચે ખાબકી, 40થી વધુ મુસાફરો ઘાયલ

અનંતપુરઃ આંધ્રપ્રદેશના અનંતપુર જિલ્લામાંથી એક અત્યંત દર્દનાક માર્ગ અકસ્માત સામે આવ્યો છે. અહીં એક ખાનગી વોલ્વો બસ અને આઇશર ટ્રક વચ્ચે સામસામે ભીષણ ટક્કર થઈ હતી. ટક્કર એટલી જોરદાર હતી કે ડ્રાઇવરે સ્ટીયરિંગ પરથી કાબૂ ગુમાવી દીધો હતો અને બસ તથા ટ્રક બંને પોગુરુ પુલની રેલિંગ તોડીને નીચે ખાબક્યા હતા. આ હોનારતમાં બસમાં સવાર આશરે 40 જેટલા મુસાફરો ઈજાગ્રસ્ત થયા છે, જેમાંથી 10 લોકોની હાલત અત્યંત ગંભીર હોવાનું જાણવા મળ્યું છે. 

પુલ પરથી નીચે ખાબકતાં બંને વાહનોના કુરચેકુરચા ઉડ્યા

અકસ્માત એટલો ભયાનક હતો કે પુલ પરથી નીચે પતકાયા બાદ બસ અને ટ્રક બંને વાહનોનો કચ્ચરઘાણ નીકળી ગયો હતો. ઘટના બનતા જ ચીસાચીસ અને બૂમાબૂમ મચી ગઈ હતી. સ્થાનિક લોકો તાત્કાલિક મદદ માટે દોડી આવ્યા હતા અને પોલીસને જાણ કરી હતી. પોલીસ અને સ્થાનિકોની મદદથી ઈજાગ્રસ્તોને વાહનમાંથી બહાર કાઢવામાં આવ્યા હતા.

ઘાયલોને તાત્કાલિક હોસ્પિટલ ખસેડાયા

તમામ ઈજાગ્રસ્ત મુસાફરોને પ્રાથમિક સારવાર માટે પમિડીની સરકારી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે. જ્યારે 10 જેટલા ગંભીર રીતે ઘવાયેલા મુસાફરોને વધુ સારા ઈલાજ માટે અનંતપુરની સરકારી હોસ્પિટલમાં રિફર કરવામાં આવ્યા છે. અકસ્માતમાં બસનો આગળનો ભાગ સંપૂર્ણપણે કચડાઈ જતાં ચાલક કેબિનમાં ફસાઈ ગયો હતો. તેને બહાર કાઢવા માટે પોલીસે જેસીબી મશીનની મદદ લેવી પડી હતી. કલાકોની ભારે મશક્કત બાદ ડ્રાઈવરને સુરક્ષિત બહાર કાઢી શકાયો હતો. પ્રાથમિક માહિતી મુજબ ડ્રાઈવરના પગના ભાગે ગંભીર ઈજાઓ પહોંચી છે. પમિડી પોલીસે અકસ્માત અંગે ગુનો નોંધીને તપાસનો ધમધમાટ શરૂ કરી દીધો છે.