નવી દિલ્હી: ન્યૂ યોર્કથી દિલ્હી આવી રહેલી એર ઇન્ડિયાની ફ્લાઇટમાં અચાનક ટેકનિકલ ખામી સર્જાતા હજારો ફૂટની ઊંચાઈએ મુસાફરોના શ્વાસ અદ્ધર થઈ ગયા હતા. આજે વહેલી સવારે બનેલી આ ઘટનામાં પાયલટે સાવચેતીના ભાગરૂપે વિમાનને અધવચ્ચેથી જ આયર્લેન્ડ તરફ વાળી દેવાનો નિર્ણય લીધો હતો. આ ઘટનાને પગલે એરપોર્ટ પર સુરક્ષા વ્યવસ્થા સઘન કરી દેવામાં આવી હતી, જોકે સદનસીબે મોટી દુર્ઘટના ટળી છે.
પંદરમી માર્ચના ન્યૂયોર્ક (JFK)થી દિલ્હી જવા રવાના થયેલી ફ્લાઇટ AI102ને આયર્લેન્ડના શૈનન એરપોર્ટ પર ઇમરજન્સી ડાઇવર્ટ કરવામાં આવી હતી. એર ઇન્ડિયાના પ્રવક્તાએ પુષ્ટિ કરી છે કે ટેકનિકલ સમસ્યાની આશંકા જણાતા સ્થાનિક સમય મુજબ સવારે 4:30 વાગ્યે વિમાનનું સુરક્ષિત લેન્ડિંગ કરાવવામાં આવ્યું હતું. વિમાનમાં સવાર તમામ 300 મુસાફરો અને ક્રૂ મેમ્બર્સ સંપૂર્ણપણે સુરક્ષિત હોવાનું જણાવાયું છે.
એર ઇન્ડિયા દ્વારા જારી કરવામાં આવેલા નિવેદનમાં જણાવવામાં આવ્યું છે કે મુસાફરોની સુરક્ષા એરલાઇન માટે સર્વોચ્ચ પ્રાથમિકતા છે. વિમાનમાં ક્ષતિ દેખાતા જ કોઈ પણ પ્રકારનું જોખમ લીધા વિના પ્રોટોકોલ મુજબ તેને નજીકના એરપોર્ટ પર ઉતારવામાં આવ્યું હતું. હાલમાં એરલાઇનના એન્જિનિયર અને નિષ્ણાતો દ્વારા સ્થાપિત સુરક્ષા માપદંડો હેઠળ એરક્રાફ્ટની ઝીણવટભરી તપાસ કરવામાં આવી રહી છે જેથી ખામીનું ચોક્કસ કારણ જાણી શકાય.
ફ્લાઇટ ટ્રેકિંગ વેબસાઇટ 'ફ્લાઇટ-રડાર24'ના ડેટા મુજબ આ એરબસ A350 વિમાને ટેક-ઓફ કર્યા બાદ લગભગ છ કલાક સુધી હવામાં મુસાફરી કરી હતી, ત્યાર બાદ વિમાનમાં ખામી સર્જાતા તેને અચાનક ડાઇવર્ટ કરવાનો નિર્ણય લેવાયો હતો. મુસાફરો માટે વૈકલ્પિક વ્યવસ્થા અને આગળની મુસાફરી અંગે એરલાઇન દ્વારા કામગીરી શરૂ કરી દેવામાં આવી છે. એરલાઇને મુસાફરોને પડેલી હાલાકી બદલ ખેદ વ્યક્ત કર્યો છે.