Thu Jul 02 2026

Logo

એર ઈન્ડિયા એક્સપ્રેસે  ખાડી દેશોમાં હવાઈ સેવા પુન: કાર્યરત કરવાની જાહેરાત કરી

2026-07-02 20:05:39
Author: Chandrakant Kanoja
Article Image

નવી દિલ્હી : ભારતના હવાઈ મુસાફરો માટે રાહતના સમાચાર આવ્યા છે. જેમાં લાંબા સમયથી મિડલ ઈસ્ટમાં યુદ્ધના વાતાવરણ વચ્ચે ખાડી દેશોમાં બંધ કરવામાં આવેલી હવાઈ સેવાઓ પુન: યથાવત કરવાની ક્વાયત હાથ ધરવામાં આવી રહી છે. જેમાં એર ઈન્ડિયા એક્સપ્રેસ પશ્ચિમ એશિયાના તમામ સ્થળોએ તેની ફ્લાઇટ સેવાઓ ફરી શરૂ કરવાની જાહેરાત કરી છે. 

બેંગલુરુ-કુવૈત રૂટ  4 જુલાઈના રોજ શરૂ થશે.

એર ઇન્ડિયા એક્સપ્રેસ અનુસાર, કોઝિકોડ-સલલાલાહ (ઓમાન) રૂટ પર ફ્લાઇટ્સ 2 જુલાઈના રોજ ફરી શરૂ થઈ હતી. આ દરમિયાન, કોઝિકોડ-કુવૈત સેવા 3 જુલાઈના રોજ ફરી શરૂ થશે અને બેંગલુરુ-કુવૈત રૂટ  4 જુલાઈના રોજ શરૂ થશે. મુસાફરોને વધુ સારી સુવિધા પૂરી પાડવા માટે આગામી દિવસોમાં આ રૂટ પર ફ્લાઇટ્સ સંખ્યા પણ ધીમે ધીમે વધારવામાં આવશે.

હજારો મુસાફરોને રાહત

એરલાઈને જાહેરાત કરી હતી કે પ્રદેશમાં પરિસ્થિતિ સામાન્ય થયા પછી તેના તમામ પશ્ચિમ એશિયા સ્થળોએ ફ્લાઇટ કામગીરી ફરી શરૂ થઈ ગઈ છે. આનાથી હજારો મુસાફરોને રાહત મળી છે. 

18 ભારતીય શહેરોને પશ્ચિમ એશિયાના  દેશો સાથે જોડાણ 

ઉલ્લેખનીય છે કે,  એર ઈન્ડિયા એક્સપ્રેસ દર અઠવાડિયે આશરે 780 ફ્લાઇટ્સ ચલાવે છે. જે 18 ભારતીય શહેરોને પશ્ચિમ એશિયાના વિવિધ દેશો સાથે જોડે છે. આ રોજગાર, વ્યવસાય અને કૌટુંબિક કારણોસર મુસાફરી કરતા વ્યક્તિઓને નોંધપાત્ર સુવિધા પૂરી પાડે છે.

ઓમાન અને કુવૈત રુટ પર હવાઇ સેવા બંધ કરી હતી 

પશ્ચિમ એશિયામાં યુદ્ધ અને અને હવાઇ સુરક્ષાના કારણે એર ઈન્ડિયા એક્સપ્રેસે અગાઉ ઓમાન અને કુવૈત સહિત કેટલાક રૂટ પર સેવાઓ કામચલાઉ ધોરણે   સ્થગિત કરી હતી. જ્યારે સ્થિતીમાં સુધારો થયા બાદ કંપનીએ તબક્કાવાર બધી સેવાઓ પુનઃ શરૂ કરવાનો નિર્ણય લીધો છે.

100 થી વધુ વિમાનો સાથે મજબૂત નેટવર્ક

એર ઈન્ડિયા એક્સપ્રેસ પાસે હાલમાં 100 થી વધુ વિમાનોનો કાફલો છે. એરલાઈન દરરોજ 500 થી વધુ ફ્લાઇટ્સ ચલાવે છે. જેમાં 43 સ્થાનિક અને 16 આંતરરાષ્ટ્રીય સ્થળોને જોડે છે.

ભારતીય નાગરિકોને  રાહત  મળશે 

એર ઈન્ડિયા એક્સપ્રેસના જણાવ્યા અનુસાર  વધતી માંગને અનુરૂપ ભવિષ્યમાં પશ્ચિમ એશિયા રૂટ પર ફ્લાઇટ ફ્રીક્વન્સીમાં વધારો કરવામાં આવશે. આ પગલાથી ભારતીય પ્રવાસીઓ અને ખાડી દેશોમાં રહેતા ભારતીય નાગરિકો બંનેને નોંધપાત્ર રાહત મળવાની અપેક્ષા છે.