અમદાવાદ: ગુજરાતમાં અમદાવાદના સરદાર પટેલ આંતરરાષ્ટ્રીય એરપોર્ટ (SVPI) ખાતેથી ‘હબ ઍન્ડ સ્પોક’ મોડેલ હેઠળની આંતરરાષ્ટ્રીય ફ્લાઇટ સેવાઓનો વિધિવત પ્રારંભ કરવામાં આવ્યો છે. કેન્દ્રીય નાગરિક ઉડ્ડયન મંત્રાલયની આ પહેલ હેઠળ અમૃતસર અને વારાણસી બાદ અમદાવાદ દેશનું ત્રીજું એરપોર્ટ બન્યું છે, જેને આંતરરાષ્ટ્રીય પ્રવાસી ટ્રાફિક માટે ભારતના અગ્રણી હબ-એન્ડ-સ્પોક માળખામાં સાંકળી લેવામાં આવ્યું છે.
પ્રવાસીઓને 'ઈઝ ઓફ ટ્રાવેલ'નો સીધો લાભ મળશે
હબ એન્ડ સ્પોક સેવાના શુભારંભ પ્રસંગે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે જણાવ્યું કે,'ઉડાન' યોજના હેઠળ ૬૭૯થી વધુ રૂટ્સ કાર્યરત કરી, સામાન્ય પ્રવાસીઓને એર કનેક્ટિવિટી આપીને વિમાન પ્રવાસનું સપનું સાકાર કરવામાં આવ્યું છે. અમદાવાદ એરપોર્ટ ખાતેથી 'હબ ઍન્ડ સ્પોક' સેવા શરૂ થવાથી રાજ્યના આંતરરાષ્ટ્રીય પ્રવાસીઓને 'ઈઝ ઓફ ટ્રાવેલ'નો સીધો લાભ મળશે અને નાના શહેરોના મુસાફરોને બોર્ડિંગ, કસ્ટમ્સ અને ઇમિગ્રેશનની પ્રક્રિયામાંથી મુક્તિ મળશે.
The Hub & Spoke operations at SVPIA will ensure unmatched ‘Ease of Travel’ by allowing international travelers to seamlessly complete customs and immigration directly at Ahmedabad airport before connecting globally.
— Bhupendra Patel (@Bhupendrapbjp) September 1, 2026
Beyond enriching the passenger experience, this streamlined… pic.twitter.com/Zq0TOzwKZj
ગુજરાત એવિએશન ક્ષેત્રનું પ્રમુખ કેન્દ્ર
મુખ્યમંત્રીએ જણાવ્યું હતું કે ગિફ્ટ સિટી ખાતે એરક્રાફ્ટ લીઝિંગ અને ફાયનાન્સિંગ તેમજ દેશના પ્રથમ સ્માર્ટ સિટી ધોલેરા ખાતે નિર્માણધીન ગ્રીનફિલ્ડ એરપોર્ટ જેવા પ્રોજેક્ટ્સથી ગુજરાત એવિએશન ક્ષેત્રનું પ્રમુખ કેન્દ્ર બની રહ્યું છે, જે જાન્યુઆરી 2027માં યોજાનારી 'વાઇબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટ' માટે પણ અત્યંત ઉપયોગી સાબિત થશે.
હાલ ગુજરાતમાં ૩ આંતરરાષ્ટ્રીય એરપોર્ટ સહિત કુલ ૧૯ એરપોર્ટ્સ કાર્યરત છે. તેમણે ઉમેર્યું કે, દેશના પ્રથમ સ્માર્ટ સિટી ધોલેરા ખાતે નિર્માણ પામી રહેલું અદ્યતન ગ્રીનફિલ્ડ એરપોર્ટ આવનારા સમયમાં ગુજરાત તેમજ દેશના અર્થતંત્રને નવી ગતિ પ્રદાન કરશે.
વેપાર-ઉદ્યોગની જરૂરિયાતોને ધ્યાનમાં રાખીને સેવા શરૂ
આ પ્રસંગે પોતાના ઉદબોધનમાં કેન્દ્રીય નાગરિક ઉડ્ડયન મંત્રી શ્રી કે. રામમોહન નાયડુએ જણાવ્યું કે ભારતના નાગરિક ઉડ્ડયન ક્ષેત્રને વૈશ્વિક સ્તરે નવી ઊંચાઈ આપવાની દિશામાં અમદાવાદથી હબ એન્ડ સ્પોક મોડલનો પ્રારંભ કરવામાં આવ્યો છે. અમદાવાદની વૈશ્વિક કનેક્ટિવિટી અને ગુજરાતની વિશાળ એનઆરઆઈ કમ્યુનિટી તથા વેપાર-ઉદ્યોગની જરૂરિયાતોને ધ્યાનમાં રાખીને આ મોડલ મહત્વપૂર્ણ સાબિત થશે.
15 આંતરરાષ્ટ્રીય ગંતવ્યો સાથે કનેક્ટિવિટી ઉપલબ્ધ થશે
તેમણે વધુ વિગતો આપતા જણાવ્યું હતું કે હબ એન્ડ સ્પોક મોડલ અંતર્ગત અમદાવાદથી દિલ્હી મારફતે વિશ્વના આશરે 15 આંતરરાષ્ટ્રીય ગંતવ્યો સાથે વધુ સુગમ કનેક્ટિવિટી ઉપલબ્ધ થશે. મુસાફરો માટે બેગેજ ચેકિંગ અને ઈમિગ્રેશન જેવી પ્રક્રિયાઓ અમદાવાદ ખાતે જ પૂર્ણ કરવાની સુવિધા મળવાથી દિલ્હી ખાતે ફ્લાઈટ બદલતી વખતે પડતી અગવડો દૂર થશે અને આંતરરાષ્ટ્રીય મુસાફરી વધુ સીમલેસ બનશે.
દેશમાં વધુ 100 એરપોર્ટ વિકસાવવાનું આયોજન
કેન્દ્રીય મંત્રીએ જણાવ્યું કે વર્ષ 2014માં દેશમાં 74 એરપોર્ટ હતા, જે આજે વધીને 160થી વધુ થયા છે. આગામી દસ વર્ષમાં ‘ઉડાન’ યોજનાના વિસ્તરણ સાથે દેશમાં વધુ 100 એરપોર્ટ વિકસાવવાનું આયોજન છે. નાગરિક ઉડ્ડયન ક્ષેત્ર દેશની આર્થિક ગતિ, રોજગાર અને વેપાર-ઉદ્યોગના વિકાસનું મહત્વપૂર્ણ માધ્યમ બની રહ્યું છે.
હબ ઍન્ડ સ્પોક એરલાઇન ઓપરેશનલ સિસ્ટમ
અત્રે ઉલ્લેખનીય છે કે, 'હબ ઍન્ડ સ્પોક' એ એરલાઇન ઓપરેશનલ સિસ્ટમ છે, જે હેઠળ નાના શહેરો (સ્પોક) ના મુસાફરોને મોટા કેન્દ્રીય એરપોર્ટ (હબ) પર લાવવામાં આવે છે અને ત્યાંથી કનેક્ટિંગ આંતરરાષ્ટ્રીય ફ્લાઇટ્સમાં ટ્રાન્સફર કરવામાં આવે છે. આ સુવિધાથી મુસાફરોના સામાન, કસ્ટમ્સ અને ઇમિગ્રેશન સંબંધિત તમામ તપાસ પ્રારંભિક એરપોર્ટ પર જ પૂર્ણ થઈ જશે, જેથી હબ એરપોર્ટ પર ફરીથી સુરક્ષા તપાસ કે ચેક-ઇન કરવાની જરૂર રહેશે નહીં. સ્વચાલિત સામાન ટ્રાન્સફર અને સરળ પ્રક્રિયાથી મુસાફરોના સમયની બચત થશે તેમજ એરલાઇન્સના ઓપરેટિંગ ખર્ચમાં ઘટાડો થશે.