નવી દિલ્હીઃ સતત થઇ રહેલા પાકિસ્તાનના હુમલાઓનો અફઘાનિસ્તાને વળતો હુમલો કરીને જવાબ આપ્યો છે. અફઘાનિસ્તાનની વાયુસેનાએ બલૂચિસ્તાનમાં કેટલાક 'આતંકી ઠેકાણાઓ' પર ડ્રોનથી હુમલો કર્યો છે. અફઘાનિસ્તાનનું કહેવું છે કે તેણે ISISના અડ્ડાઓ પર ડ્રોન વરસાવ્યા છે.
અફઘાનિસ્તાને જણાવ્યું કે આ જગ્યાઓનો ઉપયોગ, કેટલાક દુશ્મન ઇન્ટેલિજન્સ ગ્રુપોની મદદથી, અફઘાનિસ્તાન વિરુદ્ધ હુમલાઓનું આયોજન અને સંકલન કરવા માટે કરવામાં આવતો હતો. તેમજ આ જગ્યાઓએ અગાઉ પણ કેટલાક જીવલેણ હુમલાઓનું પ્લાનિંગ કરવા અને તેને અંજામ આપવા માટે ઓપરેશનલ બેઝ તરીકે કામ કર્યું હતું.
આ હુમલાઓમાં કિલ્લા અબ્દુલ્લા ડિસ્ટ્રિક્ટ (જિલ્લા) ના ગુલિસ્તાન વિસ્તારની જગ્યાઓને નિશાન બનાવવામાં આવી હતી. નોંધનીય છે કે પાકિસ્તાન છેલ્લા કેટલાક દિવસોથી અફઘાનિસ્તાન પર સતત હુમલા કરી રહ્યું હતું, ત્યારે અફઘાનિસ્તાને પાકિસ્તાન સામે બદલો લેવાની વાત કહી હતી.
"અફઘાનિસ્તાનના સંરક્ષણ મંત્રાલયે 'X' (ટ્વિટર) પર જણાવ્યું કે અફઘાનિસ્તાનના ઇસ્લામિક અમીરાતના સંરક્ષણ મંત્રાલયની વાયુસેનાએ પાકિસ્તાનના બલૂચિસ્તાન અને ખૈબર પખ્તુનખ્વા પ્રાંતોમાં ISISના ઠેકાણાઓ પર કેટલાક હવાઈ હુમલા કર્યા છે.
પાકિસ્તાનથી થઈ રહ્યું હતું દહેશત ફેલાવવાનું ષડયંત્ર
કાબુલ પ્રશાસને કડક વલણ અપનાવતા કહ્યું કે, જે વિસ્તારોને નિશાન બનાવવામાં આવ્યા છે, તેમનો ઉપયોગ લાંબા સમયથી અફઘાનિસ્તાન વિરુદ્ધ હુમલાઓની યોજના બનાવવા અને તેને અંજામ આપવા માટે એક મોટા લોન્ચ પેડ તરીકે કરવામાં આવી રહ્યો હતો."
સંરક્ષણ મંત્રાલયે વધુમાં જણાવ્યું કે આ હુમલાઓમાં કિલ્લા અબ્દુલ્લા ડિસ્ટ્રિક્ટ (જિલ્લા) ના ગુલિસ્તાન વિસ્તારની જગ્યાઓને નિશાન બનાવવામાં આવી હતી. સાથે જ બલૂચિસ્તાન પ્રાંતના ચગાઈ જિલ્લાના 'શકર અબ જંગલ ગાર્ડી' વિસ્તારમાં પણ હુમલો કરાયો હતો, જ્યાં ISISના આતંકીઓ અને અન્ય દુશ્મન તત્વો દ્વારા ઉપયોગમાં લેવાતી સંયુક્ત સુવિધાઓ (જૉઇન્ટ ફેસિલીટીઝ) પર સફળતાપૂર્વક હુમલો કરવામાં આવ્યો હતો.
આ ઉપરાંત, ખૈબરની ઓરકઝઈ એજન્સીના 'કંબર ખેલ' વિસ્તારમાં આવેલા એક ISIS-ખોરાસાનના ઠેકાણા (ફેસિલીટી) પર પણ હુમલો કરવામાં આવ્યો હતો.
હકીકતમાં, આ હવાઈ હુમલો અચાનક નથી થયો, પરંતુ છેલ્લા કેટલાક દિવસોથી બંને દેશો વચ્ચે ચાલી રહેલી સૈન્ય કાર્યવાહીનું પરિણામ છે. આ પહેલાં, પાકિસ્તાને પણ અફઘાનિસ્તાનની સરહદની અંદર ઘૂસીને હવાઈ હુમલા કર્યા હતા, જેના કારણે બંને દેશો વચ્ચેના સંબંધો સંપૂર્ણપણે વણસી ગયા હતા.