Thu Jun 11 2026

Logo

જેલમાંથી છૂટ્યાની ખુશીમાં ફટાકડા ફોડી હંગામો કરનારો આરોપી ફરી જેલભેગો

2026-03-19 18:12:18
Author: Yogesh C Patel
Article Image

ફટાકડા ફોડતા રોકવાનો પ્રયાસ કરનારા કોન્સ્ટેબલની મારપીટ: આરોપીના બે સાથી ફરાર

થાણે: કલ્યાણની જેલમાંથી જામીન પર છૂટ્યાની ખુશીમાં મધરાતે જેલબહાર જ ફટાકડા ફોડી હંગામો મચાવવાનું આરોપીને ભારે પડી ગયું હતું. હંગામો મચાવનારા આરોપી અને તેના બે સાથીને રોકવાનો પ્રયાસ કરનારા પોલીસ કોન્સ્ટેબલની મારપીટ પણ કરવામાં આવી હતી. આખરે જામીન પર છૂટેલા આરોપીને ફરી જેલભેગો કરી દેવામાં આવ્યો હતો અને ફરાર તેના બે સાથીની શોધ હાથ ધરાઈ હતી.

ખડકપાડા પોલીસના જણાવ્યા મુજબ ઘટના શનિવારની મધરાતે કલ્યાણની આધારવાડી જેલની બહાર બની હતી. જામીન મંજૂર થયા બાદ આરોપીને જેલમાંથી છોડવામાં આવ્યાની ખુશીમાં ફટાકડા ફોડવામાં આવ્યા હતા. ડિસ્ટ્રિક્ટ જેલના વરિષ્ઠ અધિકારી અભિજિત સુદામ કોળી (40)ની ફરિયાદને આધારે આ મામલે પોલીસે ગુનો નોંધ્યો હતો.

આ કેસના મુખ્ય આરોપી રોહિત ગણેશ જગદાળેને જેલમાંથી છોડવામાં આવ્યો હતો. તે સમયે જગદાળેના બે સાથી તેને મળવા જેલબહાર આવ્યા હતા. જગદાળે જેલબહાર આવ્યો તેની ખુશીમાં ત્રણેય જણે ફટાકડા ફોડી હંગામો મચાવ્યો હતો. કહેવાય છે કે આરોપી સળગતા ફટાકડા હવામાં ઉછાળી રહ્યા હતા. 

જેલના ગેટ પર સિક્યોરિટી માટે તહેનાત કોન્સ્ટેબલ અમોલ દેસલેએ આરોપીઓને આ રીતે ફટાકડા ફોડતા રોકવાનો પ્રયાસ કર્યો હતો. સુરક્ષાનાં કારણોસર જેલની દીવાલ ઉપરની કાંટાળી વાડમાંથી 440 વૉલ્ટનો વીજપ્રવાહ પસાર થતો હોવાની જાણકારી હોવા છતાં આરોપીએ જોખમી રીતે ફટાકડા ફોડવાનું ચાલુ રાખ્યું હતું. 

હંગામો કરનારા આરોપીઓએ બાદમાં કોન્સ્ટેબલને ગાળાગાળી કરી મારપીટ કરવા માંડી હતી. જેલમાં હાજર અન્ય સુરક્ષાકર્મીઓ કોન્સ્ટેબલની મદદે દોડી આવ્યા હતા અને આરોપી જગદાળેને પકડી પાડ્યો હતો. તેની વિરુદ્ધ ખડકપાડા પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધી વધુ કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી. (પીટીઆઈ)