(અમારા પ્રતિનિધિ તરફથી)
મુંબઈ: દક્ષિણ મુંબઈની સેશન્સ કોર્ટમાં સુનાવણી માટે લવાયેલો આરોપી પોલીસના હાથમાંથી છટકી જવામાં સફળ થયો હતો, પણ વિરારમાં 10 રૂપિયા માટે ચાવાળા સાથે રકઝક કરવા જતાં પકડાઈ ગયો હતો.બોલિંજ પોલીસના જણાવ્યા મુજબ આરોપી હરીસર એન્થોની જોસેફ (47)ને ગુરુવારે વિરાર પશ્ર્ચિમમાં વસઈ-વિરાર મહાનગરપાલિકાની ઑફિસ પાસેથી તાબામાં લેવાયો હતો. પ્રાથમિક પૂછપરછમાં તે પોલીસ કસ્ટડીમાંથી નાસી ગયેલો આરોપી હોવાનું જણાયું હતું. વધુ કાર્યવાહી માટે આરોપીને કોલાબા પોલીસના તાબામાં સોંપાયો હતો.
આરોપી જોસેફ નાટ્યાત્મક રીતે બોલિંજ પોલીસને હાથ લાગ્યો હતો. મહાપાલિકાની ઑફિસ નજીકની ચાની ટપરી પાસે લોકોનું ટોળું ભેગું થયું હતું અને ભારે કોલાહલ મચ્યો હતો. તે જ સમયે ત્યાંથી પેટ્રોલિંગ પર નીકળેલા બોલિંજ પોલીસ સ્ટેશનના બીટ માર્શલ પસાર થતા હતા. કોલાહલ સાંભળી કુતૂહલવશ બીટ માર્શલ બાઈક રોકીને ચાવાળા પાસે પહોંચ્યા.બીટ માર્શલે બૂમાબૂમનું કારણ પૂછતાં એક શખસ ચા પીધા પછી રૂપિયા આપવા આનાકાની કરતો હોવાનું જાણવા મળ્યું હતું. માત્ર 10 રૂપિયા માટે રકઝક કરનારા શખસની બીટ માર્શલે પૂછપરછ કરી હતી.
જોકે એ શખસ બોલવામાં થોથવાઈ રહ્યો હોવાનું નિરીક્ષણ પોલીસે કર્યું હતું. ઉપરાંત, પોતાનું નામ-સરનામું આપવાનું તે ટાળતો હતો અને પોલીસના સવાલના ઉડાઉ જવાબ આપતો હતો. શંકા જતાં બન્ને બીટ માર્શલ એ શખસને તાબામાં લઈ પોલીસ સ્ટેશને પહોંચ્યા હતા.અધિકારીએ જણાવ્યું હતું કે પોલીસ સ્ટેશનમાં પણ આરોપી પહેલાં જવાબ આપવાનું ટાળતો હતો. આખરે આકરી પૂછપરછમાં તેણે કબૂલાત કરી હતી. આરોપીના કહેવા મુજબ મુંબઈની સેશન્સ કોર્ટમાંથી પોલીસના હાથમાં છટકીને તે વિરાર આવ્યો હતો.
તપાસ કરતાં પોલીસને જાણવા મળ્યું હતું કે દક્ષિણ મુંબઈના ક્રાફર્ડ માર્કેટ નજીક રહેતો જોસેફ 20 જેટલા ગુનામાં સંડોવાયેલો હતો. તેની વિરુદ્ધ એમઆરએ માર્ગ પોલીસ સ્ટેશનમાં જ સૌથી વધુ ગુના નોંધાયેલા હતા. હત્યાના પ્રયાસ અને આર્મ્સ ઍક્ટ હેઠળ એમઆરએ માર્ગ પોલીસે તેની ધરપકડ કરી હતી. અદાલતી કસ્ટડીમાં તેને મુંઈની આર્થર રોડ જેલમાં રાખવામાં આવ્યો હતો.
કેસની સુનાવણી હોવાથી મંગળવારે જોસેફને આર્થર રોડ જેલમાંથી સેશન્સ કોર્ટમાં લાવવામાં આવ્યો હતો. કોર્ટ રૂમમાં જતાં પહેલાં પહેલા માળે પોલીસના હાથને ઝટકો મારી આરોપી ફરાર થઈ ગયો હતો. આ પ્રકરણે કોલાબા પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધવામાં આવ્યો હતો.