Wed Jul 29 2026

Logo

ભાત ભાત કે લોગઃ શ્રીમંતોનું વૃદ્ધાવસ્થા રોકવાનું કારસ... કે ફારસ?

2026-07-11 09:40:00
Author: Jwalant Nayak
Article Image

જ્વલંત નાયક

છેલ્લાં સાત-આઠ વર્ષથી ભારતનો ફિટનેસ આઇકોન બની ચૂકેલો એક સમયનો સુપર મોડેલ મિલિન્દ સોમણ રનિંગ, સ્વિમિંગ, સાયકલિંગ અને મેરાથોન જેવી પ્રવૃત્તિઓમાં સક્રિય છે. 60 વર્ષના આ માણસે હમણાં મે મહિના દરમિયાન યુરોપથી આફ્રિકા સુધીની જિબ્રાલ્ટરની 15 કિલોમીટરની ખાડી તરીને પાર કરી.

એક સમય હતો જ્યારે વ્યક્તિને ઉંમર પ્રમાણે વર્તવાની સલાહ અપાતી. પણ હવે આ વ્યવસ્થા બદલાઈ રહી છે. ખાસ કરીને પામતા-પહોંચતા વર્ગમાંથી આવતા પુષો વધતી ઉંમરને હરાવવા પાછળ ખાસ્સા પ્રયત્નો કરે છે અને પરિણામ પણ મેળવે છે. મિલિન્દ સોમણ તો વર્ષોની શારીરિક કેળવણી બાદ પોતાનું શરીર સૌષ્ઠવ જાળવી શક્યો, પણ બીજા અનેક ધનિકો તો અબજો ડૉલર્સ ખર્ચીને તરેહ તરેહના ઉપાયો અજમાવી રહ્યા છે.

છેલ્લા અઢી-ત્રણ દાયકા દરમિયાન વિશ્વના અનેક ઉદ્યોગ સાહસિકો નવી ટેક્નોલોજીસને પ્રતાપે સુપર રિચ બન્યા, જે આજકાલ `ટેકનો ટાઈટન' તરીકે ઓળખાય છે. ટેકનો ટાઈટન્સ આમે ય ટેકનોલોજી અને નવી શોધખોળોથી સતત અપડેટ રહેતા હોવાના, એટલે એમને બાયોસાયન્સમાં રસ પડે એ સ્વાભાવિક ગણાય. આ ટેકનો ટાઈટન્સ હવે બાયોટેકનોલોજીના ઉપયોગ થકી પોતાની વીતેલી જુવાની પાછી મેળવવા-ટકાવી રાખવા માટે અબજો રૂપિયા પાણીની જેમ ખર્ચી રહ્યા છે.

`એમેઝોન' કંપનીના સ્થાપક જેફ બેઝોસે અલ્ટોસ લેબ નામક બાયોટેક કંપનીમાં અબજો ડૉલર્સનું ઇન્વેસ્ટમેન્ટ કર્યું છે. આ કંપની સેલ્યુલર રિપ્રોગ્રામિંગ પર કામ કરે છે, જેથી વૃદ્ધ કોષોને યુવાન અને સ્વસ્થ સ્થિતિમાં પાછા લાવવાની ટેક્નોલોજી વિકસાવી શકાય. જો આવું શક્ય બને તો ઉંમર સંબંધિત રોગો, ઇજાઓ અને શારીરક પંગુતા ઉપર લગામ કસાય. સાથે જ શરીરના કોષોની તાકાત આયુષ્ય પણ વધારી શકાય.

OpenAIના સેમ ઓલ્ટમેન પણ આ દોડમાં આગળ પડતા છે. સેમે તો આયુષ્ય લાંબું કઈ રીતે કરવું એનું સંશોધન કરવા માટે રેટ્રો બાયોસાયન્સ નામની ખાસ કંપની સ્થાપી. એટલું જ નહિ, એમાં પોતાના ગજવામાંથી અધધ 180 મિલિયન ડૉલર્સ ઇન્વેસ્ટ કર્યા! સેમને પોતાના જેવાં જ બીજા ઉદ્યોગપતિઓ તરફથી પણ આ કંપની માટે ધૂમ ફંડિગ પ્રાપ્ત થયું, જે બતાવે છે કે ટેક જાયન્ટ્સને લાંબું જીવવાની કેવી લ્હાય છે! સેમની કંપની સ્ટેમ સેલ થેરપી, સેલ રિપ્લેસમેન્ટ સહિતની અનેક અટપટી ટેકનોલોજીઝ પાછળ ખાઈ-પીને લાગી છે.

આ ઉદ્યોગપતિઓ નવા સંશોધનો પાછળ અબજો ડૉલર્સ ખર્ચે એ તો ખં જ, સાથે રોજિંદા ખોરાક અને જીવનશૈલી સુધારવા-વ્યવસ્થિત રાખવા પાછળ પણ ભરપૂર પ્રયત્નો કરતાં રહે છે.

આવો જ એક વેન્ચર કેપિટાલિસ્ટ છે બ્રાયન જ્હોન્સન નામનો અમેરિકન. પોતાનું શારીરિક આયુષ્ય ઘટાડવા માટે આ માણસ અનેક જાતની પરેજીઓ પાળે છે અને શરીર સાથે અનેક પ્રકારના પ્રયોગો કરતો રહે છે. લાંબું અને યૌવનસભર જીવન જીવવા માટે એણે નિષ્ણાંતોની મદદથી વૈજ્ઞાનિક ઢબે ઘડાયેલી વિશિષ્ટ જીવન પદ્ધતિ વિકસાવી છે. એનો આ પ્રોજેક્ટ બ્લ્યુ પ્રિન્ટ અથવા `ડોન્ટ ડાય' પ્રોજેક્ટ તરીકે પ્રખ્યાત છે. સખત પરેજી અને ડાયેટનું રૂટિન ચુસ્તપણે પાળતો બ્રાયન રોજ રાત્રે સાડા આઠ વાગ્યે ઊંઘી જાય છે. ભલે આખી દુનિયા ભાડમાં જાય, બેડરૂમની લાઇટ્સ સ્વિચ ઓફ કરી જ દેવાની.

બ્રાયનને આ બધાનો ફાયદો ય થયો. એના દાવા મુજબ એની ઉંમરની સરખામણીએ ત્વચા નવ વર્ષ નાની છે. કિડની, લીવર સહિતના અંગો પણ વાસ્તવિક ઉંમર કરતા ઓછી આયુના એટલે કે પ્રમાણમાં યુવાન હોવાનો દાવો કેટલો સાચો છે, એ તો રામ જાણે. પણ એનો એક પ્રયોગ જરા ચર્ચાસ્પદ બન્યો.

બ્રાયન જોન્સને પોતાના બ્લ્યુ પ્રિન્ટ પ્રોજેક્ટના ભાગ તરીકે પ્લાઝ્મા એક્સચેન્જના પ્રયોગો કરેલા. 2023માં એણે વિશ્વની પ્રથમ મલ્ટી-જનરેશનલ પ્લાઝ્મા એક્સચેન્જ થેરપી કરાવી. જે અંતર્ગત બ્રાયન પોતાના વૃદ્ધ થઇ રહેલા પ્લાઝમાને બદલે કોઈ યુવાન વ્યક્તિના પ્લાઝમા શરીરમાં દાખલ કરવા માગતો હતો. આ માટે એણે પોતાના જ સત્તર વર્ષના યુવાન પુત્રના પ્લાઝમાનો ઉપયોગ કર્યો. જો કે આ અખતરાનો કોઈ સ્પષ્ટ ફાયદો ન મળ્યો. કુલ છ વખત આવી ટ્રીટમેન્ટ કરાવ્યા બાદ બ્રાયને પ્રયોગ પડતો મૂક્યો.

યુવાની અને લાંબું જીવન ટકાવી રાખવા માટેની શ્રીમંતોની ઘેલછા જોઈને આપણને પુરાણોમાં આવતી યયાતિ રાજાની વાત યાદ આવ્યા વિના ન રહે, જેણે યૌવનના મોહમાં પોતાના જ પુત્રની યુવાની માગી લીધેલી. મુદ્દાની વાત એ છે કે કદાચ આમાંનો કોઈ વિરલો પૈસાને જોરે ચિરયૌવન મેળવી ય લેશે, તો એ લાંબી જિંદગીનું કરશે શું? ધન તો અત્યારે ય સાત પેઢી મોજથી ખાય એટલું છે, એટલે કમાવાની ચિંતા તો છે જ નહિ. સખત પરેજી પાળવાની હોવાથી ખાણી-પીણીનો આનંદ માણી નહિ શકે... મોટા ભાગની શક્તિઓ અને સમય તો શરીર સાચવવામાં જ ખર્ચાઈ જશે તો એવી જિંદગીને કે યુવાનીને શું ધોઈ પીવાના?

ફિરાક ગોરખપુરીના એક શેર સાથે વિરમીએ : 
પાલ લે એક રોગ નાદાં ઝીન્દગી કે વાસ્તે
સિર્ફ સેહત કે સહારે ઉમર તો કટતી નહિ