Wed Jul 29 2026

Logo

એક આગવી રહસ્ય કથાઃ છટકું

2026-07-04 09:12:00
Author: Tina Doshi
Article Image

ટીના દોશી

આસવ તૈયાર થઈને શયનખંડમાંથી બહાર આવ્યો એ જ ક્ષણે ટેલિફોનની ઘંટડી રણકી ઊઠી. ઘંટડી સાંભળી જ ન હોય એમ આસવે સોફામાં પલાણ્યું. એક હાથમાં ચા લીધી ને બીજા હાથમાં અખબાર લીધું. ચાનો ઘૂંટ આસવે ભર્યો. ઘંટડી લગાતાર રણકતી રહી. પણ આસવના કાને તો કાંઈ ન સાંભળવાની હઠ લીધેલી. લગાતાર ઘંટડીના રણકવાથી રસોડામાં કામ કરી રહેલી સુરાહી હાથમાં વેલણ સાથે ઉતાવળે દોડી આવી. આસવને આંખોથી ધમકાવતાં ભવાં તંગ કરીને એણે ફોન ઉઠાવ્યો. રિસીવર કાને ધર્યું. ખિજવાઈને બોલી: `હેલ્લો, કોણ?'

અત્યાર સુધી એકધારો ચિચિયારી પાડી રહેલો સામો છેડો શાંત થઇ ગયો. એકદમ શાંત. સુરાહી ચિડાઈને બોલી: `અરે ભાઈ, કોણ છે? કેમ કોઈ બોલતું નથી?'

સામેથી કોઈ ન બોલ્યું. જાણે મૌનવ્રત લીધું હોય!
`હેલ્લો, હેલ્લો.. સવાર સવારમાં ફોન કરો છો ને પાછા બોલતા કેમ નથી?' સુરાહીનો પિત્તો ઉછળ્યો: `બોલવું નથી તો ફોન કેમ કર્યો ?' 

સામા છેડાએ મોંમાં મગ ભરી રાખેલા. આખરે કંટાળીને સુરાહીએ ફોન પછાડ્યો. રિસીવર પટક્યું ને ગુસ્સે થઈને આસવને કહ્યું : `તમે અહીં બેઠા છો તોય ફોન ઉઠાવતા કેમ નહોતા?'

`સુ ડાર્લિંગ, તું રોષે ભરાય છે ને ત્યારે તારી ખૂબસૂરતીમાં ચાર ચાંદ લાગી જાય છે...' આસવે મીઠી મુસ્કાન સાથે કહ્યું : `મારી વાત માન્યામાં ન આવતી હોય તો જા જઈને આયનામાં જોઈ લે. તું જાણે છે ને, આયનો ક્યારેય જૂઠ બોલતો નથી !'

ન ચાહવા છતાં સુરાહી મલકી પડી. બોલી : `વાતનો જવાબ પણ નથી આપવો ને વાતથી ભોળવી પણ જાણે છે. આ કળા તો તારી પાસેથી શીખવી પડે.'

`હા, તો શીખ ને..' આસવને આસવ ચડ્યો હોય એવા નશીલા સૂરે બોલ્યો : `આજથી હું તારો ગુરૂ ને તું મારી શિષ્યા, બોલ મંજૂર ?'

`જોયા મોટા ગુને..' સુરાહીએ મીઠો છણકો કર્યો: `વાત ફોનની હતી. તે તું ક્યાંથી ક્યાં લઇ ગયો.. તને ક્યારની કહું છું કે ફોનનું કોલર આઈડી મહિનાથી બગડેલું છે. એનું કાંઈક કર. છેલ્લા અઠવાડિયાથી આવા નનામા ફોન આવ્યા કરે છે. તું તો અહીં બેઠો હોય તોયે ફોન ઉઠાવવાની તસ્દી લેતો નથી. ને મારે રસોડામાંથી દોડવું પડે છે. ક્યારેક લોટ બાંધતાં બાંધતાં, ક્યારેક રોટલી વણતાં વણતાં તો ક્યારેક વળી શાક સમારતાં... ફોન  લેવા કામ પડતું મૂકીને આવું ને સામેથી તો કોઈ બોલે જ નહીં. એવી તો દાઝ ચડે છે ને કે...'

`અરે સુ, ફોન નહીં ઉપાડવાનો..' આસવે નનામા ફોનની ઉપેક્ષા કરવાની કૂંચી બતાડી: `એ વાગ્યા કરશે ને પછી બંધ થઇ જશે..'

`અરે, એ તે કાંઈ ઉપાય છે ?' સુરાહી બબડી : `એમ તો કામના ફોન હોય એ પણ ઘંટી વગાડ્યા કરે. એના કરતાં તું કોલર આઈડી રિપેર કરાવી દે. એનાથી ખબર પડી જશે  કે કયો ફોન કામનો છે ને કયો નનામો.'

`પણ આપણા કામના ફોન તો આપણા મોબાઈલ પર જ આવે છે...' આસવે દલીલ કરી : `પછી કોલર આઈડી ઠીક કરાવીને શું કામ છે ?'

`તું ભૂલે છે...' સુરાહીએ ટકોર કરી : `તારી મમ્મી, માસી ને ફોઈ તથા મારી મમ્મી લેન્ડલાઈન પર જ ફોન કરવા ટેવાયેલાં છે. એમને બે-ત્રણ વાર સેલ પર ફોન કરવા કહી જોયું. પણ એ તો કહે કે અમે જૂના જમાનાનાં માણસો છીએ. અમને સેલબેલ ન ફાવે...' 

`સારૂં..સારૂં..અત્યારે તો હું ઓફિસે જવા નીકળું છું. સાંજે વાત કરીશું.' આસવે ઓફિસબેગ ઉઠાવી. હાથમાં વેલણ સાથે આવેલી સુરાહી પણ ઉતાવળે રસોડામાં ગઈ. એવામાં ફરી ટેલિફોન રણક્યો. સુરાહી રસોડામાંથી બહાર આવી જ રહેલી કે એણે જોયું કે આસવે ફોન ઉઠાવી લીધેલો. કોનો ફોન હશે એવું વિચારી રહેલી સુરાહી રસોડાને દરવાજે ઊભેલી, પણ એને કાંઈ સમજાયું નહીં. આસવ ધીમે અવાજે કંઈ ગુસપુસ કરી રહ્યો હોય એવું એને લાગ્યું. સુરાહી બહાર આવી. પણ એટલામાં આસવે ફોન મૂકી દીધો. સુરાહીએ પૂછી લીધું : `કોનો ફોન હતો?' 

`કોઈનો નહીં...રોંગ નંબર હતો.' આસવ આમ કહીને ઓફિસ જવા નીકળી ગયો. પણ સુરાહીને લાગ્યું કે પોતાનો અવાજ સાંભળીને એ એવો ચમકી ગયેલો જાણે એનું જૂઠ પકડાઈ ગયું હોય ! પણ પછી પોતાનો વહેમ છે એમ માનીને સુરાહીએ ખોટા વિચારો ખંખેરી દીધા. છતાં રહીરહીને એના મનમાં વિચાર ઘુમરાયા કરતો કે, ખરેખર રોંગ નંબર હશે કે પછી...રોંગ નંબર જ હોય તો આસવ ફોન પર ગુસપુસ કરતો હોય એવા ધીમા અવાજે કેમ બોલ્યો હશે ?

વિચારોમાં ને વિચારોમાં સુરાહીએ ઘરનાં ને બહારનાં કામ પતાવ્યાં. દિવસ પૂરો થયો ને સાંજ પડી. રોજની જેમ સાડા છને ટકોરે આસવ ઘેર આવ્યો. સુરાહી આસવ માટે પાણી લાવવા રસોડામાં ગઈ. સોફા પર બેઠેલા આસવ જૂતાં ઉતારી રહેલો, એવામાં ટેલિફોનની ઘંટડી રણકી. ટ્રેમાં પાણી લઈને આવેલી સુરાહીએ ફોન ઉઠાવ્યો. હેલો, હેલો કર્યું, પણ સામો છેડો ન બોલ્યો. સામેથી હળવા શ્વાસોશ્વાસના અવાજ સંભળાતા હોવાનું સુરાહીએ અનુભવ્યું. એણે ફરી હેલો હેલો કર્યું. પણ સવારના જે થયેલું એનું પુનરાવર્તન થયું. સુરાહીએ ખિજાઈને ફોન પટક્યો. ને રસોડામાં જતાં જતાં બબડી : `કોણ જાણે આવા નનામા ફોન કોણ કરતું હશે?'  

આસવને ઘેર આવીને ચા પીવાની ટેવ હતી. સુરાહીએ ગેસ પેટાવીને તપેલીમાં ચા ચડાવી. ઊકળતી ચામાં પીસેલી ઈલાયચી ને વાટેલું આદુ નાખ્યું. એટલામાં ફરી ફોન રણક્યો. આસવે ફોન ઉઠાવી લીધેલો. સુરાહીએ રસોડામાં રહ્યે રહ્યે જ બહાર કાન માંડ્યાં. સવારની જેમ જ આસવ હળવે સ્વરે કંઈ બોલી રહ્યો હોય એવું લાગ્યું. એ ઝડપથી ચા લઈને બહાર આવી એટલામાં આસવે ફોન મૂકી દીધેલો. સુરાહીની આંખોમાં પ્રશ્નાર્થ  જોઇને આસવે કહ્યું : `રોંગ નંબર હતો...'

`એમ ?' સુરાહી બોલી : `તો ધીમે અવાજે શું વાત કરી રહેલો એ રોંગ નંબર સાથે ?'

`અરે.. રોંગ નંબર સાથે શું વાત કરવાની?' આસવે સુરાહીને સમજાવી : `એ તો કોઈ કંપનીનો કોલ હતો.' 

`વાહ, અભી બોલા અભી ફોક...' સુરાહીએ ટોણો માર્યો: `પહેલાં કહ્યું કે રોંગ નંબર હતો ને પાછું ફરી જઈને કહ્યું કે કંપની કોલ હતો.. આમાં મારે શું માનવું?'

`અં..એ તો...' આસવ થોથવાયો. સુરાહીના મનમાં શંકા ઊગી. એ બોલી ઊઠી : `કોઈ છોકરીનો ફોન તો નહોતો ને.. હં, એમ જ હશે. એટલે જ મારો અવાજ સાંભળીને ફોન મૂંગો થઇ જાય છે. ને તારો અવાજ સાંભળીને ફોન બોલકો બની જાય છે. બોલ, એવું જ છે ને? તું મારી સાથે વિશ્વાસઘાત ને છેતરપિંડી કરી રહ્યો છે!'

`તું મારી વાત તો સાંભળ...' સુરાહીની આંખમાં આવેલા ઝળઝળિયાં જોઇને આસવ ઢીલો પડ્યો : `સુ, તું જાણે જ છે કે હું તને ને માત્ર તને જ ચાહું છું. ભલે આપણા લવમેરેજ નથી થયા, પણ છેલ્લા બે વર્ષમાં તને ક્યારેય લાગ્યું છે કે હું તને છેતરી રહ્યો છું ? મારો પહેલો ને છેલ્લો પ્રેમ તું જ છે. તારા સોગંદ, બસ..'

`તો આ ફોન કોના આવે છે ?' સુરાહીની આંખોમાં અવિશ્વાસ ડોકાયો. 

`તું માને કે ન માને, મને ખરેખર ખબર નથી...' આસવની વાતમાં સચ્ચાઈ જણાતી તો હતી : `સાચું કહું છું. હું ફોન ઉઠાવું ત્યારે સામે છેડેથી કોઈ છોકરી હાય ડાર્લિંગ, હેલો ડાર્લિંગ એવું બોલે છે. ક્યારે મળશે ને તારી પત્ની તારી આજુબાજુ છે કે એવું બધું પૂછે છે. હું સાચે જ એને ઓળખતો નથી. ઊલટું, હું તો આવું બધું સાંભળીને ગભરાઈ જાઉં છું ને ફોન મૂકી દઉં છું. તારી કસમ. મારી આંખમાં જો. તને માત્ર પ્રેમ દેખાશે. એ પણ ફક્ત તારા માટેનો.' 

`તું સાચું બોલે છે ને ?' સુરાહીની કીકીઓમાં ભીનાશ ભળી : `હું જાણું છું કે તું માત્ર મને જ ચાહે છે. પણ આ નનામા ફોને મને ડરાવી દીધેલી. પણ તેં મારો વહેમ દૂર કરી નાખ્યો.'

`સુ, લોકો તો સાચા પ્રેમીઓને જોઇને જલતા હોય છે...' આસવે શંકાનું સમાધાન કરતાં કહ્યું : `કોઈ વિઘ્નસંતોષીનું જ આ કામ લાગે છે.'

`હં...' સુરાહીનો વહેમ દૂર થઇ ગયો ને એ રસોઈ બનાવવા ચાલી ગઈ.

અઠવાડિયું નિર્વિઘ્ને પસાર થઇ ગયું. વચ્ચે એકાદ બે વાર નનામા ફોન આવ્યા, પણ સુરાહીએ ઉપેક્ષા જ કરી. પણ પછીના દિવસે ન થવાનું થયું. આસવના કપડાં વોશિંગ મશીનમાં નાખી રહેલી સુરાહીએ હંમેશ મુજબ શર્ટ અને પેન્ટનાં ખિસ્સાં તપાસ્યાં. આસવ ઘણી વાર રૂપિયાની નોટો ને પરચૂરણ ઉપરાંત મહત્ત્વના કાગળિયાં ખિસ્સામાં મૂકીને ભૂલી જતો. એથી સુરાહી કાયમ એના કપડાં ધોતાં પહેલાં ચકાસી લેતી કે ક્યાંક કંઈ રહી તો નથી ગયું ને ! 

અત્યારે પણ એણે આસવના કપડાંના ખિસ્સાં તપાસ્યાં તો પેન્ટના પાછલા પોકેટમાંથી સિનેમાની બે ટિકિટ સરી પડી. સુરાહીનું મગજ ચકરાઈ ગયું. એણે જોયું તો આગલા દિવસની બપોરની `વફાબેવફા' ફિલ્મની ત્રણથી છના શોની ટિકિટ હતી. સુરાહી બબડી, કોણ વફા કરી રહ્યું છે ને કોણ બેવફા છે એ તો ખબર પડી ગઈ. આસવ પોતાની આંખમાં ધૂળ નાખી રહ્યો છે. પોતાની શંકા સાચી જ છે, માનીને એ સિનેમાની ટિકિટ લઈને બહાર આવી. આસવ સામે ધરીને બોલી : `આ બે ટિકિટ તારા ખિસ્સામાં ક્યાંથી આવી? આપણે તો ગઈ કાલે કોઈ ફિલ્મ જોવા ગયા નહોતા !'

`આ શું બોલે છે...સિનેમાની ટિકિટ મારા ખિસ્સામાં ક્યાંથી આવે?' આસવ કશું જાણતો જ ન હોય એવા ભોળાભાવે બોલ્યો : `ગઈ કાલે તો મારી અગત્યની મિટિગ હતી. સિનેમા જોવા હું ક્યાંથી જાઉં. અને જાઉં તો તને લઈને જ જાઉંને ? મને તો લાગે છે કે આપણા પ્રેમને જોઇને બળી મરનારમાંથી જ કોઈએ મારા ખિસ્સામાં બે ટિકિટ સેરવી દીધી હશે. જેથી આપણે ઝગડીએ ને એ તીરે રહીને તમાશો જુએ.'

`પણ એમ કાંઈ આપણે લડાઈ કરવાના નથી...' સુરાહી દ્રઢ સ્વરે બોલી : `ભલેને જલનારાઓ જલ્યા કરે. મને તારામાં પૂરો વિશ્વાસ છે. તું મારી સાથે દગાબાજી કરે જ નહીં ને.'

પરસ્પરનો વિશ્વાસ જળવાઈ રહ્યો. બધું સમુંસૂતં ચાલી રહેલું કે અચાનક ફરી વિસ્ફોટ થયો. સુરાહીએ આસવના શર્ટના ખિસ્સામાંથી રૂમાલ કાઢ્યો. તો એના પર લિપસ્ટિકની ઝાંખી છાપ હતી. સુરાહીએ કાગારોળ મચાવી દીધી. 

આસવની સામે રૂમાલ ધરી દીધો. આસવે ફરી એ જ ડાયલોગ ફટકાર્યો : `તું મારી વાત માન...જરૂર આ કોઈ હિતશત્રુનું કામ છે. બાકી હું તો તને જ પ્રેમ કં છું. મારા પ્રેમમાં ક્યારેય કોઈ ખોટ વર્તાઈ તને ?'

આ સવાલ સામે સુરાહી નિત્તર બની ગઈ. ખરેખર આસવના પ્રેમમાં કોઈ ખોટ નહોતી. દરિયામાં ભરતી ને ઓટ હોય, પણ આસવના પ્રેમમાં માત્ર ભરતી જ હતી, ઓટનું નામોનિશાન નહોતું. છતાં એણે કહી દીધું : `ફરી આવું કાંઈ થશે તો....'

`નહીં થાય, મારી રૂપની રાણી...' રિસામણાં ને મનામણાં પછી ફરી સંસારની ગાડી પાટે ચડી. પણ પંદર દિવસ માંડ વીતેલા કે ન ધારેલું બન્યું. આસવની ઓફિસ બેગ મૂકવા અલમારી ખોલી..તો ઉપરના ખાનામાં જ મઘમઘતો પત્ર પડેલો જોયો. કુતૂહલવશ એણે પત્ર હાથમાં લીધો. પત્ર ખોલીને લખાણ વાંચ્યું તો ખબર પડી કે એ પત્ર નહીં, પ્રેમપત્ર હતો. ટાઈપ પ્રેમપત્રમાં લખનારનું નામ નહોતું, પણ એ આસવને જ લખાયેલો એ સમજી શકાય એમ હતું. 

પત્રમાં વીતેલા દિવસોની ઘટના અંગે લખેલું કે, `પ્રિય, તું સુરાહીને સારી રીતે બેવકૂફ બનાવી જાણે છે. તેં મને ઘરના નંબર પર ફોન કરવાની ના પાડેલી, પણ શું કં ? તારો સેલફોન લાગતો જ નહોતો. પણ મારા નનામા ફોન અંગે તેં જે કહ્યું એ પણ એ માની ગઈ. તારી પત્ની મહામૂર્ખ લાગે છે. છતી આંખે આંધળી. વળી સિનેમાની ટિકિટ અંગે પણ તેં એને સમજાવી દીધી. આપણે સિનેમામાં મજા કરી ને એ બુદ્ધિ વગરની બધું સાચું માની બેઠી. તારા ભેજાને પણ દાદ દેવી પડે. અને હા, તેં મને પત્ર લખવાની ના પાડેલી, પણ પત્ર લખતાં હું મારી જાતને રોકી ન શકી. અક્કલને તાળાં મારીને બેઠેલી તારી સુરાહીને આ પત્ર વિશે ક્યાંથી ખબર પડવાની છે ? જલ્દી જ  ફરી મળીએ જ છીએ. એ જ તારી પ્રિય.'

આ પત્ર વાંચીને સુરાહી ઊભી ને ઊભી સળગી ઊઠી. પગ પછાડતી ને ગુસ્સામાં તમતમતી એ સીધી આસવ સામે ધસી ગઈ. ને પત્ર એની સામે ફેંક્યો. બરાડી ઊઠી : `એમ...તો હું મહામૂર્ખ છું. તારા બધાં બહાના સાચા માની લઉં છું. તારે કોઈની સાથે ચક્કર ચાલી રહ્યું છે, એમ ને. હું જ બેવકૂફ કે આટલી સામાન્ય વાત સમજી ન શકી. હવે હું ઘર અને તને છોડીને જાઉં છું. હંમેશ માટે. તું ને તારી પ્રિયતમા રહેજો સુખેથી.'

`અરે, એવું કાંઈ નથી. ખરેખર આ બધું ખોટું છે. કોઈ મારા સુખી સંસારમાં આગ ચાંપવા માંગે છે. પણ મારા જીવનમાં તું એક જ છે. બીજુ કોઈ નથી. મને નથી ખબર આ પત્ર કોને ને શું કામ લખ્યો છે. તું કહે એના સોગંદ ખાઉં...' આસવ રડી પડ્યો. 

`હું આ બધું સાચું ન માનું તો શું કં એ તું જ કહે...' સુરાહી બોલી : `નનામા ફોન, સિનેમાની ટિકિટ, લિપસ્ટિકની છાપ ને હવે આ પ્રેમપત્ર....જો એ ફોન મારા માટે હોત, સિનેમાની ટિકિટ મારા પર્સમાંથી નીકળી હોત કે આ પ્રેમપત્ર મારી અલમારીમાંથી મળ્યો હોત તો તું શું મારા પર શંકા ન કરત ?'

`ના ન કરત...' આસવ બોલ્યો : `હું સમજી ગયો છું કે વિઘ્નસંતોષીઓ કોઈનું ઘર ભાંગવા કોઈ પણ હદે જઈ શકે છે. મારા પર દાવ ન ચાલ્યો, તો હવે એ તારા પર ચાલ ચાલશે. પણ તેં મારી વાતમાં ભરોસો મૂક્યો, એમ હું પણ તારી બાબતે વિશ્વાસ રાખીશ. હું કોઈની વાતમાં નહીં આવું.'

`ખરેખર...કોઈ હિતશત્રુ તને મારે વિશે એલફેલ કહેશે તો પણ તું નહીં માને ને ?' સુરાહીની પાંપણ છલકાઈ. 
`ના, ના.. હજાર વાર ના.' આસવના શબ્દો લોઢા પર લીટી સમાન હતા. પોતાનો સંસાર સળગાવવા નીકળેલાઓને ફાવવા નહીં દેવાનો સંકલ્પ કરીને આસવ ઓફિસે ચાલ્યો ગયો. ને સુરાહીએ શ્યામને ફોન જોડીને ખુશખબર આપ્યા : `શ્યામ, આબાદ છટકું ગોઠવ્યું તેં તો. આપણા છટકામાં આસવ સહેલાઈથી ફસાઈ ગયો. તેં કહેલું એમ મેં જ મારા સેલફોનથી લેન્ડલાઈન પર આસવને નનામા ફોન કરેલા. રસોડામાંથી હું ફોન કં ને પછી ઘરનો ફોન ઉઠાવીને હેલો, હેલો કરીને મૂકી દેતી. 

આસવ ફોન ઉઠાવે ત્યારે મોબાઈલ પર કપડું વીંટીને ડાર્લિંગ ડાર્લિંગ કરતી. એ બાઘો તો ડરી જ ગયો. પછી આપણે જે ફિલ્મ જોવા ગયેલાં એની ટિકિટ આસવના ખિસ્સામાં મૂકીને રડારોળ કરી મૂકી. પછી લિપસ્ટિકની ઝાંખી છાપ એના રૂમાલ પર ઉપસાવીને કાગારોળ કરી મૂકી. ને અંતે પ્રેમપત્ર એની અલમારીમાં મૂકી દીધો. આસવ તો કહેતો રહ્યો કે કોઈ વિઘ્નસંતોષીનું આ કામ છે. એણે કહ્યું કે હું એનો વિશ્વાસ કં ને એ પણ કાયમ મારો ભરોસો કરશે. બસ..આપણું કામ થઇ ગયું. હવે તો કોઈ એને આપણા વિશે કાંઈ પણ કહેશે તો એ નહીં માને.. અરે, એ ભોપો પોતે આપણને સાથે જોઈ લેશે તોય એ નહીં માને...હવે તો તું મારો કાનુડો ને હું તારી રાધા.. આપણી રાસલીલા આમ જ ચાલતી રહેશે!'
આવતા અઠવાડિયે નવી કથા...