Thu Apr 30 2026

Logo

પહલગામની જેમ હુમલો કરનારા અન્સારીનો સ્વભાવ ખરેખર વિચિત્ર કે તે નાટક કરે છે?

2026-04-30 08:04:00
Author: Yogesh C Patel
Article Image

 

વારંવાર હાથ ધોવાની અને નાહવાની ઇચ્છા વ્યક્ત કરતા અન્સારીના દાવાઓની એટીએસ ખાતરી કરી રહી છે

(અમારા પ્રતિનિધિ તરફથી)
મુંબઈ: મીરા રોડમાં પહલગામ સ્ટાઈલમાં નિર્માણાધીન ઈમારતના બે વૉચમૅન પર હુમલો કરનારો આરોપી ઝૈબ ઝુબેર અન્સારી પોલીસ સામે ચિત્ર-વિચિત્ર હરકતો અને દાવા કરી રહ્યો છે. અન્સારીનો સ્વભાવ ખરેખર વિચિત્ર છે કે પછી તે માત્ર નાટક કરે છે એની ખાતરી કરવા એટીએસ તેની માનસિકતા સમજી નિવેદનોની ચકાસણી કરી રહી છે.

ધર્મ પૂછીને અને કલમા પઢવાનું કહીને અન્સારીએ મીરા રોડમાં બે વૉચમેન પર ચાકુથી હુમલો કર્યો હતો. આ હુમલામાં એક સિક્યોરિટી ગાર્ડ રાજકુમાર મિશ્રા ગંભીર રીતે ઘવાયો હતો. હુમલાના દોઢ કલાકમાં જ નયા નગર પોલીસે અન્સારીને પકડી પાડ્યો હતો. તેના ઘરમાંથી મળેલા વાંધાજનક દસ્તાવેજોને આધારે તપાસ એન્ટિ-ટેરરિઝમ સ્ક્વોડ (એટીએસ)ને સોંપવામાં આવી હતી.
પોલીસ સૂત્રોના જણાવ્યા મુજબ આ કાંડમાં અન્સારીના કોઈ સાથી સંડોવાયેલા છે કે કેમ તેની તપાસ કરવામાં આવી રહી છે.

પૂછપરછ દરમિયાન અન્સારીનું વર્તન વિચિત્ર જણાઈ રહ્યું છે. તે વારંવાર હાથ ધોવા જવાની વાત કરે છે. એ સિવાય થોડા થોડા સમયે નાહવાની ઇચ્છા વ્યક્ત કરે છે. કહેવાય છે કે પોલીસે અન્સારીના ઘરમાં સર્ચ હાથ ધરી ત્યારે તેનાં કપડાં વેરવિખેર પડ્યાં હતાં. તે સામાજિક એકલતા અનુભવે છે અને કોઈ તેની સાથે સારુ વર્તન કરતું નથી, એવી તે બબડ્યા કરતો હતો.

સૂત્રોના જણાવ્યા મુજબ તેણે પૂછપરછ કરનારા અધિકારીઓને કહ્યું હતું કે તેને કોઈ ભાડા પર રૂમ આપતું નથી... મારી સાથે કોઈ સારી રીતે વાત કરતું નથી... લોકો મારી સાથે સારું વર્તન નથી કરતા. અધિકારીઓ તેની માનસિકતા અને ઘટના પાછળનાં સંભવિત કારણોને સમજવાનો પ્રયાસ કરી રહ્યા છે.

જોકે પોલીસને શંકા છે કે અન્સારી કાનૂનથી બચવા માટે તેની માનસિકતા ઠીક ન હોવાનું દર્શાવવાનું કદાચ નાટક કરી રહ્યો છે. અન્સારીએ આપેલા નિવેદનની દરેક વાતોની ખાતરી એટીએસ કરી રહી છે.