ચેન્નઈઃ કૅનેડાનો ભારતીય મૂળનો યુવરાજ સિંહ સામરા (Yuvraj Singh Samra) ટી-20 વર્લ્ડ કપનો એવો ખેલાડી છે જેણે સૌથી નાની ઉંમરે સેન્ચુરી ફટકારી છે. તે 19 વર્ષનો છે અને મંગળવારે તેણે ન્યૂ ઝીલૅન્ડ સામેની ગ્રૂપ-ડીની મૅચમાં અનુભવી બોલર્સનો સમજદારીથી સામનો કરીને સદી ફટકારી હતી. તેણે 65 બૉલમાં છ છગ્ગા અને અગિયાર ચોગ્ગાની મદદથી 110 રન કર્યા હતા. જોકે તેની આ ઐતિહાસિક સદી એળે ગઈ હતી, કારણકે ન્યૂ ઝીલૅન્ડ (New Zealand) આ મૅચ જીતીને સુપર-એઇટ રાઉન્ડમાં પહોંચી ગયું હતું.
યુવરાજે પાકિસ્તાનના અહમદ શેહઝાદનો વિક્રમ તોડ્યો છે. 2014ના વર્લ્ડ કપમાં શેહઝાદ બાવીસ વર્ષનો હતો ત્યારે તેણે સદી ફટકારી હતી અને એ વિક્રમ યુવરાજ સામરાએ તોડી નાખ્યો છે. તે ઓપનિંગમાં રમ્યો હતો અને કૅનેડાની છેક 20મી ઓવરમાં તેની વિકેટ પડી હતી જેમાં જૅકબ ડફીના બૉલમાં ગ્લેન ફિલિપ્સે તેનો કૅચ ઝીલ્યો હતો. તેની અને બીજા ભારતીય મૂળના પંજાબી પ્લેયર દિલપ્રીત બાજવા (36 રન, 39 બૉલ, ચાર ફોર) વચ્ચે પ્રથમ વિકેટ માટે 116 રનની ભાગીદારી થઈ હતી. વર્લ્ડ કપમાં રમતા આઇસીસીના અસોસિયેટ રાષ્ટ્રોના ખેલાડીઓમાં યુવરાજ સામરાના 110 રન હાઇએસ્ટ છે.
પિતાએ યુવરાજ નામ કોના પરથી પાડ્યું?
યુવરાજ સામરા મૂળ પંજાબ રાજ્યનો છે. તેનો જન્મ 2006માં કૅનેડાના બ્રેમ્પટનમાં થયો હતો. તેને ક્રિકેટમાં કરીઅર બનાવવામાં તેના પિતા બલજિત સામરાનું મોટું યોગદાન છે. તેઓ ભારતના ભૂતપૂર્વ ઑલરાઉન્ડર યુવરાજ સિંહના ફૅન છે અને તેમણે પુત્રનું નામ યુવરાજ સિંહ પરથી રાખ્યું હતું. યુવરાજ સામરા મંગળવારે કરીઅરની 19મી જ ટી-20 આંતરરાષ્ટ્રીય મૅચ રમ્યો અને એમાં તેણે વર્લ્ડ કપના યંગેસ્ટ સેન્ચુરિયનનો વિક્રમ પોતાના નામે કર્યો છે.
PTI
ફિલિપ્સ મૅન ઑફ ધ મૅચ
મંગળવારે કૅનેડા (Canada)એ કિવીઓને જીતવા 174 રનનો લક્ષ્યાંક આપ્યો હતો. ન્યૂ ઝીલેન્ડે કૅનેડાને 29 બૉલ બાકી રાખીને આઠ વિકેટના માર્જિનથી હરાવ્યું હતું. ગ્લેન ફિલિપ્સ (76 અણનમ, 36 બૉલ, છ સિક્સર, ચાર ફોર) અને રચિન રવીન્દ્ર (59 રન, 39 બૉલ, ત્રણ સિક્સર, ચાર ફોર)ની જોડીએ 30 રનના સ્કોર પર બન્ને ઓપનર ટિમ સિફર્ટ (છ રન) અને ફિન ઍલન (21 રન)ની વિકેટ બાદ બાજી સંભાળી લીધી હતી અને 146 રનની અતૂટ ભાગીદારી સાથે ન્યૂ ઝીલેન્ડને આસાન વિજય અપાવ્યો હતો. ટી-20 વર્લ્ડ કપ-2026માં સોમવારે શ્રીલંકાના પથુમ નિસાન્કા (100 અણનમ ) પછી મંગળવારે કૅનેડાના યુવરાજ સામરાના રૂપમાં આ વખતની ટૂર્નામેન્ટને બીજી સેન્ચુરી મળી. જોકે કિવીઓ જીતી જતાં તેની સેન્ચુરી છેવટે એળે ગઈ.
એ પહેલાં, કૅનેડાએ બૅટિંગ લીધા બાદ ચાર વિકેટે 173 રન કરીને કિવીઓને 174 રનનો પડકારરૂપ લક્ષ્યાંક આપ્યો હતો. ન્યૂ ઝીલૅન્ડ વતી મૅટ હેન્રી, જેકબ ડફી, જેમ્સ નીશેમ અને કાઇલ જેમીસને એક-એક વિકેટ લીધી હતી.