Sun Sep 06 2026

Logo

યુસૂફ પઠાણે પાછી ખેંચી ગુજરાત હાઇકોર્ટમાંથી અરજી, ટીએમસીના બળવાખોર MPના સરકારી જમીન પર કબજો જમાવવાના મામલે મોટું ટ્વિસ્ટ

2026-09-01 15:27:41
Author: Mumbai Samachar Team
યુસૂફ પઠાણે પાછી ખેંચી ગુજરાત હાઇકોર્ટમાંથી અરજી, ટીએમસીના બળવાખોર MPના સરકારી જમીન પર કબજો જમાવવાના મામલે મોટું ટ્વિસ્ટ

અમદાવાદ: પશ્ચિમ બંગાળની બહરામપુર લોકસભા બેઠક પરથી TMCની ટિકિટ પર જીતીને સંસદ પહોંચેલા પૂર્વ ક્રિકેટર યુસુફ પઠાણે સરકારી જમીન પચાવી પાડવાના કેસમાં પોતાની અરજી પાછી ખેંચી લીધી છે. વડોદરા મહાનગરપાલિકાની જમીન ખાલી કરવાની નોટિસ બાદ યુસુફ પઠાણે ગુજરાત હાઇકોર્ટના દ્વાર ખખડાવ્યા હતા. હાઇકોર્ટે સરકારી જમીન પર કબ્જો કરવા બદલ યુસુફ પઠાણને 'દબાણકાર' ગણાવ્યા હતા. પૂર્વ ક્રિકેટર યુસુફ પઠાણે સોમવાર એટલે કે 31 ઓગસ્ટે સિંગલ જજના ઓગસ્ટ 2025ના આદેશ વિરુદ્ધની પોતાની અપીલ ગુજરાત હાઇકોર્ટમાંથી પાછી ખેંચી લીધી છે.

કોર્ટમાં શું-શું થયું?

સોમવારે ગુજરાત હાઇકોર્ટમાં યુસુફ પઠાણની અરજી પર સુનાવણી હાથ ધરવામાં આવી હતી. પઠાણ તરફથી રજૂ થયેલા સિનિયર વકીલ શાલીન મહેતાએ ચીફ જસ્ટિસ સુનિતા અગ્રવાલ અને જસ્ટિસ ડી.એન. રે ની ડિવિઝન બેન્ચ સમક્ષ જણાવ્યું હતું કે, "અમે વારંવાર સમય માંગ્યો હતો કારણ કે અમે કોર્પોરેશનના જવાબની રાહ જોઈ રહ્યા હતા, પરંતુ અમને કોઈ ઉત્તર મળ્યો નથી."

યુસુફ પઠાણના વકીલે એક સરક્યુલરનો હવાલો આપ્યો હતો, જેમાં ઇન્ટરનેશનલ ક્રિકેટરને જમીન આપવાની વાત કહેવામાં આવી છે. ત્યારબાદ કોર્ટે યુસુફ પઠાણના વકીલને તેમની અપીલ પાછી ખેંચવાની સૂચના આપી હતી.

આ ઘટનાક્રમ એવા સમયે સામે આવ્યો છે જ્યારે વડોદરા મહાનગરપાલિકા (VMC) એ યુસુફ પઠાણના કબજા હેઠળના પ્લોટને હરાજી માટે મૂકવાનો નિર્ણય કર્યો હતો, પરંતુ કોંગ્રેસના વિરોધના કારણે VMCને આ પ્રસ્તાવ પાછો ખેંચવો પડ્યો હતો. કોંગ્રેસની માંગ હતી કે પહેલાં પ્લોટને દબાણમુક્ત કરવામાં આવે અને પછી ખુલ્લી બોલી (Open bidding) લગાવાય, જેથી VMCને વધુ ઊંચી કિંમત મળી શકે.


સિંગલ જજના ઓર્ડરને આપ્યો હતો પડકાર

યુસુફ પઠાણે સિંગલ જજ સમક્ષ રાજ્ય સરકારના 6 જૂન, 2024ના નોટિસ/ઓર્ડરને પડકાર આપ્યો હતો, જેમાં વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશન (VMC)ના એ પ્રસ્તાવને ફગાવી દેવામાં આવ્યો હતો જેમાં પઠાણના પક્ષમાં 978 ચોરસ મીટરનો પ્લોટ કોઈ પણ જાહેર હરાજી (પબ્લિક ઓક્શન) વગર 99 વર્ષ માટે લીઝ પર ફાળવવાનો પ્રસ્તાવ હતો. હાઇકોર્ટે VMCને એવો પણ નિર્દેશ આપ્યો હતો કે તે એ પ્લોટ પરથી વહેલી તકે દબાણ હટાવવા માટે જરૂરી પગલાં ભરે.