Mon Jun 08 2026

Logo

એક્સપ્રેસ ટ્રેનમાં ચઢતી વખતે પડી ગયેલી યુવતીએ એક હાથ ગુમાવ્યો

2026-02-23 19:03:24
Author: Yogesh C Patel
Article Image

થાણે: થાણે સ્ટેશને આવેલી એક્સપ્રેસ ટ્રેનમાં ચઢતી વખતે પાટા પર પડી ગયેલી યુવતીએ એક હાથ ગુમાવવો પડ્યો હતો. ગવર્નમેન્ટ રેલવે પોલીસ (જીઆરપી)ના અધિકારીએ જણાવ્યું હતું કે ઘટના રવિવારની મધરાતે 1.20 વાગ્યાની આસપાસ બની હતી. કલવાના શાંતિનગર પરિસરમાં રહેતી સીમા શબ્બીર શેખ (28) થાણે સ્ટેશનના પ્લૅટફોર્મ નંબર-7 પર આવેલી મહાનગરી એક્સપ્રેસમાં ચઢતી વખતે પડી ગઈ હતી.

ટ્રેનના એસ-પાંચ અને એસ-છ નંબરના કોચ નીચે યુવતી પડી ગઈ હતી. સ્ટેશન માસ્તરે અકસ્માત અંગે એનાઉન્સમેન્ટ કરતાં પોલીસ અને કૂલીઓ મદદે દોડી આવ્યા હતા.
યુવતીને ટ્રેનની નીચેથી બહાર કાઢવામાં આવી ત્યારે ખબર પડી હતી કે તેનો જમણો હાથ ખભાથી અલગ થઈ ગયો હતો. એ સિવાય જમણા પગના ઘૂંટણમાં તેને ગંભીર ઇજા થઈ હતી. તેને એમ્બ્યુલન્સની મદદથી તાત્કાલિક છત્રપતિ શિવાજી હૉસ્પિટલમાં લઈ જવાઈ હતી.

શસ્ત્રક્રિયાની જરૂર હોવાથી યુવતીને બાદમાં લોકમાન્ય ટિળક મ્યુનિસિપલ જનરલ હૉસ્પિટલમાં દાખલ કરાઈ હતી. કહેવાય છે કે યુવતીના મોબાઈલમાંથી તેના પિતાને કૉલ કરી ઘટનાની જાણ કરાઈ હતી. 

ઘટનાની જાણ થતાં યુવતીના પરિવારજનો હૉસ્પિટલે પહોંચ્યા હતા. વધુ સારવાર માટે પરિવારજનો યુવતીને મુંબઈની સાયન હૉસ્પિટલમાં લઈ ગયા હતા. ઘટના ખરેખર કઈ રીતે બની તેની તપાસ પોલીસ કરી રહી છે, એમ અધિકારીએ જણાવ્યું હતું. (પીટીઆઈ)