Mon Sep 07 2026

Logo

વલસાડમાં પતિ સાથે ઝઘડા બાદ પત્નીનું આત્મઘાતી પગલું, બે જોડિયા સહિત ત્રણ સંતાનો સાથે ગટગટાવ્યું ઝેર

2026-05-27 12:59:00
Author: Mayur Patel
વલસાડમાં પતિ સાથે ઝઘડા બાદ પત્નીનું આત્મઘાતી પગલું, બે જોડિયા સહિત ત્રણ સંતાનો સાથે ગટગટાવ્યું ઝેર

વલસાડ: ઉમરગામ તાલુકાના પાલી કરમબેલી ગામમાં ઘરકંકાસમાં માતાએ 3 માસૂમ બાળકો સાથે ઝેર ગટગટાવ્યું હતું. જેમાં 3 માસૂમ બાળકોના મોત થયા હતા જ્યારે માતાની હાલત ગંભીર છે. મૃતક 3 બાળકોમાંથી બે જોડિયા હતા. 

શું છે સમગ્ર મામલો

ગઈકાલે રાત્રિના સમયે બનેલી આ ઘટનામાં જે ત્રણ માસૂમ બાળકોના મોત થયા હતા, તેમની ઉંમર સાંભળીને જ પથ્થર હૃદયના માણસની આંખમાં પણ આંસુ આવી જાય તેમ છે. મૃતક બાળકોમાં માત્ર 9 મહિનાના જુડવા દીકરાઓ તેમજ ૩ વર્ષની માસૂમ દીકરીનો  સમાવેશ થાય છે.

પ્રાથમિક તપાસમાં બહાર આવેલી વિગતો મુજબ, માતાએ કોઈ અગમ્ય કારણોસર પોતાના આ ત્રણેય વહાલસોયા સંતાનોને ઝેરી દવા પીવડાવી દીધી હતી અને ત્યારબાદ પોતે પણ તે જ ઝેરી દવા ગટગટાવી લીધી હતી. હાલ માતા નિશાબેનની તબિયત અત્યંત ગંભીર હોવાથી તેને તાત્કાલિક વધુ સારવાર અર્થે વલસાડની સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવી છે, જ્યાં તે જિંદગી અને મરણ વચ્ચે જોલા ખાઈ રહી છે.

સૂત્રોના જણાવ્યા અનુસાર, બાળકોના પિતા સંજયભાઈ વસંતભાઈ હળપતિ  વહાણમાં નોકરી કરે છે અને તેઓ થોડા દિવસો પહેલા જ પોતાની દરિયાઈ સફર પૂરી કરીને ઘરે પરત ફર્યા હતા. ગઈકાલે સાંજે કોઈ પારિવારિક બાબતે પતિ - પત્ની વચ્ચે ભારે બોલાચાલી અને ઉગ્ર ઝઘડો થયો હતો. જેના કારણે પત્નીએ આ અંતિમ પગલું ભર્યું હતું.

ઘટનાની ગંભીરતાને જોતાં ભીલાડ પોલીસનો કાફલો તાત્કાલિક ઘટનાસ્થળે દોડી ગયો હતો અને આસપાસના પુરાવા એકત્ર કરવાની કામગીરી શરૂ કરી દીધી હતી.  બાળકોને કયો ઝેરી પદાર્થ આપવામાં આવ્યો હતો કે પછી અન્ય કોઈ રીતે શ્વાસ રૂંધીને તેઓની હત્યા કરાઈ છે, તે અંગે પોલીસે હજી સુધી કોઈ સત્તાવાર પુષ્ટિ કરી નથી. પોલીસ પ્રશાસનના જણાવ્યા અનુસાર, ત્રણેય બાળકોના પાર્થિવ દેહને પોસ્ટમોર્ટમ (PM) અર્થે મોકલી દેવાયા છે અને તપાસમાં એફએસએલ (FSL) ની ટીમની પણ મદદ લેવાઈ રહી છે. પીએમ રિપોર્ટ આવ્યા બાદ જ બાળકોના મોતના સાચા કારણની ખબર પડશે અને તે દિશામાં આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરાશે.