Mon Jul 06 2026

Logo

સનાતન ધર્મ શા માટે ‘સનાતન’ છે?

2026-07-06 09:38:00
Author: Mukesh Pandya
Article Image

 

મુકેશ પંડ્યા

વિવિધ શબ્દકોષમાં જોઈએ તો સનાતન શબ્દના અનેક અર્થ જોવા મળે જેમ કે શાશ્વત, અવિનાશી, કાયમી, પરાપૂર્વથી ચાલ્યું આવતું વગેરે વગેરે . 

એક વાત તો નક્કી છે કે સૌથી પ્રાચીન ધર્મ તરીકે આ જ ધર્મની ગણના થાય છે. હજારો વર્ષ પૂર્વેના વેદકાળથી ઉત્પન્ન થયેલા આ ધર્મને પાળતા ભારતીયોને સિંધુ નદી પાર કરીને આવેલા વિદેશીઓએ ‘હિન્દુ’ નામ આપ્યું અને તેઓ જે સનાતન ધર્મ પાળે છે એ ‘હિન્દુ’ ધર્મ તરીકે પ્રચલિત થયો. આટલી પૂર્વભૂમિકા બાંધ્યા પછી હવે આપણે મૂળ વિષય પર આવીએ કે આ ધર્મમાં એવું તે શું છે જેથી એ સનાતન અર્થાત્ શાશ્વતની શ્રેણીમાં આવે છે? 

આના ઉત્તરમાં એમ કહી શકાય કે અન્ય ધર્મોમાં એક સ્થાપક કે એક અધિકૃત ધર્મ પુસ્તક (શાસ્ત્ર) જોવા મળે છે એવું સનાતન ધર્મમાં જોવા મળતું નથી એ વેદવાણીથી ઉત્પન્ન થયો છે અને ત્યાર બાદ હજારો ઋષિ મુનિઓ, સાધુ સંતો અને અવતારોએે એને ઉછેર્યો છે, પોષ્યો છે અને પાળ્યો છે. આ સનાતની વિચાર રૂપી નદી એક જ્ઞાન ગંગાની જેમ અનાદિ કાળથી વેદો, ઉપનિષદો, પુરાણો અને ભગવદ્ ગીતા દ્વારા વહી રહી હતી અને વહી રહી છે. 

કોઈ પુસ્તકનો એક લેખક હોય તો એને અંગ્રેજીમાં ઓથર કહેવાય છે. મતલબ કે આ પુસ્તકની અને એની અંદર આવેલા લખાણની સત્તા એની પાસે છે. બીજો કોઈ લેખક એમાં સુધારા-વધારા કરે તો એ અનધિકૃત ચેષ્ટા ગણાય પરંતુ સનાતન ધર્મની શીખ જેમાંથી મળી એ વેદ કોઈ એક લેખકની કૃતિ નથી પણ યુગો પૂર્વે અવકાશમાંથી સંભળાયેલી ‘શ્રુતિ છે. શ્રુતિ એટલે શ્રવણ કરવું-સાંભળવુ તે. ઋષિ મુનિઓએ જે સાંભળ્યુ તેનું ઉત્તરાધિકારીઓ સામે પઠન કર્યુ અને આ જ જ્ઞાન શ્રીકૃષ્ણ દ્વારા ગીતામાં ગવાયું. 

આનંદાશ્ર્ચર્યની વાત તો એ છે કે શ્રીકૃષ્ણએ પણ આ ભવ્ય ગ્રંથ ભગવદ્ગીતાના સર્જનમાં પોતાની સત્તા કે ઑથોરિટી પ્રસ્થાપિત નથી કરી. એમણે તો એ કહ્યું છે કે આ જ્ઞાન પણ વેદો ઉપનિષદોનો સાર જ છે. વળી શ્રીકૃષ્ણે અર્જુનને આ જ્ઞાન સંભળાવતા એમ પણ કહ્યું હતું કે વેદકાળથી ચાલ્યું આવતું જ્ઞાન મેં સરળ ભાષામાં તારી આગળ મૂકયું છે. એમાંથી કેટલું ગ્રહણ કરવું કે ન કરવું, આચરણ કરવું કે ન કરવું એ હું તારી વિવેક બુદ્ધિ પર છોડું છું. આ જ તો સનાતન ધર્મની શાશ્વતતાનું રહસ્ય છે. 

શ્રી કૃષ્ણની જેમ તેમના અનેક પુરોગામીઓએ વેદોક્ત જ્ઞાન પીરસ્યું છે, પરંતુ એ મેળવીને માણસે કેવા કર્મ કરવા કે કેવા નિર્ણયો લેવા એ અંગે પૂરતી છૂટ આપી છે. કોઈ દબાણ નથી કર્યુ. અન્ય ધર્મના સંસ્થાપક કે ધર્મગ્રંથના લેખકોએ જણાવ્યું છે કે આ પુસ્તકના શબ્દો જ આખરી શબ્દો ગણાશે. એનું ઉલ્લંધન કરવું નહીં. જ્યારે સનાતની ધર્મના વાહકોએ જ્ઞાન પીરસ્યું છે પણ એનો જ સખતાઈથી અમલ કરવો એવો આદેશ આપ્યો નથી. 

આપણને જ્ઞાન આપતા વેદોનો તો જન્મ જ પ્રકૃતિના જ્ઞાનથી થયો છે અને પરિવર્તન એ પ્રકૃતિનો નિયમ છે. એક જ વર્ષમાં છ ઋતુઓ બદલાય છે. વિચાર કરો કે બારેમાસ ફક્ત ઉનાળો જ હોત તો શું થાત? 

સનાતન ધર્મ કાળ પ્રમાણે, સ્થાન પ્રમાણે અને સંજોગ પ્રમાણેના પરિવર્તનને આવકાર્ય માને છે એટલે જ તેમાં અનેક વિભૂતિઓએ સુધારાવધારા કર્યા છે અને એટલે જ તો સનાતન ધર્મ ટકી રહ્યો છે. 

માત્ર પ્રકૃતિ જ નહીં જીવનમાં અનેક ક્ષેત્રે બદલાવ આવતા રહે છે અને એ જરૂરી પણ છે. વેપાર કે વ્યવસાયમાં સમયની માગ પ્રમાણે ‘ચેન્જ’ લાવવો જ પડે છે. દુકાનદાર હોય કે ઉદ્યોગપતિ, ડોકટર હોય કે ઇજનેર બધાએ સમયની જરૂરિયાત અને સંશોધનના આધારે બદલાવુ પડે છે. અપટુડેટ રહેવું પડે છે. આ જ વાત ધર્મને પણ લાગુ પડે છે અને સનાતન ધર્મ એ બાબતને વળગી રહ્યો છે. 

કોઈ વૃક્ષના પીળા પડી ગયેલા પાન કે સડી ગયેલા અંગો ખરતા રહે અને નવી કૂંપળો ફૂટતી રહે એ જેટલું જરૂરી છે એટલું જ જરૂરી એ છે કે સનાતન ધર્મમાં ક્યાંક કાળક્રમે સડો પેઠો હોય તો એ દૂર કરતા રહેવું અને નવા સકારાત્મક વિચારોને પણ આવકારતા રહેવું. 

આપણે વેદોની વાત કરી તો  જણાવી દઉં કે સૌથી પ્રાચીન વેદ ‘ઋગ્વેદ’ તો જ્ઞાનનો ભંડાર ગણાય છે છતાંય તેની એક ઋચામાં જણાવાયું છે કે ‘દરેક દિશાએથી અમને શુભ વિચાર પ્રાપ્ત થાવ.’ 

વાત ખૂબ સ્પષ્ટ છે. ઋગ્વેદમાં જ્ઞાનનો ખજાનો હોવા છતાં એ એમ નથી કહેતો કે આ અંતિમ સત્ય છે. તેના દ્વાર નવા વિચારો માટે ખુલ્લા છે. આટલી નમ્રતા હોય તો જ જ્ઞાન ટકે. નમણો છોડ આંધી-પવન સામે ઝૂકી જાય છે તો બચી જાય છે. અક્કડ વૃક્ષ ગમે તેટલું સમૃદ્ધ હોય તો પણ તૂટી પડે છે. કોઈ પણ ધર્મ કોઈ મૂલ્યો પ્રસ્થાપિત કરે તો એ તે સમયનું સત્ય હોઈ શકે, પણ એ જ અંતિમ સત્ય છે એવું માનવાને દબાણ કરે, અક્કડ વલણ અપનાવે અને પરિવર્તનને છૂટ ન આપે તો ગૂંગળાઈ જાય છે.

સનાતન ધર્મના વાહકોએ આ વાતનું ધ્યાન રાખીને નવા ન્યાયી વિચારોને પોષ્યા છે તો જૂના અન્યાયી વિચારોને ખરતા પાનની જેમ કાઢતા રહીને સનાતન નામના આ વટવૃક્ષને જીવંત રાખ્યું છે એટલે જ તો એ શાશ્વત છે. પ્રાચીન હોવા છતાંય અપટુડેટ રહી શકે છે.