Wed May 20 2026

Logo

દેશમાં આજે દવાની દુકાનોમાં હડતાળ, 15 લાખ કેમિસ્ટ બંધ રાખશે દુકાન, જાણો તમારા રાજ્યની સ્થિતિ

2026-05-20 10:03:00
Author: mumbai samachar team
Article Image

નવી દિલ્હીઃ ઇ-ફાર્મસી પ્લેટફોર્મ્સ દ્વારા દવાઓનું ઓનલાઇન વેચાણ અને ભારે ડિસ્કાઉન્ટના વિરોધમાં આજે 'ઓલ ઇન્ડિયા ઓર્ગેનાઇઝેશન ઓફ કેમિસ્ટ્સ એન્ડ ડ્રગિસ્ટ્સ' (AIOCD) તરફથી 24 કલાકની દેશવ્યાપી હડતાળની જાહેરાત કરી છે. 

સંગઠનનો દાવો છે કે આ વિરોધ પ્રદર્શન હેઠળ દેશભરના આશરે 15 લાખથી વધુ કેમિસ્ટ અને ડ્રગિસ્ટ (દવા વિક્રેતાઓ) પોતાની દુકાનો બંધ રાખશે. જો કે, દર્દીઓને મુશ્કેલીથી બચાવવા માટે કટોકટીની (ઇમરજન્સી) દવાઓનો પુરવઠો પૂરો પાડવા માટે ખાસ વ્યવસ્થા કરવામાં આવી છે.

AIOCD નો દાવો છે કે દેશભરના 15 લાખથી વધુ કેમિસ્ટ અને ડ્રગિસ્ટ આ હડતાળમાં જોડાશે. સંગઠનનું કહેવું છે કે ઓનલાઇન દવાઓના અનિયંત્રિત વેચાણના કારણે પરંપરાગત મેડિકલ સ્ટોર્સના વ્યવસાયને માઠી અસર થઈ રહી છે અને તેનાથી દર્દીઓની સુરક્ષા સામે પણ જોખમ વધી શકે છે.

ત્રણ મુખ્ય માંગ

AIOCD ના રાષ્ટ્રીય અધ્યક્ષ જે. એસ. શિંદે અને મહાસચિવ રાજીવ સિંઘલના જણાવ્યા અનુસાર, સરકારની નીતિઓ છૂટક દવા વેપારીઓ (રિટેલ કેમિસ્ટો) ના હિતોને નુકસાન પહોંચાડી રહી છે. કેમિસ્ટ એસોસિએશનની ત્રણ મુખ્ય માંગણીઓ છે:

GSR 817 જાહેરનામું (નોટિફિકેશન) રદ કરવું: સરકાર દ્વારા ઓનલાઇન દવાઓના વેચાણને લઈને બહાર પાડવામાં આવેલ જાહેરનામા ક્રમાંક GSR 817 ને તાત્કાલિક પાછું ખેંચવામાં આવે અને નવેસરથી આખું માળખું તૈયાર કરવામાં આવે.

કોરોના કાળના નિયમોનો અંત: મહામારી દરમિયાન લાગુ કરવામાં આવેલું (નોટિફિકેશન) GSR 220 ને સંપૂર્ણપણે બંધ કરવામાં આવે.

ડીપ ડિસ્કાઉન્ટિંગ પર રોક: ઓનલાઈન કંપનીઓ દ્વારા આપવામાં આવતા બેફામ ડિસ્કાઉન્ટને રોકવામાં આવે અથવા તો ડ્રગ પ્રાઈસ કંટ્રોલ ઓર્ડર (DPCO) માં સુધારો કરીને છૂટક દુકાનદારોનું માર્જિન (નફો) વધારવામાં આવે, જેથી તેઓ પણ બજારની હરીફાઈમાં ટકી શકે.

જો કે, આ હડતાલને લઈને દેશભરમાં એક સરખો અભિપ્રાય (સહમતી) જોવા મળતો નથી. સેન્ટ્રલ ડ્રગ્સ સ્ટાન્ડર્ડ કંટ્રોલ ઓર્ગેનાઈઝેશન (CDSCO) એ જણાવ્યું છે કે, રાજ્ય સ્તરના ઘણા ફાર્મસી સંગઠનોએ જાહેર જનતાના હિતને ધ્યાનમાં રાખીને આ હડતાલથી અંતર જાળવી રાખ્યું છે.

ઉત્તર પ્રદેશ, પશ્ચિમ બંગાળ, કેરળ, પંજાબ, મહારાષ્ટ્ર, કર્ણાટક, હરિયાણા, ગુજરાત, છત્તીસગઢ, સિક્કિમ, ઉત્તરાખંડ અને લદ્દાખના રીટેલ ફાર્મસી એસોસિએશન્સે લેખિતમાં ખાતરી આપી છે કે તેમના રાજ્યોમાં દવાની દુકાનો ખુલ્લી રહેશે અને દવાઓની કોઈ અછત સર્જાવા દેવામાં નહીં આવે. જો કે, કર્ણાટકના કેટલાક ભાગો અને મધ્ય પ્રદેશમાં આ બંધની વ્યાપક અસર જોવા મળી શકે છે.