નવી દિલ્હી: દેશમાં સુપ્રીમ કોર્ટના ચીફ જસ્ટિસ સૂર્યકાંત દ્વારા 15 મેના રોજ કરવામાં આવેલી એક ટિપ્પણી મુદ્દે પહેલા તો વિરોધ અને હવે તો ઊભરી આવેલી "કોકરોચ જનતા પાર્ટી" મુદ્દે ખૂબ જ ચર્ચા છે. આ મુદ્દે સુપ્રીમ કોર્ટમાં એક અરજી દાખલ પણ થઈ ચૂકી છે, જો કે હવે આ મામલે નવી અપડેટ મળી રહી છે અને તે છે CJPના પ્રમુખ અભિજીત દિપકેએ તેમના ટ્વિટર એકાઉન્ટને બ્લોક કરવાના નિર્ણયને પડકારવા માટે દિલ્હી હાઈકોર્ટમાં અરજી કરી છે. આમ હવે એકાઉન્ટ બ્લોક કરવાનો આખો મામલો દિલ્હી હાઈકોર્ટમાં પહોંચ્યો છે અને કોર્ટમાં નકુલ ગાંધી કોકરોચ જનતા પાર્ટીનું પ્રતિનિધિત્વ કરવાના છે.
કોકરોચ જનતા પાર્ટી વતી કોર્ટમાં દલીલ કરનાર વકીલ નકુલ એક અનુભવી વકીલ છે, તેમણે 2012 માં નોઈડામાંથી કાયદાનો અભ્યાસ કર્યો છે. તેમને દેશની અનેક પ્રખ્યાત કાયદાકીય પેઢીઓ સાથે કામ કરવાનો અનુભવ છે. તેઓ સુપ્રીમ કોર્ટ, દિલ્હી હાઈકોર્ટ અને પંજાબ અને હરિયાણા, કોલકાત્તા, બોમ્બે અને નૈનિતાલ જેવી રાજ્યની હાઇ કોર્ટ, ટ્રાયલ કોર્ટ અને NCLT, NGT અને DRT જેવી વિશિષ્ટ ટ્રિબ્યુનલ્સમાં પ્રેક્ટિસ કરી ચૂક્યા છે.
જેનો આ વિવાદ છે તે કોકરોચ જનતા પાર્ટીની સ્થાપના બોસ્ટન યુનિવર્સિટીના વિદ્યાર્થી અભિજીત દીપકે કરી હતી. હાલમાં આ સંગઠનના ઇન્સ્ટાગ્રામ પર 19 મિલિયનથી વધુ ફોલોઅર્સ છે. આ સાથે જ દીપક પહેલા આમ આદમી પાર્ટી (AAP) સાથે સંકળાયેલા હતા અને હવે યુનાઇટેડ સ્ટેટ્સમાં રહે છે. તેમનું એકાઉન્ટ બ્લોક થયા બાદ, અભિજીતે દીપકે જણાવ્યું હતું કે અમને આ અંગે આશંકા હતી જ, કારણ કે ગઈકાલથી તેમનું એકાઉન્ટ હેક કરવાના પ્રયાસો ચાલુ હતા. પરંતુ સરકારના આ પગલાની અસર ઉલટી થઈ છે, તેમણે કહ્યું કે "મેં હવે X પર 'કોકરોચ ઇઝ બેક' નામનું એક નવું એકાઉન્ટ શરૂ કર્યું છે." આ સાથે જ તેમણે આ મુદ્દે કાયદાકીય લડત આપવાની પણ જાહેરાત કરી હતી.
જો કે એકાઉન્ટ હેક થવા મુદ્દે અભિજીત દીપકે "X" પર દાવો કર્યો હતો કે તેમનું પોતાનું ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ પણ હેક કરવામાં આવ્યું છે. પાર્ટીએ શિક્ષણ ક્ષેત્રમાં કથિત નિષ્ફળતાઓ અને NEET-UG પેપર લીક પર કેન્દ્રીય શિક્ષણ પ્રધાન પ્રધાનના રાજીનામાની માંગણી સાથે એક ઝુંબેશ શરૂ કરી હતી. તેમણે બાદમાં દાવો કર્યો હતો કે તેમને જાનથી મારી નાખવાની ધમકીઓ મળી રહી છે. તેમણે ધમકીભર્યા સંદેશાઓના સ્ક્રીનશોટ પણ શેર કર્યા હતા.
શનિવારે X પર એક પોસ્ટમાં દીપકે કહ્યું, "કોકરોચ જનતા પાર્ટી સામે કાર્યવાહી કરવામાં આવી. ઇન્સ્ટાગ્રામ પેજ હેક થયું. મારું અંગત ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ પણ હેક થયું. ટ્વિટર એકાઉન્ટ સસ્પેન્ડ કરવામાં આવ્યું. બેકઅપ એકાઉન્ટ પણ સસ્પેન્ડ કરવામાં આવ્યું." તેમણે લખ્યું, "હું તમને જણાવવા માંગુ છું કે અમે હાલમાં અમારા સોશિયલ મીડિયા એકાઉન્ટ્સનો ઉપયોગ કરી શકતા નથી. આ પછીની કોઈપણ પોસ્ટને કોકરોચ જનતા પાર્ટીનું સત્તાવાર નિવેદન ન માનવું જોઈએ."
શું છે સમગ્ર વિવાદ?
કોકરોચ જનતા પાર્ટી કેવી રીતે શરૂ થઈ એ પ્રશ્ન સૌના મનમાં ઉઠી રહ્યો છે. તો તમને જણાવી દઈએ કે આ પાર્ટી ભારતના મુખ્ય ન્યાયાધીશ સૂર્યકાંતની ટિપ્પણી બાદ અસ્તિત્વમાં આવી, જેમાં તેમણે વરિષ્ઠતાની માંગ કરી રહેલા વકીલ પ્રત્યે નારાજગી વ્યક્ત કરતી વખતે કથિત રીતે "પરોપજીવી" અને "કોકરોચ" જેવા શબ્દોનો ઉપયોગ કર્યો હતો. જો કે, તેમણે પાછળથી સ્પષ્ટતા કરી કે તેમના નિવેદનનું ખોટું અર્થઘટન કરવામાં આવ્યું છે અને તેઓ નકલી ડિગ્રીઓ સાથે કાયદાના વ્યવસાયમાં પ્રવેશ કરનારા લોકોનો ઉલ્લેખ કરી રહ્યા હતા.