કોલકાતાઃ પશ્ચિમ બંગાળ વિધાનસભાની ચૂંટણીના પરિણામો આવ્યા ગતમોડી રાત્રે જ પશ્ચિમ બંગાળના સંભવિત મુખ્ય પ્રધાન શુભેન્દુ અધિકારીના પીએ ચંદ્રનાથ રથની હત્યા કરવામાં આવી છે. જેના કારણે પશ્ચિમ બંગાળમાં અત્યારે ભારેલા અગ્નિ જેવી સ્થિતિ છે. તે વ્યક્તિ થોડા સમયમાં રાજ્યનો મુખ્ય પ્રધાન બનવાનો છે, તેની પીએની હત્યા થઈ જવી એ કંઈ નાની વાત નથી. સૂત્રોના જણાવ્યાં પ્રમાણે ચંદ્રનાથ રથ શુભેન્દુ અધિકારીનો સૌથી ખાસ અને વિશ્વાસુ માણસ હતા. એટલું જ નહીં પરંતુ બંગાળની ચૂંટણીમાં ભાજપને જીત અપાવવા માટે અતિમહત્વનો ભાગ ભજવ્યો હતો. ચાલો વિગતે જાણીએ કે, કોણ હતા ચંદ્રનાથ રથ...
શુભેન્દુ અધિકારી માટે પરદા પાછળ રહીને કામ કરતા રથ
રાજનીતિની વાત કરવામાં આવે તો જે વ્યક્તિ તમને સ્ટેજ પર દેખાય છે, તેની પાછળ અસલી ચહેરો પરદા પાછળ રહીને કામ કરતો હોય છે. આવું જ એક નામ હતું ચંદ્રનાથ રથ! શુભેન્દુ અધિકારી માટે પરદા પાછળ રહીને કામ કરનારા ચંદ્રનાથ રથની ગઈકાલે હત્યા કરી દેવામાં આવી! રાજનીતિમાં આવ્યાં પહેલા ચંદ્રનાથ રથ રાજનીતિમાં આવ્યાં તે પહેલા એરફોર્સમાં નોકરી કરતાં હતા. એરફોર્સની નોકરી છોડીને રાજનીતિમાં આવવું તે તેમનો ખૂબ જ મોટો નિર્ણય માનવામાં આવે છે.
ચંદ્રનાથ રથની રાજકીય વ્યૂહરચના સુધીની સફર
ચંદ્રનાથ રથનો જન્મ પૂર્વ મેદિનીપુર જિલ્લાના ચંડીપુરમાં થયો હતો. તેમનો પરિવાર લાંબા સમયથી સ્થાનિક રાજકારણ સાથે જોડાયેલો રહ્યો છે. તેમના માતા, હાસી રથ, પંચાયત સ્તરે સક્રિય હતા. નોંધનીય છે કે અધિકારી પરિવાર અને રથ પરિવાર વચ્ચેનો સંબંધ લગભગ બે દાયકા જૂનો હોવાનું કહેવાય છે. રથનો પ્રારંભિક અભ્યાસ રાહરા રામકૃષ્ણ મિશનમાં થયો હતો. યુવાવસ્થામાં તેમનો ઝુકાવ આધ્યાત્મિક જીવન તરફ પણ રહ્યો હતો.
ચંદ્રનાથ રથે 20 વર્ષ સુધી વાયુસેનામાં સેવા આપી હતી
ચંદ્રનાથ રથે ભારતીય વાયુસેના (IAF) માં લગભગ 20 વર્ષ સુધી સેવા આપીને તેમણે વહીવટી અને ઓપરેશનલ કામગીરીમાં બહોળો અનુભવ મેળવ્યો. એરફોર્સની તાલીમે તેમને કઠિન પરિસ્થિતિઓમાં શાંત રહેતા અને મોટા પાયે ટીમ મેનેજમેન્ટ કરતા શીખવ્યું. ત્યારબાદ તેમણે વાયુસેનામાંથી સ્વૈચ્છિક નિવૃત્તિ લીધી અને થોડો સમય કોર્પોરેટ સેક્ટરમાં કામ કર્યું. પરંતુ ટૂંક સમયમાં જ તેમનો રસ રાજકારણ તરફ વધ્યો. કર્યું, શુભેન્દુ અધિકારી જ્યારે મમતા સરકારમાં મંત્રી હતા ત્યારે 2019 ની આસપાસ તેમણે શુભેન્દુ અધિકારી સાથે કામ કરવાનું શરૂ હતું.

હંમેશા તેઓ શુભેન્દુ અધિકારીને વફાદાર રહ્યાં
2020 માં શુભેન્દુ અધિકારીએ TMC છોડીને ભાજપમાં પ્રવેશ કર્યો, ત્યારે ચંદ્રનાથ રથ પણ તેમની સાથે આવ્યા. પક્ષ પલટાના એ સંવેદનશીલ સમયગાળામાં પણ તેમણે વફાદારી છોડી નહીં. 2026ની વિધાનસભા ચૂંટણીમાં ભવાનીપુર બેઠક સૌથી ચર્ચિત મુકાબલો બની હતી. અહીંથી ખુદ મુખ્ય પ્રધાન મમતા બેનર્જી મેદાનમાં હતા. ભાજપે શુભેન્દુ અધિકારીને ઉમેદવાર બનાવીને આ ચૂંટણીને પ્રતિષ્ઠાનો જંગ બનાવી દીધો હતો.
ચંદ્રનાથ કેમેરાથી દૂર રહીને કામ કરવાનું પસંદ કરતા
ભાજપના નેતાઓનું કહેવું છે કે રથે એરફોર્સમાંથી મળેલી શિસ્ત અને મેનેજમેન્ટ કૌશલ્યનો ચૂંટણી પ્રચારમાં ઉપયોગ કર્યો હતો. ભવાનીપુર જેવી હાઈ-પ્રોફાઈલ ચૂંટણીમાં ગ્રાઉન્ડ લેવલ પર મજબૂત નેટવર્ક બનાવવું સરળ નહોતું, પરંતુ રથે તેને ખૂબ જ વ્યવસ્થિત રીતે સંભાળ્યું હતું. ચંદ્રનાથ રથ જાહેર મંચો પર ઓછા દેખાતા હતા. તેઓ કેમેરાથી દૂર રહીને કામ કરવાનું પસંદ કરતા હતા. પરંતુ ભાજપની અંદર તેમને શુભેન્દુ અધિકારીના સૌથી વિશ્વાસપાત્ર વ્યક્તિ માનવામાં આવતા હતા. પક્ષના ઘણા નેતાઓનું કહેવું છે કે જો ભવિષ્યમાં સુવેન્દુ અધિકારીને મોટી જવાબદારી મળી હોત, તો રથ પણ સંગઠન કે વહીવટમાં મહત્વની ભૂમિકા ભજવી શક્યા હોત.