વડોદરાઃ દિલ્લી-વડોદરા એક્સપ્રેસવેમાં પેકેજ 26 સૌથી મોટું વિધ્ન બન્યું છે. આ વિલંબને કારણે અગાઉ નક્કી કરવામાં આવેલી મે 2026ની મુદત ચૂકી જવાની શક્યતા છે. આશરે 30 કિલોમીટરમાં ફેલાયેલો આ હિસ્સો મધ્ય પ્રદેશની સરહદથી શરૂ થઈને દાહોદના ભીમપુરા ગામ સુધી લંબાય છે, અને તેનું નિર્માણ એટલાસ કન્સ્ટ્રક્શન્સ પ્રાઇવેટ લિમિટેડ તથા NKCના સંયુક્ત સાહસ દ્વારા કરવામાં આવી રહ્યું છે.
ગુજરાતમાં આ એક્સપ્રેસવે નવસારીથી વડોદરા થઈને ગોધરા સુધી કાર્યરત થઈ ગયો છે, પરંતુ પેકેજ 26નું કામ હજુ પણ અધૂરું છે. એકવાર આ પેકેજ અને રાજસ્થાનમાં મુકુંદરા ટનલનું કામ પૂર્ણ થઈ જાય પછી મુસાફરો નવસારીથી છેક દિલ્લી સુધી અવિરત મુસાફરીનો આનંદ માણી શકશે. પહાડી અને ખરબચડા રસ્તાના કારણે પેકેજ 26નું કામ નિર્ધારીત સમય કરતાં વિલંબથી ચાલી રહ્યું છે. આ પેકેજ અંતર્ગત કેટલાય અંડરપાસ અને ફ્લાયઓવર બનાવવામાં આવી રહ્યા છે. આ પેકેજના મહત્વપૂર્ણ કાર્યોમાંનું એક NH-56 પાસે લીમડી ઇન્ટરચેન્જનું નિર્માણ છે. તેમાં લૂપ્સ તેમજ ફ્લાયઓવરની જટિલ સિસ્ટમ છે. જોકે ટોલ પ્લાઝાનું કામ થોડા સમય પહેલા જ પૂર્ણ થઈ ગયું હતું, પરંતુ હાલમાં આ માળખાને આખરી ઓપ આપવા માટે આઈ-ગર્ડર્સ લોન્ચ કરવામાં આવી રહ્યા છે.
આ પછી, હથિયાવણ માઉન્ટેન કટ આખા દિલ્લી-વડોદરા સેક્શનના સૌથી મુશ્કેલ ભાગોમાંનો એક માનવામાં આવે છે. રિપોર્ટ અનુસાર, હાલમાં પહાડ કાપવાનું મોટા પાયે કામ ચાલી રહ્યું છે, જેમાં મુખ્ય રોડ મૂળ પર્વતીય સપાટીથી ઘણો નીચે બનાવવામાં આવશે. પર્યાવરણને અનુકૂળ પહેલના ભાગરૂપે, પર્વતોમાંથી કાઢવામાં આવેલા પથ્થરોને તે જ જગ્યાએ ક્રશ કરવામાં આવી રહ્યા છે અને તેનો ઉપયોગ રોડ પ્રોજેક્ટ માટે જરૂરી કોંક્રિટ બનાવવા માટે કરવામાં આવી રહ્યો છે.
આગળ જતાં, ભીમપુરા એન્ડપોઇન્ટ નજીક, 600 થી 700 મીટર લાંબો બ્રિજ પૂર્ણ થવાના આરે છે, અને કેટલાક ભાગો પર લેન માર્કિંગ પણ દેખાવા લાગી છે. બીજી તરફ, અંકલેશ્વર નજીક અગાઉ યુટિલિટી સંબંધિત સમસ્યાઓને કારણે થયેલા વિલંબથી વિપરીત, પેકેજ 26 માં બાંધકામમાં કોઈ અડચણ ન આવે તે માટે ઇલેક્ટ્રિકલ પોલ શિફ્ટ કરવાનું કામ પહેલેથી જ ચાલી રહ્યું છે. આ 30 કિલોમીટરના વિસ્તારમાં કામ અલગ-અલગ તબક્કે આગળ વધી રહ્યું છે. કેટલાક ભાગોમાં ડામરના સ્તરો અને લેન માર્કિંગ થઈ ચૂક્યા છે, જ્યારે અન્ય વિસ્તારોમાં હજી પણ માટીકામ અને સોઇલ સ્ટેબિલાઇઝેશન ચાલી રહ્યું છે.
હાલની ગતિ અને પહાડી વિસ્તારોમાં બાકી રહેલા ટેકનિકલ કામને જોતા એવો અંદાજ છે કે આ પેકેજને સંપૂર્ણ રીતે કાર્યરત થવામાં હજી આશરે છથી સાત મહિના જેટલો સમય લાગી શકે છે.જેના પરથી આ પ્રોજેક્ટ મે 2026ની સમયમર્યાદામાં પૂર્ણ થાય તેવી કોઈ શક્યતા નથી.