Tue Apr 21 2026

Logo

રૂપિયા 50,000થી વધુનો ચેક લખી રહ્યા છો? પહેલાં આરબીઆઈનો આ મહત્ત્વનો નિયમ જાણી લેજો નહીંતર...

2026-04-21 15:03:00
Author: Darshana Visaria
Article Image

આજકાલ સતત વધી રહેલાં બેંકિંગ ફ્રોડ અને સાઈબર ક્રાઈમને રોકવા રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયા (RBI)એ દ્વારા 'પોઝિટિવ પે સિસ્ટમ' (Positive Pay System - PPS) અમલમાં મૂકવામાં આવી છે. આ સિસ્ટમ હેઠળ જો તમે રૂપિયા 50,000 કે એથી વધુ રકમનો ચેક લખી રહ્યા હોવ, તો આ સિસ્ટમ વિશે જાણવું તમારા માટે અત્યંત અનિવાર્ય છે, અન્યથા તમારો ચેક રિજેક્ટ થઈ શકે છે. ચાલો જોઈએ શું છે આ નવી સિસ્ટમ... 

હવે એ વાત તો આપણે તમામ લોકો જાણીએ છીએ કે આજના ડિજિટલ ટ્રાન્ઝેક્શનના યુગમાં પણ મોટા મોટા પેમેન્ટ કરવા માટે ચેકનો ઉપયોગ થાય છે. જોકે, એની સાથે સાથે ચેકમાં છેડછાડ (ફ્રોડ)ના કિસ્સામાં પણ વધારો જોવા મળ્યો છે. પીપીએસ આ છેતરપિંડી રોકવા માટેનું એક સુરક્ષા કવચ છે.

વાત કરીએ એ પોઝિટિવ પે સિસ્ટમ (PPS) શું છે એની તો આ એક એવી પ્રક્રિયા છે જેમાં ચેક આપનાર વ્યક્તિએ ચેકની વિગતો અગાઉથી બેંકને જણાવવી પડે છે. જ્યારે ચેક ક્લિયરન્સ માટે બેંકમાં આવે છે, ત્યારે બેંક તમારી આપેલી વિગતો અને ચેક પરની વિગતો મેળવે છે. જો બંને મેચ થાય તો જ પેમેન્ટ ક્લિયર થાય છે.

કઈ ડિટેઈલ્સ બેંકને આપવી પડે છે?
એકાઉન્ટ નંબર
ચેક નંબર
ચેક પરની તારીખ
મેળવનારનું નામ (Payee Name)
ચેકની રકમ (Amount)

RBIના મહત્વના નિયમો:
આરબીઆઈના મહત્ત્વના નિયમ વિશે વાત કરીએ તો રૂપિયા 50,000 કે એથી વધુ રકમના આ ચેક માટે પીપીએસની સુવિધા ઉપલબ્ધ છે અને તેનો ઉપયોગ કરવાની સલાહ આપવામાં આવે છે. જ્યારે એસબીઆઈ, એચડીએફસી અને આઈસીઆઈસીઆઈ જેવી મોટી બેંકોએ રૂપિયા પાંચ લાખથી વધુના ચેક માટે આ સિસ્ટમ ફરજિયાત બનાવી દીધી છે. જો તમે પીપીએસ વિગતો સબમિટ નહીં કરો, તો બેંક સુરક્ષાના કારણોસર ચેક પરત કરી શકે છે.

કેવી રીતે ઉપયોગ કરવો?
મોસ્ટ ઈમ્પોર્ટન્ટલી વાત કરીએ કે તમે આનો કેવી રીતે ઉપયોગ કરી શકો છો એની તો આનો ઉપયોગ તમે ઘરે બેઠા જ જ કરી શકો છો. તમારી બેંકની મોબાઈલ એપ, નેટ બેંકિંગ કે એસએમએસ દ્વારા ચેકની વિગતો સબમિટ કરી શકો છો. આ પ્રક્રિયા ચેક લખ્યા પછી તરત જ કરી લેવી હિતાવહ છે.

છે ને એકદમ કામની માહિતી? આ માહિતી તમારા મિત્રો અને પરિવારના સભ્યો સાથે શેર કરીને તેમના જનરલ નોલેજમાં ચોક્કસ વધારો કરજો હં ને, જેથી તેઓ પણ છેતરપિંડીથી બચી જાય? આવી જ બીજી કામની માહિતી જાણવા માટે અમારી સાથે જોડાયેલા રહો...