બ્રાન્ડ બનશે બિઝનેસ વધશે - સમીર જોશી
હાલ ભારતમાં AIની (આર્ટિફિશ્યલ ઇન્ટેલિજન્સ) સમિટ ચાલી રહી છે. આમાં દુનિયાભરથી નામી લોકો આવ્યા છે. વિવિધ દેશોના નેતાઓ, ટેક્નોલોજી કંપનીઓના સંચાલકો અને માલિકો પણ સહભાગી થયા છે.
ટેક્નોલોજીના વ્યવસાયમાં થોડા થોડા સમયે નવી વાતો લાવવી આવશ્યક છે. AI ટર્મિનોલોજી આપણા માટે નવી નથી. લોકોએ આના વિશે સાંભળ્યુ છે, જે લોકો ટેક્નોલોજી સાથે સંકળાયેલા છે તે બધા આને વધુ સારી રીતે સમજી શકે છે. આનો ઉપયોગ કરવાની આપણામાંના ઘણા લોકોએ શરૂઆત કરી દીધી છે. ઘણા લોકો આ આવવાથી લોકોની નોકરીઓ જશે તેની વાતો પણ કરે છે. આજે જયારે AI ફક્ત વેપારમાં નહિ, પણ અંગત જીવનમાં પણ મહત્ત્વનો ભાગ ભજવી રહ્યું છે ત્યારે આનો ઉપયોગ માર્કેટિગમાં કઈ રીતે થઇ શકે તે જાણવાની કોશિશ કરીએ.
AIના સામાન્ય રીતે ત્રણ પ્રાથમિક પ્રકાર છે
જનરેટિવ AI : પ્રોમ્પ્ટના આધારે ટેક્સ્ટ, ઇમેજ અથવા ઓડિઓ જેવી નવી સામગ્રી બનાવવા પર ધ્યાન કેન્દ્રિત કરે છે.
પ્રિડિક્ટિવ AI: ભવિષ્યનાં ટે્રન્ડ અથવા પરિણામોની આગાહી કરવા માટે ઐતિહાસિક ડેટા અને પેટર્નનું વિશ્લેષણ કરે છે.
પ્રિસ્ક્રિપ્ટિવ AI: ઇચ્છિત પરિણામો પ્રાપ્ત કરવા માટે ડેટા વિશ્લેષણના આધારે ચોક્કસ ક્રિયાઓ અથવા વ્યૂહરચનાઓ સૂચવે છે. AIમાં કામ કરતી વખતે એક શબ્દ આપણે સાંભળીયે છીએ અને તે શબ્દ છે `પ્રોમ્પ્ટ'; .... તમારે શું જોઈએ છે તે જણાવવું તેને પ્રોમ્પ્ટ કહે છે. માર્કેટિગમાં મુખ્યત્વે આર્ટિફિશ્યલ ઇન્ટેલિજન્સ (AI)નો ઉપયોગ વ્યવસાયની માર્કેટિગ વ્યૂહરચના વિકસાવવા, અમલમાં મૂકવા, અને વ્યૂહરચનામાં સુધારા સુધારવા માટે થાય છે. તે ડેટાનું વિશ્લેષણ કરવા, વર્કફ્લોને ઑટોમેટ કરવા, ઉપયોગી ઇન્સાઇટ પ્રદાન કરવા અને બ્રાન્ડની અનન્ય જરૂરિયાતોને અનુરૂપ આકર્ષક માર્કેટિગ સામગ્રીનું ઉત્પાદન કરવા માટે AIનો ઉપયોગ કરી શકાય . આજની તારીખે મોટે ભાગે આનો ઉપયોગ ક્નટેન્ટ બનાવવા માટે થાય છે. ઘણી નાની બ્રાન્ડ્સ પોતે સોશ્યલ મીડિયા પોસ્ટ આના પર બનાવે છે. મોટી બ્રાન્ડો પણ આના પર ફિલ્મ બનાવી રહી છે. ક્નટેન્ટ બનાવવા ઉપરાંત વ્યૂહરચનાની દૃષ્ટિએ આના ફાયદાઓ જોઈએ તો આના સહારે તમે નવા ગ્રાહકો બનાવી શકો છો અને જૂના ગ્રાહકોને જાળવી રાખી શકો છો. સોશ્યલ મીડિયા પર જેને `લુક આ લાઈક કસ્ટમર' કહે છે, તે ઓળખવામાં આ મદદ કરે છે. એના થકી તમા નવા ગ્રાહકો ગોતવાનું કામ આસાન થાય છે. આપણે જાણીયે છીએ કે આજે ડેટાનું મહત્ત્વ કેટલું છે. આના વિશ્લેષણમાં તમને આ મદદ કરે છે. ધારો કે તમારી પાસે પહેલાથી જ જરૂરી ડેટા નથી. તે કિસ્સામાં, AI તમારી ડેટા સંગ્રહ પદ્ધતિઓને સુધારી માહિતીનું વિશ્લેષણ કરી તેને એકત્રિત કરવામાં મદદ કરી શકે છે, જેથી મુખ્ય ઇન્સાઇટ અને ટે્રન્ડ જાણી શકાય. આનાકારણે તમે વધુ સારા નિર્ણયો લઇ જોઈતાં પરિણામો લાવી શકો.
ક્નટેન્ટ માર્કેટિગ માટે AI બ્રાન્ડેડ બ્લોગ્સ અને સોશ્યલ મીડિયા પોસ્ટ્સ જનરેટ કરી શકે છે, જે બિઝનેસના ડેટા અને પાછલા અનુભવોના સહારે ઇન્સાઇટ મેળવી શકે છે. આજે કસ્ટમર કેર ઘણું જરૂરી થઇ ગયુ છે ત્યારે AI ચેટબોટ્સ 24/7 ગ્રાહક સપોર્ટ પ્રદાન કરે છે. પર્સનલાઇઝેશનનો જમાનો છે ત્યારે ક્નઝ્યુમરના વર્તન અને પસંદગીઓનું વિશ્લેષણ કરીને પ્રોડક્ટની ભલામણો પ્રદાન કરી વ્યક્તિગત અનુભવો પહોંચાડી શકે છે , જેના દ્વારા ગ્રાહકો વધી શકે. પ્રેડિક્ટિવ એનાલિટિક્સના સહારે AI ટૂલ ઐતિહાસિક ડેટાનો ઉપયોગ કરી બજાર અને ગ્રાહકના ટે્રન્ડની આગાહી કરે છે. તેના સહારે તમે પ્રોડક્ટના ડિમાન્ડની આગાહી કરી શકો છો અને સપ્લાય ચેઇન સમસ્યાઓની આગાહી પણ થઇ શકે છે.
આજે જયારે સોશ્યલ મીડિયા લગભગ બધા વાપરે છે ત્યારે AI મોડેલ્સ સોશ્યલ મીડિયા ડેટાનું, ક્નઝ્યુમરના વર્તનનું વિશ્લેષણ કરી તમારી બ્રાન્ડ માટે પોસ્ટ કરવા માટેનો શ્રેષ્ઠ સમય બતાવે છે. આના સહારે કયું ક્નટેન્ટ લોકોને વધુ પસંદ આવશે તે જાણવામાં પણ મદદ કરે છે. સર્ચ એન્જિન ઑપ્ટિમાઇઝેશન (SEO) જે બીજુ મહત્ત્વનું પહેલું છે માર્કેટિગ માટે તેના માટે કી-વર્ડ જનરેટ કરવા માટે AIનો ઉપયોગ થઇ રહ્યો છે. AI ટૂલ્સ લોકો બ્રાન્ડ માટે શું વિચારે છે, તેમની કોમેન્ટ્સ, સમીક્ષાઓ અને તેને અનુરૂપ પ્રતિસાદ આપી તેનું વિશ્લેષણ પણ કરી બતાવે છે.
આમ AI વેપારને વધારવામાં મદદરૂપ થાય છે, પણ જયારે આનો ઉપયોગ કરતા હોઈએ ત્યારે તે AI ટુલની ઑથેન્ટિસિટી, પરવાનગી વગેરે વાતોનું ધ્યાન રાખવું જરૂરી છે નહિ તો ઘણીવાર તેમની પરવાનગી અથવા સબસ્ક્રિપ્શન ના હોય તો પેનલ્ટી પણ લાગી શકે છે. સૌથી મહત્ત્વની વાત તમારા AI મોડેલનો ઉપયોગ કરતા પહેલા તમારા ઓબ્જેકટીવ અર્થાત ઉદ્દેશ્યો નક્કી કરો. તમારી જાતને પૂછો કે તમે શું પ્રાપ્ત કરવા માગો છો એ મુજબ તમને યોગ્ય AI ટૂલ્સ પસંદ કરી જોઈતાં પરિણામો મેળવવામાં મદદ કરશે. માનો કે ના માનો, સારું છે કે ખરાબ છે, પરિણામો કેવાં આવશે તે ખબર નથી પણ AI આપણા જીવનનો તે હિસ્સો બની રહ્યું છે જેને અવગણવું મુશ્કેલ છે. જેમ મજાકમાં આપણે કહેતા હતા કે `ગૂગલ હૈ તો મુમકિન હૈ' તેનું સ્થાન ટૂંક સમયમાં AI લઇ ચુક્યું છે.