Wed Aug 26 2026

Logo

BJPના ક્યા મુખ્યમંત્રીએ પેટ્રોલ બચાવવા 50 ટકા સરકારી વાહનો મૂકાવી દીધાં, વર્ક ફ્રોમ હોમનો આપ્યો ઓર્ડર

2026-05-13 09:19:53
Author: Mayur Patel
BJPના ક્યા મુખ્યમંત્રીએ પેટ્રોલ બચાવવા 50 ટકા સરકારી વાહનો મૂકાવી દીધાં, વર્ક ફ્રોમ હોમનો આપ્યો ઓર્ડર

લખનઊઃ વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ પેટ્રોલ-ડીઝલ બચાવવાની અપીલની ધીમે ધીમે અસર જોવા મળી રહી છે. ભાજપ શાસિત એક રાજ્યના મુખ્યમંત્રીએ પેટ્રોલ બચાવવા 50 ટકા સરકારી વાહનો મૂકાવી દીધાં છે. ઉપરાંત વર્ક ફ્રોમ હોમનો ઓર્ડર આપ્યો છે.

ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે મુખ્ય સચિવ, ડીજીપી અને તમામ વિભાગના સચિવો સાથે બેઠક કરી હતી. જે બાદ મુખ્યમંત્રી તથા અન્ય મંત્રીઓના કાફલામાં 50 ટકા વાહન કાપનો નિર્દેશ આપ્યો હતો. તેમજ સરકારી બેઠકો, સેમિનાર, કોન્ફરન્સ અને વર્કશોપને મહત્તમ વર્ચુઅલ માધ્યમથી આયોજીત કરવા પર ભાર મૂક્યો હતો. રાજ્યમાં વર્ક ફ્રોમ લાગુ કરવા એડવાઈઝરી જાહેર કરવા કહ્યું હતું. મુખ્યમંત્રીએ મેટ્રો, પીએનજી, જાહેર પરિવહન, રોડવેઝ બસ, કાર પૂલિંગ, સાઈક્લિંગ તથા ઈલેક્ટ્રિક વ્હીકલનો મહત્તમ ઉપયોગ કરવા ભાર આપ્યો હતો.

નો વ્હીકલ ડે મનાવવા કરી અપીલ

મંત્રી, સાંસદ, ધારાસભ્ય અને જનપ્રતિનિધિઓને અઠવાડિયામાં એક દિવસ પબ્લિક ટ્રાન્સપોર્ટનો ઉપયોગ કરવા અને નો વ્હીકલ ડે મનાવવાની અપીલ કરી હતી. સ્કૂલ-કોલેજોમાં સ્કૂલ બસોનો ઉપયોગ વધારવા કહ્યું હતું. ઓફિસના સમયને અલગ અલગ બેંચમાં વહેંચીને પીક અવરમાં ઈંધણનો વપરાશ ઘટાડવા પણ સૂચન કર્યું હતું.

મુખ્યમંત્રીએ વીજળી બચાવવા ભાર આપીને સરકારી અને ખાનગી સંસ્થાઓને વીજળીનો ઉપયોગ રોકવા નિર્દેશ આપ્યો હતો. વ્યાવસાયિક સંસ્થાઓ અને કોમ્પલેક્સમાં રાત્રે 10 વાગ્યા બાદ લાઈટનો ન્યૂનતમ ઉપયોગ કરવા અપીલ કરી હતી. આગામી છ મહિના સુધી બિન જરૂરી વિદેશ યાત્રાઓ બચાવવા અને દેશની અંદર પર્યટનને પ્રોત્સાહન આપવાનો આગ્રહ કર્યો હતો.

આ ઉપરાંત યોગી આદિત્યનાથે ડેસ્ટિનેશન વેડિંગ, હેરિટેજ ટૂરિઝમ, ઈકો ટુરિઝમને પ્રોત્સાહન આપવા કહ્યું હતું. કૃષિ વિભાગને પ્રાકૃતિક ખેતીને પ્રોત્સાહન આપવા તથા ગ્રામીણ વિસ્તારોમાં ગોબર ગેસનો ઉપયોગ વધારવા નિર્દેશ આપ્યો હતો.