Mon Sep 07 2026

Logo

કચ્છ-મુંબઈના મુસાફરો માટે ખુશખબર, 4 વેકેશન સ્પેશિયલ ટ્રેનો હવે જુલાઈ સુધી દોડશે!

2026-03-19 14:44:00
Author: Mumbai Samachar Team
કચ્છ-મુંબઈના મુસાફરો માટે ખુશખબર, 4 વેકેશન સ્પેશિયલ ટ્રેનો હવે જુલાઈ સુધી દોડશે!

ભુજઃ  કચ્છ અને મુંબઈ વચ્ચે મુસાફરોના ભારે ધસારાને પહોંચી વળવા માટે પશ્ચિમ રેલવે તંત્ર દ્વારા મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે. ભુજ અને ગાંધીધામથી મુંબઈ (બાન્દ્રા ટર્મિનસ) વચ્ચે વિશેષ ભાડા સાથે દોડતી ચાર સાપ્તાહિક અને દ્વિ-સાપ્તાહિક ટ્રેનોની મુદત હવે એપ્રિલથી વધારીને આગામી જુલાઈ - ૨૦૨૬ સુધી લંબાવવામાં આવી છે.

રેલવેના સત્તાવાર સૂત્રો પાસેથી મળતી માહિતી મુજબ, ઉનાળુ વેકેશનના આગામી સમયગાળાને ધ્યાનમાં રાખીને આ ટ્રેનોના ફેરા વધારવામાં આવ્યા છે.  દર ગુરુવારે રવાના થતી ગાંધીધામ-બાન્દ્રા (૦૯૪૧૫-૦૯૪૧૬) ટ્રેનની મુદત ૨૬ માર્ચના રોજ પૂર્ણ થતી હતી, જે હવે ૨ એપ્રિલથી ૩૦ જુલાઈ સુધી કાર્યરત રહેશે તેમજ બાન્દ્રાથી દર ગુરુ અને શનિવારે તથા ભુજથી દર શુક્ર અને રવિવારે દોડતી ભુજ-બાન્દ્રા દ્વિ-સાપ્તાહિક (૦૯૦૩૭-૦૯૦૩૮) ટ્રેન હવે ભુજથી ૩ એપ્રિલથી ૩૧ જુલાઈ અને બાન્દ્રાથી ૨ એપ્રિલથી ૩૦ જુલાઈ સુધી દોડશે. 

નોંધનીય છે કે, આ ટ્રેન હવે ૨૪ કોચના આઈ.સી.એફ. રેક સાથે દોડાવવામાં આવશે. આ ઉપરાંત બાન્દ્રાથી દર રવિવારે (૫ એપ્રિલથી ૨૬ જુલાઈ) અને ભુજથી દર સોમવારે (૬ એપ્રિલથી ૨૭ જુલાઈ) ભુજ-બાન્દ્રા સાપ્તાહિક (૦૯૦૦૯-૦૯૦૧૦) ટ્રેન યાત્રિગણની સેવામાં રહેશે જયારે દર મંગળવારે બાન્દ્રાથી ઉપડતી ભુજ-બાન્દ્રા સ્પેશિયલ (૦૯૦૧૧-૦૯૦૧૨) ટ્રેન આગામી ૭મી એપ્રિલથી ૨૮ જુલાઈ સુધી અને દર બુધવારે ભુજથી ઉપડતી આ ટ્રેન (૦૯૦૧૨) ૧ એપ્રિલથી ૨૯ જુલાઈ સુધી લંબાવવામાં આવી છે.

પશ્ચિમ રેલવે દ્વારા લેવામાં આવેલા આ મહત્વના નિર્ણયથી ઉનાળુ વેકેશનમાં વતન આવતા અને આમચી મુંબઈ જતા કચ્છી માડુઓને ટિકિટ બુકિંગમાં સરળતા રહેશે અને ટ્રાફિકનું ભારણ ઘટશે.


(ઉત્સવ વૈદ્ય)