અમદાવાદઃ ગુજરાતમાં વરસાદ અંગે હવામાન નિષ્ણાત પરેશ ગોસ્વામીએ મોટી આગાહી કરી હતી. ઉપરાંત વાવણીલાયક વરસાદ ક્યારે થશે તે પણ જણાવ્યું હતું.
ગુજરાતમાં ક્યારે થશે વરસાદ
પરેશ ગોસ્વામી મુજબ, 17-18 જૂનથી ચોમાસાની ફરી હલચલ શરૂ થવાની સંભાવના છે. ગુજરાતમાં વરસાદ મુખ્યત્વે ત્રણ તબક્કામાં (રાઉન્ડમાં) આગળ વધશે. પ્રથમ રાઉન્ડ 17 જૂનથી શરૂ થશે, ગુજરાતમાં પ્રી-મોન્સૂન એક્ટિવિટી શરૂ થશે. સૌરાષ્ટ્ર, દક્ષિણ ગુજરાત અને મધ્ય ગુજરાતના છૂટાછવાયા ભાગોમાં વરસાદી ઝાપટાં કે સામાન્ય વરસાદ પડશે.
બીજો રાઉન્ડ 22 થી 25 જૂનમાં આવશે. આ સમયગાળામાં ચોમાસું વધુ ઝડપથી આગળ વધશે અને વરસાદનું જોર વધશે. રાજ્યમાં ચોમાસાનો ત્રીજો રાઉન્ડ 28 જૂન થી 4 જુલાઈ આવશે. આ રાઉન્ડમાં ખૂબ સારો વરસાદ થશે અને તે ઓલ ઓવર ગુજરાતને કવર કરી લેશે.
ખેડૂતોને વાવણી અંગે શું આપી સલાહ
પરેશ ગોસ્વામીએ ખેડૂતોને વાવણી અંગે સલાહ આપતાં જણાવ્યું, જે ખેડૂતો પાસે કૂવા કે બોરના પાણીની સગવડ છે, તેમણે ઓરવીનેવાવેતર શરૂ કરી દીધું છે અથવા કરી શકે છે. પરંતુ, જે ખેડૂતો માત્ર વરસાદ આધારિત ખેતી કરે છે તેમણે ભૂલથી પણ વરસાદ વગર કોરા ખેતરમાં વાવણી કરવી નહીં. જો પ્રી-મોન્સૂનનું માત્ર એકાદ ઝાપટું પડીને બંધ થઈ જશે, તો મોંઘું બિયારણ નિષ્ફળ જશે અને મોટું નુકસાન થઈ શકે છે. જ્યાં સુધી ખેતરમાં વાવણી લાયક સારો વરસાદ ન થાય ત્યાં સુધી રાહ જોવી. રાજ્યના જુદા જુદા વિસ્તારોમાં વરસાદના અલગ-અલગ રાઉન્ડ મુજબ 20 જૂનથી લઈને 3 જુલાઈ સુધી એમ બે થી ત્રણ તબક્કામાં વાવણી કાર્ય પૂર્ણ થશે.
રાજ્યમાં કેવું રહેશે હવામાન
હવામાન વિભાગે આજથી બે દિવસ કેટલાક વિસ્તારમાં વરસાદની આગાહી કરવામાં આવી છે. સુરત, વાપી, વલસાડ, ડાંગ, દમણ અને દાદરા નગર હવેલીમાં હળવા વરસાદની સંભાવના છે. જ્યારે બનાસકાંઠા અને સાબરકાંઠા જિલ્લામાં પણ વરસાદી માહોલ જોવા મળી શકે છે.
ગઈકાલે રાત્રે અમદાવાદના વાતાવરણમાં અચાનક પલટો આવ્યો હતો. એસ.જી. હાઈવે, મકરબા અને સરખેજ સહિતના આસપાસના વિસ્તારોમાં જોરદાર વરસાદી ઝાપટું પડ્યું હતું. આ અણધાર્યા વરસાદના કારણે કાળઝાળ ગરમી અને બફારાથી હેરાન થતા સ્થાનિક લોકોને મોટી રાહત મળી છે. આજે પણ સવારથી વાદળછાયું વાતાવરણ છે.