Mon Sep 07 2026

Logo

‘I want to go home’ વેસ્ટ ઈન્ડિઝની ટીમના કોચ ડેરેન સેમીએ આવી પોસ્ટ કેમ કરી?

2026-03-05 16:38:14
Author: Savan Zalariya
‘I want to go home’ વેસ્ટ ઈન્ડિઝની ટીમના કોચ ડેરેન સેમીએ આવી પોસ્ટ કેમ કરી?

કોલકાતા: ICC મેન્સ T20 વર્લ્ડ કપ 2026ના સુપર-8 સ્ટેજમાં ભારત સામે હાર મળ્યા બાદ વેસ્ટ ઇન્ડીઝની ટીમ ટુર્નામેન્ટમાંથી બહાર થઇ ગઈ છે, પરંતુ ચાર દિવસ બાદ પણ હજુ સુધી ટીમ વતન પરત ફરી શકી નથી. એવામાં વેસ્ટ ઈન્ડિઝના ટીમના કોચ ડેરેન સેમીએ સોશિયલ મીડિયા પર ચાર શબ્દોની પોસ્ટ લખી છે, તેમણે લખ્યું, “આઈ વોન્ટ ટૂ ગો હોમ” (હું ઘરે જવા માંગુ છું).

પશ્ચિમ એશિયામાં ફાટી નીકળેલા યુદ્ધને કારણે ગલ્ફ દેશોની એરસ્પેસ બંધ કરવામાં આવતા સંખ્યા બંધ ફ્લાઈટ્સ કેન્સલ થઇ છે, એર લાઈન્સનું શેડ્યુલ ખોરવાઈ ગયું છે. ટુર્નામેન્ટમાંથી બહાર થયા બાદ પણ  વેસ્ટ ઇન્ડીઝ ચાર દિવસથી કોલકાતાની હોટેલમાં જ છે. 

ક્રિકેટ વેસ્ટ ઈન્ડિઝ (CWI) એ એક સત્તાવાર નિવેદનમાં ટીમના ડિપાર્ચરમાં થયેલા વિલંબની પુષ્ટિ કરી છે. નિવેદનમાં CWIએ જણાવ્યું કે આંતરરાષ્ટ્રીય હવાઈ ક્ષેત્ર પર પ્રતિબંધોને કારણે સિનિયર પુરુષ ટીમનાં ભારતમાંથી પ્રસ્થાન મોડું થયું છે. 

બોર્ડે જણાવ્યું કે એમ પણ કહ્યું છે કે ખેલાડીઓ, કોચ અને અધિકારીઓ સુરક્ષિત છે, તેમને ભારતમાં રહેવાની વ્યવસ્થા કરવામાં આવી રહી છે. તેમને વતન પરત લાવવા માટે કામ ચાલી રહ્યું છે.

CWIએ જણાવ્યું, “અમે સલામત મુસાફરીને પ્રાથમિકતા આપીએ છીએ, બોર્ડ ICC અને સંબંધિત અધિકારીઓ સાથે સંકલન કરીને નવી વ્યવસ્થા ગોઠવી રહ્યું છે.”