Tue Apr 28 2026

Logo

ચારિત્ર્ય વગરની સંપત્તિ ટકશે નહીં

2026-03-17 09:21:37
Author: Gaurav Mashroowala
Article Image

 

ગૌરવ મશરૂવાળા

આપણે સૌ જાણીએ છીએ કે રાવણ ભગવાન શિવનો ભક્ત હતો. તેથી લક્ષ્મીદેવીએ તેના પર ઐશ્વર્ય વરસાવવાની કૃપા કરેલી. રાવણ પાસે અઢળક સંપત્તિ હતી, સત્તા હતી. એની નગરી સોનાની લંકા તરીકે ઓળખાતી. રાવણ શા માટે મર્યો? શા માટે એની સંપત્તિનો નાશ થયો? શા માટે યુધિષ્ઠિરએ પોતાની સઘળી સંપત્તિ ગુમાવવી પડી? એમને જુગાર રમવાની આદત હતી.

રાવણ અને યુધિષ્ઠિરના મન અંશાત હતાં. રાવણને એની બહેન શૂર્પણખાએ ઉશ્કેર્યો હતો કેમ કે ભૂતકાળમાં લક્ષ્મણે એનો અસ્વીકાર કર્યો હતો. રાવણ ઉશ્કેરણીને વશ થઈ ગયો. સૌથી પહેલાં શૂર્પણખાએ રાવણના અંહકારને છંછેડયો અને પછી સીતા વિશે વાત કરીને એની લાગણીઓને ઓર ભડકાવી. રામ સાથે યુદ્ધ ચાલી રહ્યું હતું તે દરમિયાન ઘણાએ રાવણને શરણાગતિ સ્વીકારી લેવા માટે વિનવણી કરી હતી, પણ એનો અહંકાર એને આમ કરતાં રોકતો હતો. યુધિષ્ઠિર જુગારના નશામાં વશમાં થઈ ગયા હતા. 

અહંકાર, વાસના, જાતિય આનંદ આ બધી માણસના ચારિત્ર્યને શિથિલ કરી નાખતી લાગણીઓ છે. ચારિત્ર્ય એટલે શું? વર્તન ખરાબ ચારિત્ર્ય એટલે ખરાબ ઉદ્દેશ સાથે થતું ખરાબ વર્તન. એવું વર્તન જે આપણને, આપણા પરિવારને, સમાજને અને સમસ્ત બ્રહ્માંડ સુધ્ધાંને નુકસાન પહોંચાડે છે. 

આપણું અસ્તિત્વ ટકી રહ્યું છે અને વિકસી રહ્યું છે તેનું કારણ આપણું પર્યાવરણ છે, આપણું બ્રહ્માંડ છે. જો પર્યાવરણને નુકસાન પહોંચાડીશું તો આપણા વિકાસ માટે કારણભૂત એવાં પરિબળોને જ નુકસાન કરી બેસીશું. 

એક સાદું ઉદાહરણ લઈએ. દારૂડિયો પોતાના શરીરને નુકસાન પહોંચાડે છે. સૌથી પહેલાં તો એ દારૂ ખરીદવામાં પૈસા બરબાદ કરશે અને માંદા પડ્યા પછી સારવારમાં એનાં વર્તન અને વ્યવહારથી એના પરિવારમાં ઉપદ્રવ પેદા થશે, ઘરનાઓએ ક્ષોભમાં મુકાવું પડશે. પરિવારમાં શાંતિનો માહોલ ખતમ થઈ જશે. કામ કરવાના સ્થળે, સમાજમાં એ એકલો પડી જશે. એનું આત્મસન્માન ઘવાતું રહેશે. દારૂડિયાઓના આત્મસન્માનનું સ્તર હંમેશાં નીચે હોય છે. 

આપણામાંથી કેટલા પોતાની સંસ્થામાં દારૂડિયાને નોકરી આપશે? કોણ પોતાની બહેન-દીકરીનો હાથ એક શરાબીના હાથમાં સોંપવાનું પસંદ કરશે? આ સૌની સીધી અને આડકતરી અસર શરાબીના સ્વાસ્થ્ય પર પડવાની જ. આ વાત માત્ર દારૂડિયાઓને જ નહીં,  દારૂ જેવી તમામ બૂરી આદતના બંધાણીઓને લાગુ પડે છે.

અલબત્ત, મંદિરમાંથી બહાર નીકળેલો માણસ વૃદ્ધ ભિખારી પ્રત્યે સહેજ પણ દયાભાવ ન દેખાડે તે શક્ય છે. સામે પક્ષે રાતે દારૂના પીઠામાંથી બહાર નીકળેલો માણસ અકસ્માતને કારણે રસ્તા પર ઘવાયેલા પડેલા માણસને સહેજ પણ સમય બગાડ્યા વગર દવાખાને પહોંચાડે તે પણ શક્ય છે. અહીં ચર્ચા કોણ શું કરે છે એની નથી, પણ કઈ પરિસ્થિતિમાં માણસ કેવી પ્રતિક્રિયા આપે છે તેના વિશે વાત થઈ રહી છે. જે તે પરિસ્થિતિમાં માણસના વર્તન પરથી એના ચારિત્ર્યની કસોટી થાય છે. 

આપણે દારૂડિયાનું દૃષ્ટાંત જોયું. હવે થોડાં બીજાં ઉદાહરણો જોઈએ. એક માણસ હંમેશાં છુટ્ટે હાથે સ્કૂલો, કૉલેજો, ધાર્મિક સંસ્થાનો, વગેરેને દાન કરે છે. અલબત્ત, આ બધું તો પોતાનો અહમ સંતોષવા માટે કરે છે. એ આયોજકોને પૂછી સુધ્ધાં લે છે કે હું અમુક રકમનું ડોનેશન આપું તો તમે સારું બહુમાન કેવી રીતે કરશો, મારા નામની તકતી ક્યાં મૂકશો. છાપામાં કેટલું કવરેજ મળશે, વગેરે. ધીમેધીમે દાન દઈને પ્રસિદ્ધિ મેળવવાની એની નબળાઈ દૃઢ થતી ગઈ. 

જેણે આ મહાશય પાસેથી પૈસા જોઈતા હોય એણે ફક્ત એને મહત્ત્વ આપવાનું, એને મોટા ભા બનાવવાના. આ મહાનુભાવનો દાન કરવાનો માપદંડ સંસ્થાને નાણાંની ખરેખર કેટલી ઉપયોગિતા છે તે જોવાનો નહીં પણ એની પાસેથી સારી એવી રકમ પડાવી જાય છે. કોઈ એને ચેરમેન બનાવી દે છે, તો કોઈ પ્રેસિડેન્ટ. એક વાર તો એ જેના ચેરમેનપદ પર બિરાજમાન છે એવી એક સંસ્થાના કાળાં કરતૂત બહાર પડ્યા હતા. એમના પર આરોપ મુકાયો, ધરપકડ સુધ્ધાં થઈ. મિથ્યામિભાન ખરાબ ચારિત્ર્યની નિશાની છે. 

જાતજાતનાં કૌભાંડો, સટ્ટાબાજી, પોન્ઝી સ્કીમો, વગેરેનો લોકો ભોગ બને છે તેનું કારણ એમની લાલચવૃત્તિ હોય છે. એમને ‘ક્વિક મની’ કમાઈ લેવા હોય છે. લાલચ ખરાબ ચારિત્ર્યની નિશાની છે. 

બિલ્ડરો હંમેશાં ઈચ્છતા હોય છે કે મ્યુનિસિપલ કમિશનર ભ્રષ્ટ અને કાયદાનો ભંગ કર્યો હોય તોય આંખ આડા કાન કરી લે તેવો હોય કે જેથી એને પૈસા ખવડાવીને ધાર્યાં કામ કરાવી શકાય. નિયમો અને કાયદા ચાતરીને ઊભી કરેલી ઈમારતો પૂર કે ધરતીકંપ જેવી કુદરતી આફત ત્રાટકે છે ત્યારે પત્તાંના મહેલની જેમ તૂટી પડે છે. કેટલાય લોકોનો જીવ જાય છે. પેલા ભ્રષ્ટ અધિકારીએ નોકરી ખોવી પડે છે, એની બદનામી થાય છે. એના આખા પરિવારે સહન કરવું પડે છે તે નફામાં. 

સૈન્ય સાથે ચડાઈ કરવા આવેલા સેનાપતિએ દુશ્મનના પ્રધાનને લાંચ આપી હોય અને બદલામાં પ્રધાને કોઈ પણ રીતે એમને કિલ્લામાં ઘૂસવાની ગોઠવણ કરી આપી હોય એવા ઘણા કિસ્સા ઈતિહાસના પાને નોંધાયો છે. આવા કિસ્સામાં રાજ્યદ્રોહી પર ધનદોલતનો વરસાદ કરી નાખવામાં આવતો હશે. એ વાત અલગ છે કે કિલ્લા પર કબજો જમાવ્યા પછી સૌથી પહેલું મસ્તક પણ એનું જ વધેરાય છે. એના પરિવાર પર આભ તૂટી પડે છે. ધનની લાલચમાં દુશ્મન સૈન્યને સગવડ કરી આપનાર અધિકારીનું ચારિત્ર્ય શિથિલ છે.

 સરકારી બાબુઓને પૈસા ખવડાવીને કામ પતાવી આપવાની હોશિયારી ધરાવતા કર્મચારીને એની કોર્પોરેટ ઓફિસ ખૂબ ઊંચો પગાર આપતી હોય એમ બને. પણ આવા કર્મચારી પર નથી કોઈ ભરોસો મૂકતું કે નથી કોઈ માન આપતું. 

ગણ્યું ગણાય નહીં એટલું નાણું ભેગું કરીને બેઠેલા અંધારી આલમના કેટલા ગુંડા પોતાના દીકરા પણ આજ લાઈનમાં આવે એવું ઈચ્છતા હશે? એક રૂપજીવિની ક્યારેય નહીં ઈચ્છે કે એની દીકરી પણ શરીર વેચવાનું કામ કરે. કોઈ ભ્રષ્ટ અધિકારી એવું નહીં ઈચ્છે કે એનાં સંતાનો પોતાના નકશે કદમ પર આગળ વધે. વાસ્તવમાં આ સૌ કદાચ પોતાનાં સંતાનોને કશેક દૂર મોકલી દેવાની તજવીજ કરશે કે જેથી પોતાના કાળાં કામના છાંટા એમને ન ઊડે. જો આમ જ કરવું હોય તો ખોટે માર્ગે પૈસોટકો ભેગો કરવાનો મતલબ શો છે? 

તો ચાલો, કોઈ પણ કામ કરતાં પહેલાં આપણા અંતરાત્માને પૂછીએ કે શું હું આ શુદ્ધ મનથી કરી રહ્યો છું? આપણે પોતાની જાત સાથે ખુશ છીએ કે કેમ તે આખરે તો આપણો માંહ્યલો જ નક્કી કરતો હોય છે. જો આપણે આંતરિક શાંતિનો અનુભવ કરતાં હોઈશું તો એનો અર્થ એ કે આપણે સાચા રસ્તે ચાલી રહ્યા છીએ. જો આપણે અંદરથી અશાંત રહેતા હોઈશું અને ખુદનાં કૃત્યો બદલ બીજાઓ તો ઠીક, જાત સામે પણ ખુલાસા કરવા પડતા હોય (‘આવું બધું તો કરવું પડે, તો જ જીવી શકાય, આખો વખત રાજા હરિશ્ર્ચંદ્ર બની રહેવાનો મતલબ નથી’), તો તેનો મતલબ એ થયો કે આપણે ભીતર વધારે ઊંડા ઊતરીને આત્મમંથન કરવાની જરૂર છે. 

યોગિક વેલ્થ
જીવનના દરેક તબક્કે અને ઉંમરે કામ અને આનંદ વચ્ચે સંતુલન જળવાઈ રહેવું જોઈએ, કેમ કે તે તબક્કો અને તે ઉંમર ફરીથી આવવાનાં નથી.