Tue Apr 28 2026

Logo

મોજની ખોજઃ ઉતાવળે આંબા ન પાકે પણ તમે પાકી જાવ એનું શું?

2026-04-28 11:54:00
Author: Subhash Thaker
Article Image

 

સુભાષ ઠાકર

‘હે મારી ચંપાકલી, તારો ચહેરો ખાંડ વગરની ચાસણી જેવો કેમ થઇ ગયો છે?’
‘સુભુ, મને એક ખતરનાક વિચાર આવે છે કે આ લીમડાની લીંબોડી કાચી હોય ત્યારે કડવી ને પાકે એટલે મીઠી. આ કાતરા શરૂમાં ખાટા પણ આંબલી બને ત્યારે કેવા મધુરા. આ કેરી, કાચી હોય ત્યારે ખાટી જેમ જેમ પાકે એમ એમ મીઠી... બરાબર? તો પછી માણસમાં ઊલટું કેમ? શરૂઆતમાં મીઠો મધુરો પછી જેમ જેમ પાકતો જાય એમ ખટાશ પકડતો જાય. ઈશ્વરનો આ હળહળતો અન્યાય નથી? બાકી આપણે પણ એની જ બનાવટ છીએ ને આપણી સાથે જ બનાવટ?’ 

‘અરે પગલી, આપણે ખુદ ઈશ્વરને મંદિરમાં બેસાડી બનાવટ કરીએ છીએ.’
‘અચ્છા... ફળોનો રાજા કોણ?’ ચંપાએ પૂછ્યું.
‘કેરી’
‘બરાબર. ફળોનો રાજા કેરી હોય તો કેરી ‘કેવો’ ને બદલે કેરી ‘કેવી’ કેમ કહેવાય છે?’

‘રિયલી... અમારી 1700 પેઢીમાં કોઈને આવો ખતરનાક વિચાર નથી આવ્યો. તને...’
‘પાછું એ જ કેરીમાંનો ગોટલો ‘કેવો’. કેરી કેવી ને ગોટલો કેવો? આવું કેમ?’

‘અરે ચંપુ, તને આવું સૂઝે છે કઈ રીતે?’
‘સૂઝે છે ની ક્યાં માંડે છે આટલું વિચારતા હું આખી સૂઝી ગઈ છું.’
‘જો ચંપા, સમજાવું મારી માતાને બધા કેવી કહે છે ને? પણ હું જેવો ગર્ભમાંથી બહાર આવ્યો તો કેવો થઈ ગયો કે નઈ એવું જ ગોટલાનું. સમજી?’

‘અરે વાહ મેરે સુભુ, ક્યા ખોપરી પાઈ હૈ. મને એ કહે કે તને મોદી આવશે કે નઈ એની ફિકર છે પણ આપણા ત્રણ ટાબરિયા બ્રહ્મા, વિષ્ણુ, મહેશ માટે કેરી ક્યારે આવશે? ગયા વર્ષે કેરીનો રસ છે બોલી ત્રણ વાટકા ચીકુનો રસ પીવરાવી દીધેલો. એ બિચારાએ કેરી જોઈ નથી એટલે ચીકુને જ કેરી સમજેલા... હવે બોલો, સાચી કેરી ખરીદવા ક્યારે જઈશું?’

‘એમ ઉતાવળ ન કર માય સ્વીટુ, બસ, એકવાર આ બકરીબજાર બની ગયેલું શેરબજાર ઉપર આવશે તો આપણે પણ ઉપર આવશું ને ત્યારે..’

‘તંબુરો ઉપર આવશું? એ પહેલાં તો આપણે ઉપર પહોંચી જશું.’ 

‘અરે મેરી દુલારી, આવા અજ્ઞાની, અશુભ, અનિષ્ઠ વિચાર તારી વાણીમાં જન્મ શું કામ લેતા હશે?’ તને ભગવાન પર ભરોસો નથી?’ મેં પૂછ્યું.

‘અરે મેરે લાલકે એક્કે... મને ઈશ્વર કરતાં તારા પર ભરોસો કે આ સિઝનમાં તો તું અમને કેરી ખવડાવીશ.’

‘તો મારે તારો ભરોસો તોડવો પણ નથી, ચાલ છોકરાઓને કર તૈયાર ને હંમણા જ નીકળીએ’ ને અમારી કેરી ખરીદ સવારી પહોંચી બજારમાં...

‘અરે ભૈયાજી યે કોનસા હૈ?’ ચંપાએ પૂછ્યું.
‘બહેનજી યે વલસાડ હૈ.’
‘વલસાડ? અરે યે કાંદિવલી હૈ. વલસાડ ઇધર કીધરસે આયા.’
‘અરે, યે આમકા નામ હૈ’
‘ઓકે. ઓર યે...’

‘યે લંગડા હૈ બહેનજી, બજારમેં બહોત ચલતા હૈ.’
‘કમાલ હૈ લંગડા હૈ ફિર ભી ચલતા હૈ!’
‘બહેનજી, યે બડા રાજાપુરી બહોત મીઠા 1500 રૂપિયે ડઝન.’

‘દેખો ભૈયા, તુમકો તો માલૂમ હૈ કી યે સિઝનમેં પરીવારસે જ્યાદા મૈં તુમકો ચાહતી હું, ઓર તુમકો હી ખટાતી હું. ચલ 1000 રૂપિયા દેતી હુ પેક કર દે.’
‘અરે 1100 રૂપિયેમે તો હમકો ઘરમે ગિરતા હૈ.’

‘ઠીક હૈ ઘરકા સરનામા દે. હમ ઘરપે આકે લે જાયેંગે, અભી સબ કેરીકા એક એક ચીરી હમ સબકો ચખાડકે એક ટોપલા પેક કર દો’ ને અમેં ઘરે પહોંચ્યા. 

ઘરે આવી ત્રણે ટાબરિયાઓને કીધું ‘જુઓ, છોકરાઓ, આજે રસ-રોટલીનો પ્લાન હતો પણ તમે બજારમાં કેરી ચાખી ચાખીને પેટ ભર્યું છે એટલે ઘરે માત્ર રોટલી જ મળશે. તમારા માટે રસ રોટલીનું જમણ પૂરું. હું ને મમ્મી હમણાં આવીએ.’

એટલું બોલી અમે બગીચામાં આંબાના વૃક્ષ નીચે બેઠા ને ચંપાએ વાત ઉપાડી ‘સુભુ, મેં આપણી વીસ હજારની એફડી રીન્યુ કરાવી અને એના બે વર્ષે ત્રીસ હજાર પાકશે પછી એ મ્યુચ્યુઅલ ફંડમાં મૂકીશું તો પાંચ વર્ષમાં પચાસ હજાર પાકશે. પછી વિકાસપત્ર લઈશું તો પંચોતેર હજાર પાકશે પછી..’

એટલામાં આંબા ઉપરથી ઢબૂક કરતી પાકેલી કેરી મારા માથા પર પડી.  મેં પ્રશ્નાર્થભાવથી પૂછ્યું ‘અલી વાઈફ, આ ઝાડ પરથી ડાયરેક્ટ કેરી પાકે કેવી રીતે?’

‘એ પકાઉ’ કેરી જ બોલી ‘હું ઉપરથી તમારી વાતો સાંભળી પાકી ગઈ. સાલુ આ રૂપિયા પાકશે, પેલા પાકશે, અરે અક્કલમઠ્ઠાઓ, રૂપિયા પકવતા પકવતા તમે પોતે પાકતા જાઓ છો એનું ભાન કે ધ્યાન છે? યાદ રાખો ઉતાવળે આંબા ન પાકે પણ તમે પાકો છો એનું શું? તમારું નિધન થાય ત્યાં સુધી ધન પાછળ જ ભટકશો. પણ બધુ એક દહાડો છીનવાઈ જશે. કોઈ નઈ છીનવે તો છેવટે મોત છીનવી લેશે. અમારી પાસેથી શીખો કે અમારા ગોટલા છોતરા નીકળી જાય ત્યાં સુધી અમે મીઠાશ આપવાનું છોડતા નથી, કારણકે અમને જ્ઞાન છે કે અમે મીઠો રસ નઈ આપીએ તો છેવટે બગડીને ભડદું થઇ જશું.’

સાલુ, આ કેરીએ તો ઘણું શીખવાડ્યું. 

શું કહો છો?