Tue Apr 28 2026

Logo

પંજાબના પટિયાલામાં ટ્રેકને ઉડાવી દેવાનો પ્રયાસઃ વિસ્ફોટ કરવાનો પ્રયાસ કરનારનું મોત

2026-04-28 21:36:26
Author: Mumbai Samachar Team
Article Image

X


ચંદીગઢઃ પંજાબના પટિયાલામાં શંભુ વિસ્તાર નજીક એક ડેડિકેટેડ ફ્રેટ કોરિડોર રેલવે ટ્રેક પર વિસ્ફોટ થયો હતો. આ વિસ્ફોટ બોમ્બ બ્લાસ્ટ કરવાનો એક પ્રયાસ હતો. એક વરિષ્ઠ પોલીસ અધિકારીએ મંગળવારે આ જાણકારી આપી હતી. પટિયાલાના એસએસપી વરુણ શર્માએ જણાવ્યું હતું કે સોમવારે જે વ્યક્તિ વિસ્ફોટ કરવાનો પ્રયાસ કરી રહ્યો હતો તે વ્યક્તિનું મોત નીપજ્યું છે.

આ વિસ્ફોટ શંભુ-અંબાલા રેલ ટ્રેક પાસે થયો હતો. પોલીસે અગાઉ જણાવ્યું હતું કે ઘટનાસ્થળેથી એક અજાણી વ્યક્તિની લાશ મળી આવી હતી, જેના કારણે તેના શરીરના અનેક ટુકડા થઈ ગયા હતા. શરીરના ટૂકડા રેલવે ટ્રેક પર વિખરાયેલા મળી આવ્યા હતા.

શરૂઆતમાં તેને ઓછી તીવ્રતાનો વિસ્ફોટ માનવામાં આવતો હતો. જોકે, પોલીસના જણાવ્યા અનુસાર, તપાસમાં જાણવા મળ્યું કે આ વિસ્ફોટનો એક પ્રયાસ હતો. પોલીસે જણાવ્યું હતું કે આ વિસ્ફોટ બોથોનિયા ગામ નજીક માલગાડીઓ માટે બનેલા એક રેલવે ટ્રેક પર રાત્રે 10 વાગ્યે  થયો હતો. વિસ્ફોટને કારણે ટ્રેકને પણ થોડું નુકસાન થયું હતું, જેના કારણે રેલ લાઇન નીચે એક નાનો ખાડો પડી ગયો હતો.

રેલવે પોલીસના અધિકારીઓએ જણાવ્યું હતું કે રેલ ટ્રેક પર સમારકામનું કામ હાથ ધરવામાં આવ્યું છે. એસએસપીએ કહ્યું હતું કે "મોડી રાત્રે અમને શંભુ-હરિયાણા સરહદ નજીક રેલવે ટ્રેક પર વિસ્ફોટ થયો હોવાની માહિતી મળી હતી. ડેપ્યુટી ઇન્સ્પેક્ટર જનરલ ઓફ પોલીસ અને અન્ય વરિષ્ઠ અધિકારીઓ સાથે હું પરિસ્થિતિનો તાગ મેળવવા માટે તાત્કાલિક ઘટનાસ્થળે દોડી ગયો હતો. અમને જાણવા મળ્યું કે તે ઓછી તીવ્રતાનો વિસ્ફોટ નહોતો પરંતુ વિસ્ફોટનો પ્રયાસ હતો."

તેમણે કહ્યું કે પ્રયાસ દરમિયાન વિસ્ફોટ કરવાનો પ્રયાસ કરનાર વ્યક્તિનું મૃત્યુ થયું અને તેનો મૃતદેહ મળી આવ્યો છે. પોલીસે કહ્યું કે તેમને ઘટનાસ્થળેથી એક સિમ કાર્ડ મળી આવ્યું છે. પોલીસે અન્ય વૈજ્ઞાનિક પુરાવાના આધારે તપાસ શરૂ કરી છે. અમને અપેક્ષા છે કે અમે ટૂંક સમયમાં સમગ્ર કાવતરાનો પર્દાફાશ કરીશું. સરકારી રેલવે પોલીસ, રેલવે પ્રોટેક્શન ફોર્સ અને અન્ય એજન્સીઓ તપાસમાં સામેલ છે.