શ્રીલેખા યાજ્ઞિક
‘કોલરાબી’ જેને ‘જર્મન -શલજમ’ તરીકે ભારતીયો આળખે છે. શલજમનો દેખાવ ઘણો જ આકર્ષક હોય છે. ભારતનાં અનેક રાજ્યોમાં તેને નોલખોલ કે નુલકોલ તરીકે ઓળખવામાં આવે છે. તેનો દેખાવ જોઈને આપણને એમ થાય કે નોલખોલ કે નુલકોલની ગણના કંદમૂળમાં થતી હશે. વાસ્તવમાં તે જંગલી કોબી (બ્રાસિકા આલેરસિયા) પરિવારનું લીલું શાક ગણાય છે. અનેક સ્વાસ્થ્યવર્ધક ગુણોને કારણે હાલમાં તેનો ઉપયોગ વધી ગયો છે. પત્તાકોબી, ફ્લવાર, બ્રોકોલી વગેરે જેવો દેખાવ ધરાવતું ગોળાકાર લાંબા પાનવાળું શાક ગણાય છે. સ્વાદમાં હળવી મીઠાશ ધરાવે છે.
દુનિયામાં નોલખોલમાંથી બનતી વિવિધ સ્વાદિષ્ટ વાનગીને કારણે તે અનેક શાક પ્રેમીઓની પ્રથમ પસંદ બની ગયું છે. ઈતિહાસકારોના મત મુજબ નુલકોલની ઉત્ત્પત્તિ 15મી સદીમાં થઈ હતી. ઈટાલીના વનસ્પતિ વિજ્ઞાની મૈટિઓલીએ 1554માં તેની નોંધ લીધી હતી. તેમનું કહેવું હતું કે તાજેતરમાં ઈટાલિના માર્કેટમાં તે જોવા મળી હતી. ત્યારબાદ તેના સ્વાદને કારણે ધીમે ધીમે ઑસ્ટ્રિયા, જર્મની, ઈંગ્લેન્ડ, સ્પેન તથા પૂર્વી ભૂમધ્યસાગરીય ક્ષેત્રના કેટલાક ખાસ હિસ્સામાં તેની ખેતી મોટા પાયે થવા લાગી.
જર્મન શલજમની ખેતી ઠંડીની મોસમમાં કરવામાં આવે છે. તેનો પાક તૈયાર થતાં લગભગ 60 દિવસ લાગે છે. તે વિવિધ રંગમાં જોવા મળે છે. જેમ કે સફેદ, લીલી, જાંબુડી શલજમ ગણાવી શકાય. માટીની ઉપર ઊગે છે. વળી તેની પાન-ડાળી 2-3 ઈંચ જમીન ઉપર ફેલાય છે. તેને વારંવાર પાણી આપવું આવશ્યક છે. તેના પાન વારંવાર કાપી લેવામાં આવે છે. તેનો ઉપયોગ સલાડ તરીકે કરવામાં આવે છે. પાનની કુમાશ જળવાઈ રહે તે માટે તેની ડાળીને યોગ્ય માત્રામાં સતત પાણી મળી રહે તે આવશ્યક બની જાય છે.
ભારતમાં કોલરાબીનો ઉપયોગ લાંબા સમયથી થતો આવે છે. મુખ્ય ભોજનમાં તેનું સ્વાદિષ્ટ શાક કે કચુંબર ભારતીયો ઘણા શોખથી ખાતા હોય છે. ભારતીય વિવિધ ભાષામાં તેને અલગ-અલગ નામે ઓળખવામાં આવે છે. જેમ કે કાશ્મીરમાં મોંજ-હખ, કહેવામાં આવે છે. જેમાં મોંજ ગોળ ભાગને કહેવામાં આવે છે. જ્યારે હખ લાંબા પત્તેદાર ભાગને કહેવામાં આવે છે. હિન્દીમાં નોલ ખોલ કહેવાય છે. મહારાષ્ટ્રમાં નવલકોલ, તેલુગુ તથા તમિલમાં નુલકોલ કે નોલખોલ, ક્ન્નડમાં નવિલ કોસુ બંગાળીમાં સુહાઓ તરીકે ઓળખાય છે.
કોલરાબીમાં સમાયેલાં પોષક તત્ત્વોની વાત કરીએ તો વિટામિન સી, વિટામિન બી-6, પોટેશ્યિમ, મેગ્નેશ્યિમ, મેંગેનીઝ, ફૉલેટ તથા ફાઈબર સમાયેલાં છે. પ્રતિદિન એક વ્યક્તિને જોઈતી વિટામિન સીની 95 ટકા તથા ફાઈબરની 20 ટકા આવશ્યક્તાને પૂરી કરે છે. આયુર્વેદમાં જણાવ્યા મુજબ પિત્તની તકલીફ ધરાવતી વ્યક્તિ માટે કોલરાબીનું સેવન અત્યંત ઉપયોગી સાબિત થાય છે.
કોલરાબીના સ્વાસ્થ્ય લાભ
વજનને નિયંત્રણમાં રાખવામાં લાભકારી
કૅલરીનું પ્રમાણ ઓછું હોવાની સાથે ફાઈબરનું પ્રમાણ વધુ જોવા મળે છે. એક સર્વિંગમાં કોલરાબીમાં 36 ગ્રામ કૅલરી તથા 5 ગ્રામ ફાઈબર સમાયેલું હોય છે. જેથી લાંબા સમય સુધી ભૂખને શાંત રાખવામાં મદદરૂપ બને છે. કોલરાબીના પાન-ડાળીનો ઉપયોગ સલાડમાં કરવાથી સ્વાદ વધવાની સાથે શરીરને પોષક તત્ત્વો પૂરતાં પ્રમાણમાં મળશે.
રોગપ્રતિકારક શક્તિ વધારે છે
કોલરાબી પોષક તત્ત્વોથી ભરપૂર હોય છે. જેથી તેનું સેવન કરવાથી રોગપ્રતિરોધક શક્તિમાં વધારો થાય છે. જેને કારણે વારંવાર શરીરમાં નબળાઈ કે ચક્કર આવવાં જેવી તકલીફમાં રાહત મળે છે. વાયરલ કે બૅક્ટેરિયલ ચેપથી શરીરના વિવિધ અંગોને બચાવે છે. વિટામિન બી-6નું પ્રમાણ સારા પ્રમાણમાં સમાયેલું છે. જેને કારણે કોલરાબીના સેવનથી શરીરનાં અંગો ઉપર સોજા ઘટાડે છે અને પાચન શક્તિ મજબૂત બનાવે છે. શ્ર્વેત રક્તકોશિકાનું કામ સુચારૂ રીતે થાય તેમાં એ ઉપયોગી બને છે.
બ્લડપ્રેશરને નિયંત્રણમાં રાખે છે
કોલરાબીમાં પોટેશિયમનું પ્રમાણ સારી માત્રામાં હોય છે. જેથી લોહીની કોશિકાને મોટી કરીને લોહીનું દબાણ ઘટાડવામાં મદદ કરે છે. શ્ર્વાસની તકલીફ તેમજ માનસિક તાણને નિયંત્રિત કરવામાં નુલકોલ મદદરૂપ બને છે.
હૃદયની તંદુરસ્તી જાળવવામાં ફાયદાકારક
નુલકોલ ગ્લૂકોસિનોલેટસ્ તથા આઈસોથિયોસાઈનેટસ્નું એક સમૃદ્ધ સ્ત્રોત છે. જે હૃદયરોગ સંબંધિત જોખમને નિયંત્રિત કરવામાં મહત્ત્વપૂર્ણ ભૂમિકા ભજવે છે. ધમનીમાં લોહીને ગંઠાઈ જવાની શક્યતા રહેતી નથી.
કૅન્સર વિરોધી ગુણ ધરાવે છે
કોલરાબીમાં ગ્લૂકોસિનોલેટ સામગ્રીની માત્રા ઉપર વારંવાર સંશોધન થતું આવ્યું છે. જેને કારણે જાણવા મળે છે કે ગ્લૂકોસિનોલેટ આઈસોથિયોસાઈનેટમાં બદલાઈ જાય છે. જે કૅન્સર કોશિકામાં એપોપ્ટોસિસ (પ્રોગ્રામ્ડ ડેથ સેલ્સ)ગાંઠના વિકાસને રોકવામાં સક્ષમ ગણાય છે. એવી પણ માહિતી મળે છે કે કોલરાબી ક્રુસિફેરસ શાકમાં સ્થાન ધરાવે છે. જે ફેંફસાં, સ્તન કૅન્સર જેવા જોખમને ઘટાડવામાં મદદ કરે છે. કેમ કે તેમાં ભરપૂર માત્રામાં ઍન્ટિ-ઓક્સિડન્ટ, ફાઈબર, ગ્લૂકોસિનોલેટસ્નું સંયોજન જોવા મળે છે. જે કૅન્સર નિવારક આહારનું મૂલ્યવાન ઘટક ગણાય છે.
હાડકાંને મજબૂત બનાવે છે
નુલકોલમાં કેલ્શ્યિમ, મેંગેનીઝ, આયર્નની માત્રા કુદરતી રીતે જ ભરપૂર સમાયેલી હોય છે. જે હાડકાંને મજબૂત બનાવવામાં મદદ કરે છે. ઓસ્ટિયોપોરોસિસ જેવી હાડકાંની તકલીફથી બચવું હોય તો નુલકોલનો આહારમાં સમાવેશ લાભકારક બની રહેશે.
કોલરાબીનું સ્વાદિષ્ટ શાક
સામગ્રી: 3 કપ કોલરાબીના મધ્યમ આકારના ટુકડા, 1 નંગ ઝીણી કાપેલી ડુંગળી, 1 નંગ ઝીણું કાપેલું ટામેટું, 2 નંગ ઝીણું સમારેલું લીલું મરચું, 1 નાની ચમચી છીણેલું આદું, 1 નાની ચમચી ગરમ મસાલો, 1 મોટો ચમચો તલનું તેલ, સ્વાદાનુસાર મીઠું. 1 ચમચી વરિયાળીનો પાઉડર, 1 ચમચી જીરૂ. ચપટી હિંગ. સજાવટ માટે કોથમીર.
બનાવવાની રીત: સૌ પ્રથમ કોલરાબીને સ્વચ્છ પાણીથી સાફ કરી લેવી. ત્યારબાદ તેની ડાળખી કાપી લેવી. તેના ગોળ ભાગમાંથી મધ્યમ આકારના ટુકડા કરી લેવા. એક કડાઈમાં તલનું તેલ ગરમ કરવાં મૂકવું. તેમાં જીરું, હિંગ ઉમેરવું. કાપેલાં કાંદા સાંતળવા. કાંદા થોડા લાલ થાય ત્યારબાદ તેમાં ટામેટાં ઉમેરવાં. ગ્રેવી એકરસ બનાવવી. ત્યારબાદ તેમાં કોલરાબીના ટુકડા ઉમેરવાં. લીલા મરચાં-આદું ઉમેરવું. ઉપર પાણીની થાળી ઢાંકીને પકાવવું. પાંચ મિનિટ બાદ તેમાં ગરમ મસાલો, સ્વાદાનુસાર મીઠું, વરિયાળી પાઉડર ભેળવવો. કોથમીરથી સજાવીને તૈયાર કરવું. સૂકું શાક અત્યંત સ્વાદિષ્ટ બને છે. ગરમાગરમ રોટલી કે ગરમાગરમ ભાત સાથે તેનો સ્વાદ માણવામાં આવે છે.