રાયપુરઃ છત્તીસગઢ રાજ્યના જાંજગીર-ચાંપા જિલ્લાના એક ગ્રામ્ય વિસ્તારમાંથી ચોંકાવનારો મામલો સામે આવ્યો છે. સામાન્ય રીતે ઉનાળાના આકરા તાપના દિવસોમાં તરબૂચ એ અમૃત સમાન પાણી જેવું કામ કરે છે. કુદરતી મીઠાશ સાથે શરીરને સુકાતું બચાવે છે. પણ છત્તીસગઢમાં તરબૂચ ખાધા બાદ 15 વર્ષના એક કિશોરનું અકાળે મોત નીપજતા મામલો ચર્ચામાં આવ્યો. માત્ર મૃત્યુ જ નહીં એમની સાથે રહેલા બીજા કેટલાક બાળકો પણ બીમાર પડ્યા હતા, જેમને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડાયા હતા. ઘટના ગંભીર બની અને અધિકારીઓને ધ્યાને આવી.
કપાયેલું તરબૂચ ખાતા મૃત્યુ
વહીવટી અધિકારીએ ગંભીરતાને ધ્યાને લેતા જણાવ્યું હતું કે, આ ઘટના ઘુરકોટ ગામે બની હતી, અહીં બાળકો પોતાના મામાના ઘરે વેકેશન મનાવવા માટે આવ્યા હતા. તબીબોએ કેસ તપાસ્યા બાદ જણાવ્યું કે, લાંબા સમય સુધી કપાયેલું તરબૂચ ખાધા બાદ બાળકોની હાલત ખરાબ થઈ હતી. આ તમામને ઈન્ફેક્શન લાગ્યું હતું. પછી ઘરે રાખેલું તરબૂત ફૂડ ટેસ્ટિંગ લેબમાં તપાસ હેતું મોકલવામાં આવ્યું. પોલીસે આ કેસમાં તપાસ બાદ જણાવ્યું હતું કે, આ મૃતકનું નામ અખિલેશ ધીવર છે. જે બાળકો બીમાર પડ્યા છે એ તમામ આસપાસના ગ્રામ્ય વિસ્તારના જ છે. તરબૂત ખાધા બાદ બાળકોની તબિયત લથડી હતી, આ બાળકોને અચાનક ઊલ્ટી શરૂ થઈ ગઈ હતી.
ફૂડ પોઈઝનિંગની આશંકા
જિલ્લા સિવિલ હોસ્પિટલના સર્જન ડૉ. એસ.કુજુરે કહ્યું હતું કે, પ્રાથમિક તપાસમાંથી તો એ વિગત સામે આવી કે, લાંબા સમય સુધી કપાયેલું તરબૂચ ખાધા બાદ બાળકોની તબિયત બગડી. થોડા સમય બાદ અખિલેશ અને બીજા બાળકોને અચાનક ઊલ્ટી શરૂ થઈ, ઘણાને અચાનક ઉધરસ ઉપડી, શ્વાસ લેવામાં મુશ્કેલી પડી. ત્રણથી ચાર બાળકોમાં આ પ્રકારના લક્ષણો જોવા મળતા ફૂડને ટેસ્ટિંગ માટે મોકલી દેવામાં આવ્યું. ત્રણ બાળકોની હાલત ગંભીર હોવાનું સામે આવતા ઈમરજન્સી વૉર્ડમાં એમની સારવાર ચાલું છે. કપાયેલું તરબૂચ ખાધા બાદ ઈન્ફેક્શન થયું. ફૂડ પોઈઝનિંગ થયું હોવાની હાલ આશંકા છે.
એક જ પરિવારમાં ચારનાં મોત
જે મૃતકના શરીરને પોસ્ટમોર્ટમ માટે રવાના કરાયા છે. ફોરેન્સિક તપાસ શરૂ કરવામાં આવી છે. આ સાથે ઘરમાં રખાયેલા એક અન્ય તરબૂચની પણ તપાસ કરવામાં આવી રહી છે. ફોરેન્સિક રિપોર્ટ સામે આવ્યા બાદ જ સાચું કારણ જાણી શકાશે. તરબૂચનો એક કિસ્સો મુંબઈમાંથી પણ સામે આવ્યો છે, આ કેસમાં નોનવેજ સાથે તરબૂચ ખાધા બાદ પરિવારના ચાર વ્યક્તિઓની તબિયત લથડી હતી. પછી એમનું મોત નીપજ્યું હતું.
આ ઘટના ગત મહિનાની 25-26 તારિખની હોવાનું જાણવા મળ્યું છે. શરૂઆતમાં આ કેસ ફૂડ પોઈઝનિંગનો હોવાનું જણાતું હતું પણ ડોકાડિયા પરિવારમાં ચાર સભ્યોના અવસાન ઉંદર મારવા માટેના ઝેરથી થયું હોવાનું જાણવા મળ્યું હતું. આ કેસમાં પણ તરબૂચના નમૂના ટેસ્ટિંગ માટે મોકલી દેવાયા છે.