Tue Oct 06 2026

Logo

કચ્છ પર 'જળ સંકટ'ની તલવાર: ઉનાળાના પ્રારંભે જ ૨૦ ડેમોમાં માત્ર ૩૯% પાણી, પાંચ ડેમ તળિયાઝાટક

2026-03-04 13:15:00
Author: Mumbai Samachar Team
કચ્છ પર 'જળ સંકટ'ની તલવાર: ઉનાળાના પ્રારંભે જ ૨૦ ડેમોમાં માત્ર ૩૯% પાણી, પાંચ ડેમ તળિયાઝાટક

ભુજઃ  કચ્છમાં આકરા ઉનાળાની હજુ તો શરૂઆત થઇ છે ત્યાં જ આ સરહદી જિલ્લા માટે ચિંતાજનક સમાચાર સામે આવ્યા છે. ગરમીનો પારો વધવાની સાથે જ કચ્છના મધ્યમ સિંચાઈના ડેમોમાં પાણીનું સ્તર રોકેટ ગતિએ નીચે ઉતરી રહ્યું છે. હાલની સ્થિતિએ જિલ્લાના મહત્વના ૨૦ ડેમોમાં સરેરાશ માત્ર ૩૯.૮૧ ટકા જેટલો જ જથ્થો બચ્યો છે, જે રાજ્યના અન્ય ઝોનની સરખામણીએ સૌથી ઓછો છે.

વર્ષાઋતુને હજુ ચાર મહિના જેટલી વાર છે ત્યારે માર્ચની શરૂઆતમાં જ જળસંગ્રહમાં મોટો ઘટાડો જોવા મળ્યો છે. જિલ્લાના ૨૦ ડેમોની કુલ સંગ્રહ ક્ષમતા ૩૨૫.૨૬ મિલિયન કયુબિક મીટર છે, જેની સામે અત્યારે માત્ર ૧૨૯.૫૦ મિલિયન કયુબિક મીટર પાણી ઉપલબ્ધ છે. તેમાં પણ પાંચ મહત્વના ડેમો— કાલિયા, રુદ્રમાતા, કાસવતી, નિરોણા અને ગજોડ લગભગ તળિયાઝાટક થઈ ગયા છે. આ ડેમોમાં જીવંત જળરાશિ ૨૦ ટકાથી પણ ઓછી રહી છે, જે સૂચવે છે કે ખેતી અને પશુપાલન પર નભતા કચ્છ માટે આગામી દિવસો કપરા સાબિત થઈ શકે છે. 

નોંધનીય છે કે, કચ્છમાં છેલ્લા કેટલાક વર્ષોથી સારો વરસાદ વરસી રહ્યો છે અને ડેમો પણ છલકાય છે, પરંતુ જિલ્લાની વિશિષ્ટ ભૌગોલિક સ્થિતિ અને બાષ્પીભવનના ઊંચા દરને કારણે પાણીનું સ્તર ઝડપથી ઘટે છે. આ સંજોગોમાં, નિષ્ણાતોનું માનવું છે કે માત્ર વરસાદ પર નિર્ભર રહેવાને બદલે નર્મદાના વધારાના પાણીનો મહત્તમ ઉપયોગ કરી ડેમોને બારેમાસ ભરાયેલા રાખવા માટે નક્કર આયોજન અનિવાર્ય છે. 

નાની અને મધ્યમ સિંચાઈ યોજનાઓની ક્ષમતા વધારવામાં નહીં આવે, તો દર વર્ષે ઉનાળામાં કચ્છે આ જ રીતે પાણીની તંગીનો સામનો કરવો પડશે. જો સમયસર જળ વ્યવસ્થાપન કરવામાં ન આવ્યું તો મે અને જૂન મહિનામાં સ્થિતિ વધુ વિકટ બની શકે છે.

(ઉત્સવ વૈદ્ય)