Tue Sep 08 2026

Logo

હુમલાખોર કોલ થોમસ એલનને ના રોકી શકી અમેરિકી સુરક્ષા એજન્સીઓ! આ ચેતવણી હતી કે કાવતરું?

Washington dc   2026-04-26 21:12:36
Author: Vimal Prajapati
હુમલાખોર કોલ થોમસ એલનને ના રોકી શકી અમેરિકી સુરક્ષા એજન્સીઓ! આ ચેતવણી હતી કે કાવતરું?

વોશિંગ્ટન ડીસીઃ અમેરિકાની રાજધાની વોશિંગ્ટન ડીસીમાં આવેલી હિલ્ટન હોટલમાં  બનેલી ઘટનાના કારણે અફરાતફરી મચી ગઈ હતી. અહીં આયોજિત 'વ્હાઈટ હાઉસ કોરેસ્પોન્ડન્ટ્સ ડિનર'માં અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ, પ્રથમ મહિલા મેલેનિયા ટ્રમ્પ અને ઉપરાષ્ટ્રપતિ જે.ડી. વેન્સ સહિત અનેક વરિષ્ઠ અધિકારીઓ સાથે 2600 લોકો હાજર હતા, ત્યારે અચાનક થયેલા ગોળીબારે સુરક્ષા વ્યવસ્થા પર સવાલો કર્યાં છે. 

સુરક્ષા હોવા થતાં આરોપી રાષ્ટ્રપતિ સુધી કેવી રીતે પહોંચ્યો?

આ કાર્યક્રમમાં પ્રવેશવા માટે કડક સુરક્ષા વ્યવસ્થા હતી અને પ્રવેશ માટે ફક્ત આમંત્રણ કાર્ડ ધરાવતા લોકોને જ મંજૂરી હતી. છતાં, હુમલાખોર કોલ થોમસ એલન એક શૉટગન, એક હેન્ડગન અને અનેક ચાકુઓ સાથે સિક્યુરિટી ચેકપોઈન્ટ સુધી પહોંચી ગયો હતો. આરોપીએ ચેકપોઈન્ટ પાસે તેણે 4-5 રાઉન્ડ ફાયરિંગ કર્યું હતું. સીક્રેટ સર્વિસ અને હુમલાખોર વચ્ચે થયેલા એન્કાઉન્ટરમાં એક એજન્ટ ઘાયલ પણ થયો છે. જે સુરક્ષા કર્મી ઘાયલ થયો તે રાષ્ટ્રપતિના સ્ટેજથી માત્ર 140 ફૂડ દૂર હતો. 

આટલા શસ્ત્રો સાથે આરોપી અંદર સુધી કેવી રીતે પહોંચ્યો?

આ સમગ્ર મામલે સૌથી મોટો પ્રશ્ન એ છે કે, 48 કલાક પહેલા થયેલા એડવાન્સ સર્વે, સ્નાઈપર્સ, ડ્રોન સર્વેલન્સ અને મેગ્નેટોમીટર હોવા છતાં, એક વ્યક્તિ આટલા શસ્ત્રો સાથે કેવી રીતે પહોંચ્યો? આ સુરક્ષા એજન્સીઓની ગંભીર ક્ષતિ સૂચવે છે. અમેરિકા પાસે વિશ્વની સૌથી શક્તિશાળી સુરક્ષા એજન્સીઓ હોવા છતાં પણ આવી ચૂક કેવી રીતે થઈ તેના સવાલો થઈ રહ્યાં છે. 

આ હુમલાનું કાવતરું કોના ઈશારે ઘડાયું?

કોલ થોમસ એલન એક અત્યંત શિક્ષિત અને હોશિયાર વ્યક્તિ હોવા છતાં આ હુમલાખોર કેવી રીતે બન્યો? તે પોતાની જાતે આ હુમલાનું કાવતરું ઘડી રહ્યો હતો કે કોઈના ઈશારે? તેના ઘરેથી મળેલી સામગ્રી અને તેના ભૂતકાળની તપાસ કરી રહેલી FBI અને સીક્રેટ સર્વિસ સામે હવે સૌથી મોટો સવાલ એ છે કે 'આધુનિક સુરક્ષાના દાવા' હોવા છતાં આ હુમલો કેવી રીતે થયો. હાલમાં સમગ્ર મામલાની તપાસ ચાલી રહી છે અને સુરક્ષા પ્રોટોકોલમાં ફેરફાર કરવાની માંગ ઉઠી છે. 

હુમલાખોર કોલ થોમસ એલનની 'કુંડળી'

FBI ની ટીમે જ્યારે લોસ એન્જલસમાં સ્થિત હુમલાખોર કોલ થોમસ એલનના ઘરે તપાસ કરી, ત્યારે તેના વિશે ચોંકાવનારી વિગતો બહાર આવી છે.  2017માં મિકેનિકલ એન્જિનિયરિંગમાં સ્નાતક થયો, કમ્પ્યુટર સાયન્સમાં માસ્ટર ડિગ્રી, પ્રતિષ્ઠિત કેલ્ટેક યુનિવર્સિટીમાં શિક્ષણ મેળવ્યું, C-2 એજ્યુકેશનમાં પાર્ટ-ટાઇમ શિક્ષક તરીકે કામ કર્યું, ડિસેમ્બર 2024 માં 'શ્રેષ્ઠ શિક્ષક એવોર્ડ' મેળવ્યો, વીડિઓ ગેમ્સ પણ વિકસાવી, વ્હીલચેર માટે ઇમરજન્સી બ્રેક સિસ્ટમની શોધ કરી અને 2017 માં સ્થાનિક અખબારોમાં તેનું નામ પ્રકાસિત થયું. આટલો પ્રતિષ્ઠિત વ્યક્તિ હુમલાખોર કેવી રીતે બની ગયો? તે એક પ્રશ્ન છે.