જ્યોતિષશાસ્ત્રમાં ગ્રહો અને નક્ષત્રોના ગોચરથી અવારનવાર અનેક શુભ અને અશુભ યોગોનું નિર્માણ થાય છે. વૈદિક પંચાંગ અનુસાર, આજે એટલે કે ચોથી જૂન, 2026ના રોજ સૂર્ય અને ચંદ્રની એક વિશેષ અને દુલર્ભ સ્થિતિના કારણે વૈધૃતિ યોગ સર્જાવા જઈ રહ્યો છે. જ્યોતિષીય દ્રષ્ટિએ આ યોગ ખૂબ જ મહત્વપૂર્ણ માનવામાં આવે છે, કારણ કે તેની ગણતરી સૌથી વધુ અશુભ અને કાર્યોમાં બાધા પેદા કરનારા યોગોમાં થાય છે.
મુંબઈના જાણીતા જ્યોતિષાચાર્યના જણાવ્યા અનુસાર આજે એટલે કે ચોથી જૂનના સાંજે 6.09 કલાકે આ યોગ શરૂ થશે, જેની નકારાત્મક અસરો તમામ રાશિઓ પર પડી શકે છે. જોકે, આ અશુભ સમયગાળામાં પણ ચાર ખાસ રાશિઓ એવી ભાગ્યશાળી સાબિત થશે, જેમને કરિયર અને આર્થિક મોરચે બમ્પર લાભ થવાના સંકેત છે. ચાલો જોઈએ કઈ છે આ ભાગ્યશાળી રાશિઓ...
વાત કરીએ આ યોગને અશુભ કેમ માનવામાં આવે છે એની તો સૂર્ય અને ચંદ્રમાના દેશાંતરના વિશેષ સંયોગથી બને છે, જેને નકારાત્મક શક્તિઓને પ્રબળ કરનારો ગણવામાં આવે છે. આ સમય દરમિયાન સામાન્ય રીતે જાતકોને ધન સંબંધિત મુશ્કેલીઓ, દાંપત્ય જીવનમાં તણાવ, સ્વાસ્થ્ય સંબંધી અસંતુલન અને માનસિક ચિંતાઓનો સામનો કરવો પડે છે. આથી જ જ્યોતિષીઓ આ સમયગાળામાં વિશેષ સતર્ક રહેવાની સલાહ આપે છે.
મેષ:
મેષ રાશિના જાતકો માટે વૈધૃતિ યોગ આર્થિક રીતે અત્યંત ફળદાયી સાબિત થશે. કાર્યક્ષેત્રમાં તમારી સખત મહેનતની પ્રશંસા થશે અને સિનિયર્સ તમારા કામને બિરદાવશે. લાંબા સમયથી અટકેલા નાણાં પરત મળવાના મજબૂત યોગ છે અને રોકાણ માટે સમય અનુકૂળ છે. પરિવારમાં સુખ-શાંતિ રહેશે અને જીવનસાથીનો ભરપૂર સહયોગ મળશે.
સિંહ:
સૂર્યની આ વિશેષ સ્થિતિ સિંહ રાશિના જાતકોના આત્મવિશ્વાસમાં બમણો વધારો કરશે. સમાજ અને કાર્યસ્થળે પદ-પ્રતિષ્ઠા વધશે. રાજકારણ કે સામાજિક કાર્યો સાથે જોડાયેલા લોકોને મોટું પદ મળી શકે છે. કોઈ નવી વ્યવસાયિક ડીલ થવાથી ભવિષ્યમાં મોટો નફો થશે અને સ્વાસ્થ્યમાં સુધારો થતાં તમે ઉર્જાવાન અનુભવ કરશો.
તુલા:
આ યોગ તુલા રાશિના જાતકોના જીવનમાં સંતુલન અને ખુશીઓ લાવશે. નવી નોકરીની શોધ કરી રહેલા લોકોને મનગમતી તક મળશે અને ઓફિસમાં મોટી જવાબદારી મળી શકે છે. આવકના નવા સ્ત્રોત ઉભા થવાથી બેંક બેલેન્સ વધશે. પ્રેમ સંબંધોમાં મધુરતા આવશે અને મિત્રો સાથે સારો સમય વિતશે.
ધન:
ધન રાશિના લોકોને આ સમયે ભાગ્યનો પૂરો સાથ મળશે અને ધાર્મિક કાર્યોમાં રસ વધશે. કોઈ લાંબી અને લાભદાયી યાત્રાના યોગ બની રહ્યા છે. વિદ્યાર્થીઓ માટે આ સમય પરીક્ષાઓમાં ધાર્યું અને સારું પરિણામ આપનારો રહેશે. આ ઉપરાંત પૈતૃક સંપત્તિથી મોટો આર્થિક લાભ થવાની પૂરેપૂરી શક્યતા છે.