Sat Sep 05 2026

Logo

શ્રીલંકન ખેલાડીએ કહ્યું, `જા, તું હવે ઘરે જા...': વૈભવે માર્યો ધક્કો, પ્રતિબંધ કે દંડ થશે?

Dambulla   2026-06-16 17:30:00
Author: Ajay Motiwala
શ્રીલંકન ખેલાડીએ કહ્યું, `જા, તું હવે ઘરે જા...': વૈભવે માર્યો ધક્કો, પ્રતિબંધ કે દંડ થશે?

દમ્બુલાઃ અહીં સોમવારે ઇન્ડિયા-એ અને શ્રીલંકા-એ વચ્ચેનો વન-ડે ટ્રાયેન્ગ્યુલરનો મુકાબલો મૅચના પરિણામ કરતાં એમાં બનેલી ઘટના માટે વધુ ચર્ચાસ્પદ રહ્યો છે જેમાં અહેવાલ મુજબ શ્રીલંકન ખેલાડી વિશેન હલમબાગેની ઉશ્કેરણીને પગલે 15 વર્ષીય ભારતીય ખેલાડી વૈભવ સૂર્યવંશીએ તેને ધક્કો માર્યો હતો અને એ કિસ્સામાં વૈભવને કોઈ પ્રકારની સજા થશે? કોઈ દંડ કરવામાં આવશે કે ઠપકો આપીને છોડી દેવામાં આવશે એ વિશે ક્રિકેટપ્રેમીઓમાં ખૂબ ચર્ચા છે.

સૂર્યાંશ શેડગેના 72 રન અને વિપ્રજ નિગમના 51 રનની મદદથી ઇન્ડિયા-એ ટીમે 265 રન બનાવ્યા હતા. શ્રીલંકા-એ ટીમ સદીરા સમરાવિક્રમાના 93 રન છતાં 50 ઓવરમાં નવ વિકેટે 265 રન બનાવી શકતા મૅચ ટાઇ થઈ હતી અને સુપર ઓવર રાખવામાં આવી હતી જેમાં શ્રીલંકા-એના 16 રનના જવાબમાં ભારત ફક્ત નવ રન બનાવી શકતા હારી ગયું હતું. વૈભવ સૂર્યવંશીએ મુખ્ય મૅચમાં 21 રન અને સુપર ઓવરમાં ફક્ત અણનમ છ રન બનાવ્યા હતા.

આ વિવાદાસ્પદ મૅચમાં અમ્પાયરે શ્રીલંકન ટીમને 10 રન પેનલ્ટીના રૂપમાં આપ્યા હતા. નબળો પ્રકાશ પણ બન્ને ટીમ માટે વિઘ્ન બન્યો હતો. સુપર ઓવરમાં વૈભવ (Vaibhav) ઇન્ડિયા-એને ન જિતાડી શક્યો એ બાદ સાથી ઓપનર સૂર્યાંશ શેડગે સાથે પાછો આવી રહ્યો હતો ત્યારે ડ્રામા શરૂ થયો હતો. કહેવાય છે કે વૈભવને ઉશ્કેરવા શ્રીલંકાનો ખેલાડી વારંવાર કંઈક બોલ્યો હતો. વૈભવ નજીક આવતાં વિશેન (Vishen) બોલ્યો, `મૅચ પૂરી થઈ ગઈ, જા...હવે ઘરે જા.' એવો પણ અહેવાલ છે કે શ્રીલંકન પ્લેયરે વૈભવને ગાળ પણ આપી હતી એટલે વૈભવને ગુસ્સો આવ્યો હતો અને તેણે વિશેનને ધક્કો માર્યો હતો. વિશેને તેને સામો ધક્કો માર્યો હતો. બન્ને મારામારી સુધી આવી ગયા હતા, પણ બન્ને ટીમના ખેલાડીઓએ એકમેકને સમજાવ્યા હતા અને મામલો શાંત થઈ ગયો હતો.

જોકે હવે સવાલ એ છે કે વૈભવે કે શ્રીલંકન ખેલાડીએ આઇસીસીની આચારસંહિતાનો ભંગ કર્યો હતો કે નહીં? સીધી વાત છે કે આ `જેન્ટલમૅન્સ ગેમ' છે જેમાં કોઈ પણ ખેલાડી અન્ય કોઈ પ્લેયર સાથે કે કોચિંગ સ્ટાફના મેમ્બર સાથે હાથચાલાકી ન કરી શકે કે બૅટ કે બૉલથી તેના પર હુમલો પણ ન કરી શકે. વૈભવથી ક્રોધમાં જે થઈ ગયું એમાં તેણે આચારસંહિતાની કલમ 2.12નું ઉલ્લંઘન કર્યું કહેવાય. આવા વર્તન બદલ ખેલાડીને ગંભીર સજા થઈ શકે, પરંતુ આઇસીસી સામાન્ય રીતે કોઈ દેશની `એ' સ્તરની ટીમની સિરીઝ સાથે સંકળાયેલા ગેરશિસ્ત બાબતમાં નિર્ણય નથી લેતી. આવી શ્રેણી માટે આઇસીસી દ્વારા કોઈ મૅચ-ઑફિશિયલ (નિરીક્ષક)ની નિયુક્તિ પણ નથી થતી હોતી. એ જોતાં, 15 વર્ષીય વૈભવ સામે કોઈ પ્રકારની કાર્યવાહી થવાની સંભાવના નથી. જો આઇસીસીના ઑબ્ઝર્વર નિયુક્ત થયા હોત તો વૈભવ સામે એક-બે મૅચના પ્રતિબંધ જેવું કોઈ પગલું ભરાયું હોત અથવા દંડ પણ જાહેર કરાયો હોત.